ડેડીયાપાડાના AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ GPSC ચેરમેન હસમુખ પટેલ વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે. ચૈતર વસાવાએ જણાવ્યું કે GPSC દ્વારા લેવાતા મૌખિક ઇન્ટરવ્યૂમાં હસમુખ પટેલ દ્રોણાચાર્ય પ્રથા ચલાવી જાતિવાદી વલણ અપનાવી રહ્યાં છે અને SC-ST ઉમેદવારો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. આવા જાતિવાદી વલણ ધરાવતા અધિકારીને આટલા મહત્વના હોદ્દા પરથી હટાવી દેવા જોઈએ. સરકારે તેમને રાજીનામું લઈ દાખલો બેસાડવો જોઈએ.
ચૈતર વસાવાએ ઉદાહરણો પણ આપ્યા
ચૈતર વસાવાએ ક્લાસ 1-2ની તાજેતરની ભરતીના ઉદાહરણો આપ્યા છે. તેમના જણાવ્યા મુજબ, લેખિત પરીક્ષામાં 412થી 429 ગુણ મેળવનારા SC-ST ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં માત્ર 20થી 35 ગુણ આપી નાપાસ કરાયા. એ જ રીતે, 387થી 412 ગુણ ધરાવતા SC ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં 24થી 52 ગુણ આપી નાપાસ કરવામાં આવ્યા.
આ પણ વાંચો: ગાંધીનગરમાં વિદ્યા સહાયક ભરતી મામલે OBC-SC ઉમેદવારોના ધરણા
છેલ્લાં 10 વર્ષની ભરતીઓની તપાસ કરવા માંગ
તેમણે ત્યાં સુધી આરોપ લગાવ્યો કે છેલ્લા દસ વર્ષમાં જેટલી પણ ભરતી કરવામાં આવી છે તેમાં SC-ST અને OBCના ઉમેદવારો સાથે GPSCના ચેરમેનો દ્વારા હળહળતો અન્યાય કરવામાં આવ્યો છે. બીજી તરફ, EWS કેટેગરીના ઉમેદવારો કે જેમણે લેખિત પરીક્ષામાં 376થી 389 ગુણ મેળવ્યા, તેમને ઇન્ટરવ્યૂમાં 70થી 90 ગુણ આપવામાં આવ્યા. આના કારણે તેઓ પસંદગી પામ્યા. લેખિત પરીક્ષામાં ટોપ-10માં રહેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂમાં ઓછા ગુણ આપી નાપાસ કરાયા.
હસમુખ પટેલનું વલણ જાતિવાદી છેઃ ચૈતર વસાવા
ચૈતર વસાવાએ આરોપ મૂક્યો છે કે સુરતમાં IPS તરીકે ફરજ બજાવતા હતા ત્યારના સમયથી જ હસમુખ પટેલનું વલણ જાતિવાદી રહ્યું છે. ભૂતકાળમાં પણ તેમણે જ્યાં પણ કામ કર્યું છે ત્યાં તેમણે પોતાની આવી જ જાતિવાદી છબી રાખી છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે કમિટીના કેટલાક સભ્યો અમદાવાદમાં એક દિવસ પહેલાં મોક ઇન્ટરવ્યૂ રાખી, ચોક્કસ ઉમેદવારોને સવાલોની તાલીમ આપે છે.
હસમુખ પટેલને જીપીએસસીના ચેરમેન પદેથી દૂર કરો
ચૈતર વસાવાએ હસમુખ પટેલને ચેરમેન પદેથી દૂર કરવાની માગ કરી છે. સાથે જ તેમના કાર્યકાળ દરમિયાન થયેલી તમામ ભરતીઓની તપાસની પણ માગ કરી છે. જો આ માગણીઓ ન સ્વીકારાય તો ભૂતકાળ અને વર્તમાનના ઉમેદવારો સાથે GPSC કચેરી સામે આંદોલનની ચેતવણી આપી છે.
આ પણ વાંચો: GPSC એસસી, એસટી, ઓબીસી એકલવ્યોના અંગૂઠા કાપે છે: મેવાણી