સવર્ણ હિંદુઓની તરફદાર અને દલિત વિરોધી માનસિકતા ધરાવતા ભાજપના રાજમાં ગુજરાતમાં દલિતોને ન્યાય માટે કઈ હદે ભીખ માંગવી પડી રહી છે તેના અનેક ઉદાહરણો આપણી સામે મોજૂદ છે. પરંતુ તાજો દાખલો બોટાદ જિલ્લાના સરવઈ ગામનો છે. અહીં 14 વર્ષ પહેલા એક દલિત યુવકનું અપહરણ કરાયું હતું અને ત્યારબાદ સંદિગ્ધ પરિસ્થિતિમાં તેની લાશ મળી આવી હતી. આ કેસમાં આજની તારીખે મૃતક યુવકનો પરિવાર ન્યાય માટે ભટકી રહ્યો છે. મૃતક યુવકનો પરિવાર દલિત આગેવાનો સાથે છેલ્લાં 10 દિવસથી ધરણાં પર બેઠો છે, પરિવારજનો આ કેસમાં ખાસ સરકારી વકીલની નિમણૂંક કરવાની માંગ કરી રહ્યાં છે પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી.
ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લાના સરવઈ ગામના અનુસૂચિત જાતિ સમાજના યુવાન રાજુભાઈ પરમારનું તા. 13 એપ્રિલ 2011ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમની લાશ સંદિગ્ધ હાલતમાં મળી આવી હતી. આ ઘટના માત્ર હત્યા નહીં પરંતુ અનુસૂચિત જાતિ સામે કરાયેલ ગંભીર અપરાધ છે. છતાં હકીકત એ છે કે 14 વર્ષ વીતી ગયા હોવા છતાં પીડિત પરિવારને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી.
આ પણ વાંચો: 15 ગામોમાં મહિલાઓના સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ મૂકાયો!
કેસની તપાસ સ્થાનિક પોલીસ, સી.આઈ.ડી. સુધી પહોંચી, જિલ્લા અદાલત અને હાઈકોર્ટ સુધી પીડિત પરિવારને દોડાવવામાં આવ્યો. કોર્ટના હુકમ અને ગાંધીનગર ગૃહ વિભાગના આદેશ બાદ પણ તપાસ અને પ્રોસિક્યુશન પ્રક્રિયામાં સતત ઢીલાશ, બેદરકારી અને તારીખ પે તારીખ પાડવામાં આવી રહી છે.
હાલ કેસ સેશન્સ કોર્ટ બોટાદમાં સ્પેશિયલ એટ્રોસિટી કેસ તરીકે ચાલુ છે. છતાં અત્યાચાર નિવારણ અધિનિયમ હેઠળ ફરજિયાત હોવા છતાં આજદિન સુધી ખાસ સરકારી વકીલ(સ્પેશલ પબ્લિક પ્રોસિક્યુટર)ની નિમણૂક કરવામાં આવી નથી. આ સીધેસીધી રીતે કાયદાની અવહેલના અને ન્યાય પ્રક્રિયાને નબળી પાડવાનો પ્રયાસ છે.
ન્યાયથી વંચિત પીડિત પરિવાર છેલ્લા દસ દિવસથી બોટાદ કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેઠો છે. અનેક લેખિત રજૂઆતો, આંદોલન અને અપીલો છતાં સરકાર અને પ્રશાસન તરફથી ફક્ત ફાઈલો ફેરવવાની રમત ચાલી રહી છે. પરિવારને ગોળગોળ જવાબ આપી માનસિક રીતે તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જે અત્યંત નિંદનીય છે.
આ પણ વાંચો: ઉન્નાવ રેપ પીડિતા સેંગરના જામીનના વિરોધમાં ધરણાં પર બેઠી
પીડિત પરિવારની સ્પષ્ટ અને વાજબી માંગ છે કે, કેસમાં તાત્કાલિક ખાસ સરકારી વકીલ(સ્પેશલ પબ્લિક પ્રોસિક્યુટર)ની નિમણૂક કરવામાં આવે. તપાસ અને કાયદેસર કાર્યવાહી સંપૂર્ણ પારદર્શક અને અસરકારક રીતે હાથ ધરવામાં આવે. પીડિત પરિવારને કેસની તમામ માહિતી સમયસર આપવામાં આવે. પરિવારની પસંદગી મુજબ સ્પેશલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરી ન્યાય સુધીની તેમની પહોંચ સુનિશ્ચિત કરવામાં આવે.
આ કેસમાં સરકારની નિષ્ક્રિયતા સાબિત કરે છે કે અનુસૂચિત જાતિના લોકોના જીવ અને ન્યાય પ્રત્યે રાજ્યયંત્ર ગંભીર નથી. જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને પ્રશાસનની રહેશે. ગુજરાત રાજ્યના જવાબદાર મંત્રીઓએ આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી ખાસ સરકારી વકીલની નિમણૂક કરવી જોઈએ. આ માત્ર એક પરિવારનો પ્રશ્ન નથી પરંતુ ન્યાય, બંધારણ અને માનવ અધિકારનો સવાલ છે.
(રિપોર્ટઃ કાંતિલાલ પરમાર, માનવ અધિકાર કાર્યકર, અમદાવાદ)
આ પણ વાંચો: 15 વર્ષની દલિત દીકરી પર ગેંગરેપ, મૃતદેહ પણ દાટી દેવાયો!













Ye Hindu jatankvadi or aatankvadi ki paidash hai