ઉના, ગીર સોમનાથ: કહેવાય છે કે ભાઈ એ બહેનનો રક્ષક હોય છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નેસડા ગામે એક એવી ઘટના બની છે જેણે ભાઈ-બહેનના સંબંધને કલંકિત કરી દીધો છે. માત્ર 12 વીઘા જમીનની લાલચમાં બે નરાધમ પિતરાઈ ભાઈઓએ ભેગા મળી પોતાની જ બહેનની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. એટલું જ નહીં, આ પાપને છુપાવવા માટે કુદરતી મોતનું તરકટ રચી ગણતરીની મિનિટોમાં અંતિમ સંસ્કાર પણ પતાવી દીધા હતા. જોકે, સત્ય લાંબો સમય છુપાયેલું ન રહ્યું અને પોલીસની ઊંડી તપાસમાં આ પૂર્વ આયોજિત કાવતરાનો પર્દાફાશ થયો છે.
શું હતી સમગ્ર ઘટના?
મૃતક યુવતી મનસુબેન હમાભાઈ ગોહિલ (ઉ.વ. 25) નેસડા ગામમાં એકલી રહેતી હતી. તેના માતા-પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું અને તે એકમાત્ર સંતાન હોવાથી વારસામાં મળેલી 12 વીઘા કિંમતી જમીનની તે માલિક હતી. આ જમીન પર તેના પિતરાઈ ભાઈઓ વિક્રમ વિરાભાઈ ગોહિલ અને મનુ કનુભાઈ ગોહિલની નજર હતી.

આ પણ વાંચો: જ્યારે વાળ કપાવતી વખતે લોહી નીકળતું છતાં ચૂપ રહેવું પડતું…
મનસુબેનને ગામના જ સતુભાઈ ખસીયા નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો, જે સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો. ભાઈઓને ડર હતો કે જો મનસુબેન લગ્ન કરી લેશે તો જમીન હાથમાંથી જતી રહેશે. આથી, વિક્રમે એક ઘૃણાસ્પદ યોજના બનાવી. તેણે મનસુબેનનો વિશ્વાસ જીત્યો કે તે તેના લગ્ન પ્રેમી સતુ સાથે કરાવી આપશે. આ વિશ્વાસમાં આવીને ભોળી બહેને અડધી જમીન વિક્રમના નામે પણ કરી આપી હતી, છતાં આરોપીઓનું મન ભરાયું નહોતું, તેને પુરી જમીન જોઈતી હતી.
લગ્નની મિટિંગના બહાને બોલાવી કરી હત્યા
ગત તારીખ 20ના રોજ કાવતરાના ભાગરૂપે વિક્રમે મનસુબેનને કહ્યું કે, તારા લગ્ન બાબતે વાત કરવા માટે ભાઈઓ ભેગા થવાના છે. રાત્રિના સમયે વિક્રમ તેને બાઈક પર બેસાડી પોતાના ઘરે લઈ ગયો. ત્યાં પહેલેથી જ હાજર મનુ અને વિક્રમે અસલી સ્વરૂપ ધારણ કર્યું. મનુએ મનસુબેનના હાથ-પગ પકડી રાખ્યા અને વિક્રમે નિર્દયતાથી તેનું ગળું દબાવી દીધું. ક્ષણભરમાં જ પોતાની જ બહેનનો જીવ લઈ બંને ભાઈઓ હત્યારા બની ગયા.
પુરાવાનો નાશ કરવા હાર્ટ એટેકનું નાટક રચ્યું
હત્યા કર્યા બાદ આ ગુનાને અકસ્માત કે કુદરતી મોતમાં ખપાવવા માટે ભાઈઓએ ગામમાં ‘હાર્ટ એટેક’ આવ્યો હોવાની વાત ફેલાવી દીધી હતી. કોઈ શંકા ન કરે તે માટે તાબડતોબ તૈયારીઓ કરી. કોઈ ખાસ સગા-સંબંધી કે ગ્રામજનોને જાણ કર્યા વિના, માત્ર 7-8 લોકોની હાજરીમાં લાશને ટ્રેક્ટરમાં નાખી ઉના સ્મશાને લઈ ગયા. ત્યાં માત્ર અડધા જ કલાકમાં અંતિમ સંસ્કારની વિધિ પતાવી દઈ તમામ પુરાવાઓ બાળી નાખવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો: રાજકોટની M G હોસ્ટેલના પૂર્વ વિદ્યાર્થીઓએ છાત્રાલયને લાઈબ્રેરી ભેટ આપી
પ્રેમીને શંકા જતા પોલીસને જાણ કરી
સુરત રહેતા પ્રેમી સતુને જ્યારે મનસુબેનના અચાનક મોતના સમાચાર મળ્યા, ત્યારે તેને આ વાત ગળે ન ઉતરી. તેને શંકા ગઈ કે સ્વસ્થ મનસુબેનને અચાનક હાર્ટ એટેક કેવી રીતે આવી શકે? તેણે હિંમત બતાવી તાત્કાલિક ઉના પોલીસનો સંપર્ક કર્યો. પોલીસે મામલાની ગંભીરતા સમજી તપાસ શરૂ કરી. 7 દિવસ સુધી ચાલેલી સઘન પૂછપરછ, ટેકનિકલ સર્વેલન્સ અને FSLની મદદથી પોલીસે કડીઓ જોડી. આરોપીઓની કડક પૂછપરછમાં આખરે સત્ય બહાર આવ્યું કે જમીન માટે જ આ ખેલ ખેલાયો હતો.
હાલ ઉના પોલીસે બંને ભાઈઓ વિક્રમ ગોહિલ અને મનુ ગોહિલ વિરુદ્ધ હત્યા (IPC 302) અને પુરાવાનો નાશ કરવા બદલ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસને આશંકા છે કે આટલી ઝડપથી અંતિમ સંસ્કાર કરવામાં અન્ય લોકોએ પણ મદદ કરી હોઈ શકે છે. હાલ આ દિશામાં વધુ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો: ‘આદિવાસી થઈને અમારી સાથે જમે છે!’ કહી સરપંચે યુવકને ફટકાર્યો












