અમરેલી કોર્ટ પરિસરમાં આયોજિત બંધારણ દિવસની ઉજવણીનાં પરિસંવાદમાં સરકારી વકીલ મમતા ત્રિવેદીએ ઉપસ્થિત મહેમાનોને મનુસ્મૃતિ ભેટમાં આપતા ચકચાર મચી ગઈ છે. આ પરિવસંવાદમાં અમરેલી જિલ્લા સેશન્સ જજ, અન્ય જજો, વકીલો તથા અમરેલી જિલ્લાનાં એસ.પી. પણ હાજર હતાં. બંધારણ દિવસની ઉજવણીનું સંચાલન મમતા ત્રિવેદીનાં હાથમાં હતું જેનો લાભ લઈને પોતાને અને પોતાના પૂર્વજોને ધર્મ, ધન અને સત્તાનાં ઉચ્ચ શિખરે મોખરે લઈ જનારી અને હજારો વરસોથી બહુજન વંચિતોનાં જીવતર બદતર કરનારી મનુસ્મૃતિ ભેટમાં આપવાનો કારસો રચ્યો હતો.
એક તરફ દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ પર જૂતું ફેંકાઈ રહ્યું છે બીજી તરફ અમરેલી કોર્ટ પરિસરમાં બ્રાહ્મણ વકીલ દ્વારા મહેમાનોને મનુસ્મૃતિ ભેટમાં અપાઈ રહી છે.
જેના મહાત્યાગ અને બૌદ્ધિક પરિશ્રમ થકી દેશનું બંધારણ ઘડાયું તે બાબાસાહેબ ડૉ. આંબેડકરે ડિસેમ્બર, 1927માં જે મનુસ્મૃતિને આગ ચાંપી દીધી હતી તેને બંધારણ દિવસની ઉજવણીનાં પ્રસંગે ભેટ તરીકે આપવું દેશનાં બંધારણનું અપમાન છે અને દેશનાં બંધારણનું અપમાન દેશદ્રોહ છે. માનવતા અને સમાનતાને હણી લેનારી મનુસ્મૃતિ ભેટ સ્વરૂપે આપવી એ માનવદ્રોહ તો ખરો જ.
આ પણ વાંચો: મનુ પ્રતિમા – ન્યાયાલયના આંગણે અન્યાયનું પ્રતીક સાંખી લેવાય?
જે મનુસ્મૃતિએ હજારો વર્ષોથી સ્ત્રીઓને પણ માનવીય અધિકારોથી વંચિત કરી દીધી હોય અને તેના માનવગૌરવને પુરૂષસત્તાનાં પગ નીચે કચડી નાખવામાં આવ્યું હોય તે મનુસ્મૃતિ એક સ્ત્રી દ્વારા ગૌરવભેર અપાય તે સ્ત્રીઓનાં વર્ગીય હિત માટે ઘાતક છે. મમતા ત્રિવેદી જેવી એક સ્ત્રીનો મનુસ્મૃતિ પ્રત્યેનો અહોભાવ સ્ત્રીઓનાં વર્ગીય હિત કરતા જ્ઞાતિહિત વધારે બળવાન હોય છે તેનો જીવતો દાખલો છે.
હજારો વર્ષોથી સમાજમાં વિષમતા, અન્યાય અને એક જાતિને સર્વોચ્ચ સ્થાન પ્રદાન કરનારા મનુસ્મૃતિ જેવા પ્રાચીન ગ્રંથોએ ભારતીય સમાજની જે દુદર્શા કરી છે તેનો દુનિયાની ગુલામીપ્રથાનાં ઇતિહાસમાં જોટો નથી જડતો.
મનુસંહિતામા શુદ્રો અને સ્ત્રીઓના માનવીય અધિકારોના ક્રૂર નિષેધાત્મક નિયમો સ્ત્રીઓ અને શુદ્રોના સામાજિક-આર્થિક પતન માટે કારણરૂપ બન્યા. ભારતીય સમાજના એક વિશાળ જનસમાજને તેના માનવીય અધિકારોથી દૂર રાખવામા જે ગ્રંથને સૌથી વધુ દોષી ગણી શકાય તે મનુસ્મૃતિ જ છે.
ડૉ. આંબેડકરે મનુસ્મૃતિને આગ ચાંપીને આક્રોશ પ્રગટ કર્યો હતો તેને એક સદી થવા આવી છે. એ જ મનુસ્મૃતિને બંધારણ દિવસ નિમિત્તે ગૌરવભેર ભેટ આપવાની ઘટના વિકૃત અને ઉન્માદી છે. એટલું જ નહીં, આ ઘટના સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા માટે જીવનની એક-એક ક્ષણ સંઘર્ષ કરનારા મહાનાયક ડૉ. આંબેડકરનું પણ અપમાન છે.અમરેલી વકીલ મંડળે સરકારી વકીલ મમતા ત્રિવેદીએ કરેલી આ હરકત વિરૂદ્ધ અનેક ઠેકાણે વિરોધ પણ નોંધાવ્યો છે.
