CBFC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને ફરી એકવાર પોતાની જાતિવાદી માનસિકતાના ઉજાગર કરી છે. અગાઉ મહાત્મા જ્યોતિબા ફૂલેના જીવન પર આધારિત ફિલ્મ Phule અને Santosh માં જાતિવાદને ઉજાગર કરતા દ્રશ્યો પર કાતર ફેરવ્યા બાદ સેન્સર બોર્ડે જાતિવાદ પર આધારિત ફિલ્મ Dhadak 2 માં પણ 16 કટ કરાવ્યા છે.
CBFC એ કહ્યું છે કે ફિલ્મમાંથી જાતિસૂચક શબ્દો ધરાવતા દ્રશ્યોને બદલવા પડશે અથવા તે ભાગને મ્યૂટ કરવો પડશે. ફિલ્મના કેટલાક હિંસક દ્રશ્યો પણ દૂર કરવામાં આવશે અથવા તેને બદલવામાં આવશે. આ સિવાય ફિલ્મના કેટલાક રાજકીય સંવાદોને પણ મ્યૂટ કરવામાં આવશે અથવા દૂર કરવામાં આવશે.
સેન્સર બોર્ડે ‘ફૂલે’ ફિલ્મમાંથી પણ અનેક દ્રશ્યો કાપ્યા હતા
તમને જણાવી દઈએ કે Dhadak 2 નવેમ્બર 2024 માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે CBFC ના ફેરફાર પછી આ ફિલ્મ 11 જુલાઈ 2025 એ રિલીઝ થશે. આ ફિલ્મ વર્ષ 2018 માં રિલીઝ થયેલી ફિલ્મ ધડકની સિક્વલ છે. જે જાતિવાદ પર આધારિત મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રિમેક હતી. અહીં એ પણ યાદ રાખવું જોઈએ કે Dhadak 2 પહેલા CBFC એ ફિલ્મ Phule માંથી ઘણા દ્રશ્યો કાપ્યા હતા.
આ પણ વાંચો: દાહોદના આદિવાસી યુવકે ભીલી બોલીમાં એટ્રોસિટી પર ફિલ્મ બનાવી
સેન્સર બોર્ડ સત્ય બતાવવાથી કેમ ડરે છે?
આ સિવાય જાતિવાદ પર આધારિત ફિલ્મ Santosh ને ભારતમાં રિલીઝ થવા દેવામાં આવી નહોતી. સવાલ એ છે કે CBFC મનુવાદીઓ દ્વારા ફેલાવવામાં આવેલા જાતિવાદના સત્યને ફિલ્મી પડદે બતાવવાથી કેમ ડરે છે, કોણ તેને આવું કરવા કહે છે? શા માટે માત્ર જાતિવાદને ઉજાગર કરતી ફિલ્મોમાંથી જ મહત્વના દ્રશ્યો કાપવામાં આવી રહ્યા છે? શું CBFC બોર્ડના તમામ ઉચ્ચ પદો પર સવર્ણ હિંદુ જાતિના લોકો કબ્જો કરીને બેસી ગયા છે તેનું આ પરિણામ છે?
કાપ મૂક્યા બાદ ફિલ્મનો રન ટાઈમ ઘટી ગયો
Dhadak 2 કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની ફિલ્મ છે. જેમાં 16 કટ કર્યા પછી સેન્સર બોર્ડ દ્વારા પાસ કરવામાં આવી છે. સેન્સર બોર્ડે ફિલ્મમાં બતાવેલા કેટલાક હિંસક દ્રશ્યો અને જાતિવાદી સંવાદો સામે વાંધો ઉઠાવ્યો છે. બધા ફેરફારો સૂચવ્યા પછી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મને U/A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. કાપ પછી, ફિલ્મનો રન ટાઈમ 2 કલાક 26 મિનિટ થઈ ગયો છે.
Dhadak 2 અગાઉ 2024માં રિલીઝ થવાની હતી
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ અગાઉ બે વાર મુલતવી રાખવામાં આવી હતી. ફિલ્મ ‘Dhadak 2’ શરૂઆતમાં 22 નવેમ્બર 2024 ના રોજ રિલીઝ થવાની હતી. તેના નિર્માતાઓએ મે 2024 માં તેની જાહેરાત કરી હતી. જોકે, નિર્માતાઓએ કોઈ કારણ આપ્યા વિના ફિલ્મનું પ્રદર્શન મુલતવી રાખ્યું હતું. ત્યારબાદ ફિલ્મ ફેબ્રુઆરી 2025 માં રિલીઝ થવાની હતી. પરંતુ CBFC એ આ ફિલ્મમાં અવરોધ ઉભો કર્યો હતો. હવે ફિલ્મમાં જાતિવાદને દર્શાવતા દ્રશ્યો દૂર કરવામાં આવ્યા છે અને ફિલ્મને રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ફિલ્મ 11 જુલાઈના રોજ રિલીઝ થઈ શકે છે.
આ પણ વાંચો: સેન્સરની કાતર જાતિવાદ ઉજાગર કરતી ફિલ્મો પર જ કેમ ચાલે છે?