અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્પા સેન્ટરોનો રાફડો ફાટ્યો છે. આ સ્પા સેન્ટરો પોતાની જાહેરાતો અને ઈન્ટિરિયરમાં ભગવાન બુદ્ધના ફોટા, મૂર્તિઓ અને તેમના નામનો ઉપયોગ ‘તન-મનની શાંતિ’ અને ‘રિલેક્સેશન’ના બહાને કરે છે. જોકે, વાસ્તવિકતા એ છે કે આવા અનેક સેન્ટરોમાં મસાજની આડમાં ગેરકાયદેસર રીતે કૂટણખાના ચલાવવામાં આવે છે.
આ ગંભીર બાબતને ધ્યાને લઈને બૌદ્ધ ધર્મની ગરિમા જાળવવા માટે અમદાવાદના ડૉ. પારિતોષ સરકાર દ્વારા એક વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં હાકલ કરી છે કે જે સ્થળોએ અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યાં શાંતિ અને અહિંસાના પ્રતીક એવા તથાગત બુદ્ધના ફોટા હટાવવામાં આવે છે. આવા કૃત્યોથી બૌદ્ધોથી લાગણી દુભાય છે. આ અભિયાનને અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યના બૌદ્ધ સમાજ તરફથી ભારે સમર્થન મળી રહ્યું છે.

બુદ્ધના ફોટાનો ઉપયોગ કરી સ્પાના નામે કૂટણખાના ચાલે છે
આ સ્પા સેન્ટરોમાં ચાલતા દેહવ્યાપારના નેટવર્કની વાત કરીએ તો, અહીં માત્ર સ્થાનિક જ નહીં પરંતુ નેપાળ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોથી યુવતીઓને લાવીને સેક્સ વર્કર તરીકે રાખવામાં આવે છે. સ્પા સંચાલકો બુદ્ધના ફોટા રાખીને ગ્રાહકોમાં એવી છાપ ઊભી કરવાનો પ્રયાસ કરે છે કે આ એક આધ્યાત્મિક કે પવિત્ર વાતાવરણ ધરાવતું સ્થળ છે, પરંતુ અંદરની કેબિનોમાં અનૈતિક વ્યવસાય ચાલતો હોય છે. પોલીસ દરોડામાં અવારનવાર બહાર આવ્યું છે કે ગ્રાહકોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા અને હાઈ-ફાઈ વેબસાઈટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો: વાવ-થરાદના ગોલપ નેસડામાં 16 પરિવારોએ બૌદ્ધ ધમ્મની દીક્ષા લીધી
અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં પશ્ચિમ વિસ્તારમાં અનેક સ્પા સેન્ટરો પર દરોડા પાડીને પિન્ક કોન્ટ્રાક્ટ અને માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં સેંકડો વિદેશી યુવતીઓને મુક્ત કરાવવામાં આવી છે.
અમદાવાદમાં 2 વર્ષમાં 150 સ્પા સેન્ટર પર દરોડા
ગુજરાતના મુખ્ય શહેરોમાં સ્પા સેન્ટરોનું સંચાલન એક સુવ્યવસ્થિત સિન્ડિકેટ દ્વારા કરવામાં આવે છે. આ સંચાલકો બાંગ્લાદેશ અને નેપાળની સરહદેથી ગરીબ યુવતીઓને નોકરીની લાલચ આપીને લાવે છે અને ત્યારબાદ તેમને દેહવ્યાપારના નરકમાં ધકેલી દે છે. પોલીસના ડેટા મુજબ, અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં 150થી વધુ સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા છે અને અનેક લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. આમ છતાં, આ કૂટણખાનાઓ નવા નામ અને નવા લોકેશન પર ફરી શરૂ થઈ જાય છે. સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે, આ દરેક સેન્ટરમાં પ્રવેશતાની સાથે જ બુદ્ધની મોટી મૂર્તિ અથવા ફોટો લગાવવામાં આવ્યો હોય છે, જેથી બૌદ્ધ ધર્મની ગરિમા ઘટે છે અને બૌદ્ધ ધર્મીઓની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે છે.

ડૉ. પારિતોષ સરકારે આ મામલે સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રને રજૂઆત કરવાની તૈયારી કરી છે. તેમનું કહેવું છે કે સ્પાના બેનરો અને અંદરના ભાગેથી બુદ્ધના ચિત્રો તત્કાલ પ્રભાવથી દૂર કરવા જોઈએ કારણ કે તે બૌદ્ધ ધર્મની છબીને ખરડી રહ્યા છે. અમદાવાદના મોટાભાગના સ્પામાં કૂટણખાના ચાલે છે અને તેમાં બુદ્ધના ફોટાનો ઉપયોગ થાય છે તેની સામે અમને વાંધો છે. આ બાબતે અમે અમદાવાદના પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવાના છીએ. બુદ્ધ તો આ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓથી જોજનો દૂર હતા અને દેહવ્યાપારના વિરોધી હતા. તેથી આવી પ્રવૃત્તિઓમાંથી બુદ્ધના ફોટા તાત્કાલિક દૂર કરવા જોઈએ.
આ પણ વાંચો: ઈઝરાયલમાં PM મોદીને ‘બુદ્ધ’ કેમ યાદ ન આવ્યા?
તેમણે બૌદ્ધ સમાજના યુવાનોને પણ અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારમાં ચાલતા આવા અનૈતિક સ્પા સામે અવાજ ઉઠાવે. આ લડત હવે માત્ર ફોટા દૂર કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ સ્પાના નામે ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને જડમૂળથી ઉખાડવા માટેનો એક મોટો લોકજુવાળ બની રહી છે. સમાજના અગ્રણીઓનું માનવું છે કે ધર્મના પ્રતીકોનો દુરુપયોગ રોકવા માટે આ પ્રકારની જાગૃતિ અત્યંત અનિવાર્ય છે. સરકાર જો આ બાબતે કડક કાયદો નહીં લાવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરાશે
આ પ્રવૃત્તિઓ પાછળનું ગણિત સમજવું હોય તો એ જાણવું જરૂરી છે કે ‘થાઈ મસાજ’ નામે ચાલતા આ વ્યવસાયમાં લાખો રૂપિયાનું ટર્નઓવર હોય છે. ગ્રાહકો પાસેથી હજારો રૂપિયા વસૂલવામાં આવે છે અને બદલામાં યુવતીઓનું શોષણ કરવામાં આવે છે. બુદ્ધના નામે જે શાંતિનો પ્રચાર કરવામાં આવે છે, તેની પાછળ આટલો ભયાનક અંધકાર છુપાયેલો છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા હવે લોકોમાં પણ જાગૃતિ આવી રહી છે અને અનેક સ્પા સંચાલકો સામે સામાજિક બહિષ્કારની સ્થિતિ સર્જાઈ છે. ડૉ. સરકારે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને આ મામલે કડક ગાઈડલાઈન બહાર પાડવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?











