Adivasi news: દાંતા તાલુકાના પાડલીયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષે ભરાયો છે. 13 ડિસેમ્બરના રોજ બનેલી આ ઘટનાની સત્યતા જાણવા અને પીડિતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા પાડલીયા ગામની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા, જેણે એક વિશાળ જનસભાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ચૈતર વસાવા પાડલીયામાં આદિવાસી સમાજના યુવાનો માટે હીરો બની ગયા હતા.
ચૈતર વસાવાએ વન મંત્રી દ્વારા આદિવાસીઓને ‘જંગલી’ કહેવા બાબતે આકરો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આદિવાસી સમાજ સભ્યતાવાળો અને મહેનત-મજૂરી કરનારો સમાજ છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવાઓ કે આદિવાસીઓએ હુમલો કર્યો તે પાયાવિહોણા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આજે હું અહીં આવ્યો છું ત્યારે એક પણ આદિવાસીના હાથમાં હથિયાર નથી, તો પછી તંત્ર શા માટે ખોટી અફવાઓ ફેલાવે છે?”
આ પણ વાંચો: આદિવાસી મહિલાની હત્યાના 24 કલાકમાં ગામ ભૂતિયું બની ગયું!
ઉદ્યોગપતિઓના ઈશારે આદિવાસીઓ પર અત્યાચાર થયાઃ ચૈતર વસાવા
ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું કે, બેડા અને પાડલીયા વિસ્તારની કિંમતી ખનીજ સંપત્તિ પર ઉદ્યોગપતિઓની નજર છે. નેતાઓ અને અધિકારીઓ પર દબાણ લાવીને આદિવાસીઓને તેમની જમીન પરથી ખસેડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે, “છેલ્લા 78 વર્ષથી આદિવાસીઓએ દેશના વિકાસ માટે પોતાની જમીનો આપી છે, પરંતુ હવે ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ પણ જમીન આપશે નહીં.”
કાનુની કાર્યવાહી કરો છો તો બંને પક્ષ તરફ કરોઃ ચૈતર વસાવા
ચૈતર વસાવાએ કહ્યું કે પાડલીયા વિસ્તાર સેન્ચ્યુરી એરીયા અને વાઈડ લાઇફ સેન્ચુરી વિસ્તારનો ભંગ થયો છે. વન અધિકાર નિયમનો પણ ભંગ કરીને પ્રશાસન ત્યાં ગયું અને હિંસા ભડકાવી. તમે ત્યાં પહોંચીને કાનુની કાર્યવાહી કરો છો તો બંને પક્ષ તરફ કરો. વન મંત્રી, એસપી, કલેક્ટર પોલીસ, વન કર્મચારીઓ અધિકારીઓની હોસ્પિટલમાં ખબર કાઢવા જાય છે તો આદિવાસી સમાજને કેમ ખબર કાઢવા ન ગયા?
આ પણ વાંચો: ‘મને છાતીમાં દુઃખે છે..’, જૂનાગઢમાં દલિત યુવકનું શંકાસ્પદ મોત
15 દિવસમાં આદિવાસી સમાજની ફરિયાદ નોંધોઃ ચૈતર વસાવા
ઘટનામાં થયેલા લાઠીચાર્જ, ટીયર ગેસ અને ફાયરિંગ અંગે પ્રશ્નો ઉઠાવતા વસાવાએ માંગ કરી કે માત્ર નાના કર્મચારીઓ નહીં, પરંતુ આદેશ આપનાર DCF, DySP અને SP સામે પણ FIR દાખલ થવી જોઈએ. કયા ભાજપના નેતાઓના ઈશારે 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું તેની તપાસ થવી જોઈએ. જો 15 દિવસમાં આદિવાસી સમાજની ફરિયાદ નોંધવામાં નહીં આવે, તો હજારો આદિવાસીઓ સાથે DSP કચેરીનો ઘેરાવો કરવામાં આવશે અને લડત ગાંધીનગર સુધી લઈ જવામાં આવશે. અમે પહેલી લાઠી ખાવા અને પોલીસની પહેલી ગોળી ખાવા તૈયાર છીએ, પણ આદિવાસીઓ પર અત્યાચાર સહન કરવામાં આવશે નહીં.
સરહદથી સદન સુધીની લડત લડીશું, UNO કોર્ટ સુધી જઈશુંઃ ચૈતર વસાવા
પીડિત વિધવા બહેન અને ગામના સરપંચને સાંત્વના આપતા ચૈતર વસાવાએ જણાવ્યું કે તેઓ એકલા નથી. આ લડતમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના આદિવાસી ભાઈઓ પણ જોડાશે. જો જરૂર પડશે તો ન્યાય માટે માનવ અધિકાર આયોગ, અનુસૂચિત જનજાતિ આયોગ અને છેક UNO કોર્ટ સુધી જવાની પણ તેમણે તૈયારી દર્શાવી છે. ચૈતર વસાવાની આ સભામાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો: ભાજપના ધારાસભ્યે આદિવાસીઓના નામે અબજોની જમીન ખરીદી!