આ પણ વાંચો: દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત ભણાવાશે?
મનુએ મનુસ્મૃતિમાં શુદ્રો અને સ્ત્રીઓ વિરૂદ્ધ ઝેર ઓક્યું છે એની સંક્ષિપ્ત ઝાંખી વાંચોઃ
(1) પુરૂષોએ વિષયોમાં આસક્ત પોતાની સ્ત્રીઓને પોતાનાં નિયંત્રણમાં રાખવી જોઈએ. (અધ્યાય નવ, શ્લોક નં. 02)
(2) સ્ત્રીઓની બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થામાં ક્રમશ: પિતા, પતિ અને પુત્રોને આધિન રહેવી જોઈએ કારણ કે તે(સ્ત્રી) સ્વતંત્રતાને લાયક નથી. (અધ્યાય નવ, શ્લોક નં. 03)
(3) દરેક વર્ણના લોકોએ સ્ત્રીઓ પર નિયંત્રણ રાખવું એ તો ધાર્મિક રીતે યોગ્ય છે. તેથી દુર્બળ પતિઓએ પણ સ્ત્રીઓને વશમાં રાખવાનો પ્રયાસ કરવો જોઈએ. (અધ્યાય નવ શ્લોક નં. 07)
(4) ધન સંગ્રહ, ભોજન, ઘરકામમાં સ્ત્રીઓને સોંપવું જેથી સ્ત્રીઓ ઘરથી બહાર પગ ન મૂકે. (અધ્યાય નવ, શ્લોક નં. 11)
(5) આ સ્ત્રીઓ પુરૂષોના રૂપ કે ઉંમરની સાથે કોઈ જ મતલબ થી હોતો. તેને તો માત્ર પુરૂષના પુરૂષ હોવાથી જ મતલબ છે. એ જ કારણથી સ્ત્રીઓ પુરૂષોને ભોગવવા માટે એની સામે આવી જાય છે. (અધ્યાય નવ, શ્લોક નં. 14)
(6) સ્ત્રીઓના જાતકર્મ અને નામકર્મ વગેરે સંસ્કારોમાં(વિધિમાં) વેદોના મંત્રનો ઉપયોગ કરવો નહીં. આ જ શાસ્ત્રોની મર્યાદા છે. (અધ્યાય નવ, શ્લોક નં. 18)
આ પણ વાંચો: દિલ્હી યુનિ.એ MA સંસ્કૃતના અભ્યાસક્રમમાંથી મનુસ્મૃતિને હટાવી દીધી
(7) જેને સંતાનપ્રાપ્તિ થાય એવી સ્ત્રીઓ ઘરમાં શુભ, પૂજનિય અને ઘરની શોભા વધારે છે. તેવી સ્ત્રીઓ અને લક્ષ્મીમાં કોઈ અંતર નથી. (અર્થાંત, જે બાળકો જણી શકે એવી સ્ત્રીઓ જ પૂજનિય છે.) (અધ્યાય નવ, શ્લોક નં. 26)
(8) પ્રજાપતિ દ્વારા નિર્મિત એ જ સનાતન ધર્મ છે જેમાં પતિ ભલે પત્નિનો ત્યાગ કરે કે તેને વેંચી નાખે. તો પણ એ (સ્ત્રી) તે પુરૂષની પત્ની ગણાશે. (અધ્યાય નવ, શ્લોક નં. 45)
(9) સંતાનનાં અભાવમાં સંતાન પ્રાપ્તિની ઈચ્છા માટે સ્ત્રીએ તેના પતિના નાના ભાઈ અથવા સપિંડ(તેની જાતિનો પુરૂષ) સાથે સંભોગ કરવો જોઈએ. (અધ્યાય નવ, શ્લોક નં. 58)
(10) પતિ અન્ય સ્ત્રીઓમાં આસક્ત હોય, દુર્ગુણીથી ભરેલો હોય, નપુશંક હોય તો પણ પત્નિએ પતિવ્રતા નારી બનીને એની સાથે રહેવું. (અધ્યાય પાંચ, શ્લોક નં. 164)
મનુસ્મૃતિમાં વર્ણાશ્રમ પ્રમાણે કામની વહેંચણીની તરફેણ કરાઈ છે તે પણ જાણો.
