દ્રષ્ટિહીન યુવકે UPSCમાં દેશભરમાં 20મો રેન્ક મેળવી ઈતિહાસ રચ્યો

UPSC Success Story: દ્રષ્ટિહીન રવિરાજે મુશ્કેલીઓને માત આપી UPSCમાં 20મો ક્રમ મેળવ્યો. દ્રઢ મનોબળથી મેળવેલી આ સિદ્ધિ બહુજન સમાજના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનશે.
20th rank in UPSC

UPSC Success Story: ગુજરાતીમાં એક કહેવત છે, “મન હોય તો માળવે જવાય”, પરંતુ બિહારના નવાદા જિલ્લાના નાના એવા મહુલી ગામના રવિ રાજે આ કહેવતને અક્ષરશઃ જીવી બતાવી છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષાના તાજેતરના પરિણામોમાં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 20 હાંસલ કરીને રવિએ સાબિત કરી દીધું છે કે જો મનોબળ મક્કમ હોય, તો શારીરિક મર્યાદાઓ કે સામાજિક પડકારો ક્યારેય સફળતાની આડે આવતા નથી. સંપૂર્ણપણે દ્રષ્ટિહીન હોવા છતાં, રવિએ દેશની સૌથી કઠિન ગણાતી પરીક્ષામાં ટોપર્સની યાદીમાં સ્થાન મેળવીને એક નવો ઈતિહાસ રચ્યો છે. આ સફળતા માત્ર રવિની નથી, પણ એ દરેક યુવાનની છે જે અભાવમાં પણ આકાશ આંબવાના સપના જુએ છે.

દ્રષ્ટિહીન રવિ માટે તેની માતા ‘આંખો’ બની

રવિ રાજની આ સફળતા પાછળ તેની વર્ષોની તપસ્યા અને તેની માતા વિભા દેવીનો અજોડ ત્યાગ રહેલો છે. રવિની દ્રષ્ટિ બાળપણથી જ નબળી હતી અને વર્ષ 2016 સુધીમાં તેણે પોતાની જોવાની ક્ષમતા સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. અંધકારમય બનેલી દુનિયામાં તેની માતા તેની ‘આંખો’ બની. વિભા દેવીએ એક શિક્ષક અને માર્ગદર્શકની ભૂમિકા ભજવી. તેમણે કલાકો સુધી રવિને પુસ્તકો વાંચી સંભળાવ્યા, જટિલ મુદ્દાઓ સમજવામાં મદદ કરી અને તેના માટે ખાસ ઓડિયો નોટ્સ તૈયાર કરી.

જ્યારે રવિ પરીક્ષા આપવા બેસતો, ત્યારે તેની માતા જ ‘સ્ક્રાઈબ’ (લખનાર) તરીકે તેની સાથે રહેતી. રવિ બોલતો જતો અને તેની માતા કાગળ પર તેના વિચારો ઉતારતી જતી. આ દ્રશ્ય એ વાતની સાબિતી છે કે સફળતા માટે માત્ર આંખોની જરૂર નથી, પણ એક મજબૂત ટેકા અને અટલ શ્રદ્ધાની જરૂર હોય છે. રવિએ સાબિત કર્યું કે માતૃશક્તિ અને પુત્રની મહેનત મળે ત્યારે ઈતિહાસ લખાય છે.

આ પણ વાંચો: ઈંટો ઉપાડતી માતાના પુત્રને કેલિફોર્નિયા યુનિ.એ 75 લાખની સ્કોલરશીપ આપી

ખાન સર સહિતના નિષ્ણાતોના લેક્ચર્સ સાંભળી તૈયારી કરી

દ્રષ્ટિબાધિત ઉમેદવારો માટે બજારમાં બ્રેઈલ લિપિ કે ઓડિયોમાં અભ્યાસ સામગ્રી ખૂબ જ મર્યાદિત હોય છે. રવિએ આ પડકારને પોતાની તાકાત બનાવી. તેણે ડિજિટલ યુગનો ભરપૂર ઉપયોગ કર્યો. યુટ્યુબ પર ખાન સર અને અન્ય નિષ્ણાત શિક્ષકોના લેક્ચર્સ સાંભળીને તેણે પોતાની સમજ કેળવી. રવિ દરરોજ સરેરાશ 10 કલાક અભ્યાસ કરતો હતો. તેણે ક્યારેય પોતાની અપંગતાને બહાનું નથી બનાવી, પણ તેને એક પડકાર તરીકે સ્વીકારીને આગળ વધ્યો છે.

4 વાર નિષ્ફળતા મળી, 5મી વાર સફળતા સાંપડી

આ રવિનો પાંચમો પ્રયાસ હતો. અગાઉ 2024 માં તેણે UPSC માં 182મો રેન્ક મેળવ્યો હતો. તે પહેલાં 69મી BPSC (બિહાર જાહેર સેવા આયોગ) માં પણ તેની પસંદગી થઈ હતી. જોકે, તેનું લક્ષ્ય આઈએએસ (IAS) બનીને સમાજની સેવા કરવાનું હતું. રેન્ક 182 થી સીધો રેન્ક 20 પર પહોંચવાની આ લાંબી છલાંગ તેની અવિરત મહેનત અને ક્યારેય હાર ન માનવાની વૃત્તિનું પરિણામ છે. તે જાણતો હતો કે એક દલિત-બહુજન પરિવારમાંથી આવતા યુવાન માટે શિક્ષણ જ એ શસ્ત્ર છે જે તેને સન્માન અપાવી શકે છે.

આ પણ વાંચો: દલિત યુવકની જાનમાં ફટાકડા ફોડવા મુદ્દે લાકડીઓ-દંડાથી હુમલો

બહુજન યુવાનો માટે પ્રેરણાનું ઝરણું

રવિ રાજની આ સિદ્ધિ સામાજિક રીતે પછાત અને આર્થિક રીતે નબળા એવા બહુજન સમાજના યુવાનો માટે એક મોટો સંદેશ છે. જ્યારે સમાજમાં હજી પણ ભેદભાવ અને અસમાનતા પ્રવર્તે છે, ત્યારે રવિ જેવો યુવાન જ્યારે શારીરિક ક્ષતિ હોવા છતાં દેશના સર્વોચ્ચ વહીવટી તંત્રમાં સ્થાન મેળવે છે, ત્યારે તે હજારો યુવાનોના આત્મવિશ્વાસમાં વધારો કરે છે.

આ સફળતા એ બાબત પર મહોર મારે છે કે જો દ્રષ્ટિહીન યુવાન આટલું મોટું લક્ષ્ય મેળવી શકતો હોય, તો અન્ય યુવાનો કેમ નહીં? રવિએ બતાવ્યું છે કે તમારી પાસે સુવિધાઓ કેટલી છે તેના કરતા તમારો સંકલ્પ કેટલો મજબૂત છે તે વધુ મહત્વનો છે. રવિ રાજની સફળતા આપણને યાદ કરાવે છે કે, સફળતા કોઈ ખાસ વર્ગ કે વિશેષાધિકાર ધરાવતા લોકોની જાગીર નથી. દ્રઢ મનોબળ અને પરિવારનો નિઃસ્વાર્થ સાથ હોય તો અશક્યને પણ શક્ય બનાવી શકાય છે.

આ પણ વાંચો: ધો. 10માં માત્ર 35 માર્ક્સ આવ્યા હતા, તેઓ આજે રાજકોટના કમિશનર છે

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x