(1) ભણવા-ભણાવાનો, દાન લેવાનો વગેરે અધિકાર બ્રાહ્ણણનો છે. (અધ્યાય એક, શ્લોક નં. 87)
(2) દ્વેશભાવના વિના, આનંદિત રહીને ઉપર્યુક્ત ત્રણ વર્ણો(બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય)ની નિસ્વાર્થ સેવા કરવી એ શુદ્રોનું કર્મ છે. (અધ્યાય એક શ્લોક નં. 91)
(3) શુદ્ર સક્ષમ હોય તો પણ તેને ધન-સંપતિ ધારણ કરવી નહીં. કારણ કે શુદ્ર ધનવાન બનીને બ્રાહ્ણણને કષ્ટ પહોંચાડે છે. (અધ્યાય એક, શ્લોક નં. 126)
આ પણ વાંચો: મનુસ્મૃતિના એ કાયદા, જેણે ભારતીય સમાજમાં અસમાનતાના બીજ વાવ્યાં
(4) નિમ્ન જાતિનો વ્યક્તિ ઉચ્ચ જાતિની પ્રવૃત્તિ કરવા લાગે તો રાજાએ તેનું સર્વસ્વ ઝૂંટવી લઈને તેનો દેશનિકાલ કરવો જોઈએ. (અધ્યાય દસ, શ્લોક નં. 95)
(5) વિદ્વાન બ્રાહ્ણણે શુદ્રોના રાજ્યમાં અધાર્મિક, પાખંડી તથા ચાંડાલોથી ભરેલા રાજ્યમાં નિવાસ કરવો જોઈએ નહીં. (અધ્યાય ચાર શ્લોક નં. 61)
(6) રાજાએ સવારે ઉઠીને ત્રણ વેદોના વિદ્વાન બ્રાહ્ણણોની સેનામાં ઉપસ્થિત રહેવું અને તેના નિર્દેશ હેઠળ રહીને શાસન ચલાવવું. (અધ્યાય સાત, શ્લોક નં. 36)
(7) શુદ્ર અહંકારમાં દ્વિજ જાતિ(બ્રાહ્ણણ, ક્ષત્રિય. વૈશ્ય)નું નામ અને જાતિનું ઉચ્ચારણ કરે તો તેના મોંમાં દશ આંગળી લાંબા લોઢાની ગરમ ધાર નાખી દેવી. (અધ્યાય આઠ, શ્લોક નં. 271)
(8) નીચ જાતિની વ્યક્તિએ ઘમંડપૂર્વક ઉચ્ચ જાતિની વ્યક્તિ પર થુંકે તો તેના હોઠ કાપવા, મૂતરે તો લિંગ કાપવું, અને પાદે તો તેની ગુદ્દા કાપી નાખવી જોઈએ. (અધ્યાય આઠ, શ્લોક નં. 281)
(9) શુદ્ર તેના જે અંગથી દ્વિજ જાતિના વ્યક્તિ પર પ્રહાર કરે તો તેનું એ અંગ કાપી નાખવું જોઈએ. (અધ્યાય આઠ, શ્લોક નં.278 )
અહીં તો શુદ્રો અને નારી વિશે વિકૃતિ ઓકવામાં આવી હોય તેવા જ શ્લોકો મનુસ્મૃતિમાંથી ચૂંટીને મૂક્યાં છે. મનુસ્મૃતિનો આ વિકરાળ ચહેરો જોઈને મમતા ત્રિવેદી જેવી વકીલની શાન ઠેકાણે નહીં આવે પણ જેનાં પૂર્વજો અને ભાવિ પેઢી મનુસ્મૃતિના દલનનો ભોગ બન્યા છે ને હવે બનવા છે તેવા શુદ્રએ તો મગજમાં ચડેલો મનુસ્મૃતિનો આફરો ઉતારી દેવો જોઈએ.
(અહેવાલઃ મયૂર વાઢેર)
આ પણ વાંચો: મોદી સરકારની લેબર પોલિસી મનુસ્મૃતિના નિયમો પ્રમાણે બનાવાઈ છે?














*અમરેલી પરિસર, સંવિધાન દિવસ નિમિત્તે દેશવિદેશમાં માનભેર અને આનંદોલ્લાસ સાથે ભારતીય સંવિધાનની
ઉજવણી કરવામાં આવે છે ત્યારે અમરેલી કોર્ટના સરકારી વકીલ ભાન ભૂલી ગયા છે એવું લાગે છે! અગર તો સંવિધાન પ્રત્યે અરુચિ લાગે છે! સંવિધાન દ્વારા ભરપૂર માત્રામાં મહિલા અધિકારી મેળવ્યા છે તેનું પણ ભાન ભૂલી ગયા છે! આ તેમની ભૂલ નથી, જેઓએ તેમની સરકારી વકીલ તરીકે નિમણૂક કરી હશે તેઓ સંપૂર્ણપણે અમરેલી કોર્ટના ગુનેગાર છે!
*મનુસ્મૃતિ પર તમારાં સમગ્ર બ્રાહ્મણ સમાજનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ પણ ષડયંત્રના સમર્થનમાં મનુસ્મૃતિનો સહર્ષ સ્વીકાર કર્યો છે જે વિકસિત ભારતની કમજોર અને નબળી તાસીર છે!
જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય વિજ્ઞાન!