બોટાદ: બોટાદ શહેરના મધ્યમાં આવેલા અને સામાજિક ચેતનાના કેન્દ્ર સમાન સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સમતા બુદ્ધ વિહાર ખાતે તારીખ 2 એપ્રિલ 2026, ગુરુવારના રોજ ચૈત્ર માસની પૂર્ણિમાના પવિત્ર અવસરે એક ભવ્ય ધાર્મિક અને વૈચારિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજના 7.00 કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં બોટાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં બૌદ્ધ અનુયાયીઓ અને સમાનતાવાદી વિચારધારા ધરાવતા લોકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રામણેર બૌદ્ધ ભિક્ખુણી વંદનીય ઉત્પલવર્ણાજી ઉપસ્થિત રહ્યા હતા, જેમની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ધમ્મમય બનાવી દીધું હતું.
બુદ્ધ અને બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરાયા
કાર્યક્રમની શાસ્ત્રોક્ત શરૂઆત ખૂબ જ ગરિમાપૂર્ણ રીતે કરવામાં આવી હતી. સૌ પ્રથમ વિશ્વશાંતિના પ્રણેતા ભગવાન બુદ્ધની પ્રતિમા સમક્ષ પુષ્પો અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ભારતીય બંધારણના ઘડવૈયા અને કરોડો લોકોના મસીહા ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ભાવભીની અંજલિ આપવામાં આવી હતી. બૌદ્ધ સાધુ દ્વારા ઉપસ્થિત જનમેદનીને ત્રિશરણ અને પંચશીલ ગ્રહણ કરાવી ‘બુદ્ધ વંદના’ કરવામાં આવી હતી. વિહારમાં ગુંજી ઉઠેલા બુદ્ધ વંદનાના નાદથી વાતાવરણમાં એક પ્રકારની આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થયો હતો. ત્યારબાદ રાહુલભાઈ વાજાએ સૌ મહેમાનો અને ઉપાસકોનું શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં સ્પાના નામે ચાલતા કૂટણખાનાઓમાંથી બુદ્ધના ફોટા હટાવવા ઝુંબેશ
ધર્મ અને તત્વજ્ઞાન પર ગોષ્ઠી યોજાઈ
આ ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ પૂરતો મર્યાદિત ન રહેતા એક વૈચારિક મંચ પણ બન્યો હતો. ‘ધર્મ અને તેનું તત્વજ્ઞાન’ વિષય પર એક ઊંડાણપૂર્વકની ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિષય પર પ્રકાશ પાડતા જયંતિભાઈ ચાવડા, અમૃતભાઈ કલીવડા, મયુરભાઈ જમોડ, મોન્ટુભાઇ માળી, બિજલભાઈ પરમાર અને હિંમતભાઈ ગોહિલ જેવા પ્રખર વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. વક્તાઓએ જણાવ્યું હતું કે બૌદ્ધ ધર્મ એ માત્ર કર્મકાંડ નથી, પરંતુ તે જીવન જીવવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે જે સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા પર આધારિત છે. આધુનિક યુગમાં બુદ્ધના વિચારોની પ્રસ્તુતતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ભિક્ખુણી ઉત્પલવર્ણાજીએ પ્રાસંગિક પ્રવચન કર્યું
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પૂજ્ય ભિક્ખુણી ઉત્પલવર્ણાજીની ધમ્મ દેશના હતી. તેમણે ‘સમ્યક જીવનની આધારશિલા’ વિષય પર અત્યંત સરળ ભાષામાં ગહન જ્ઞાન પીરસ્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે મનુષ્યે પોતાના મન પર વિજય મેળવીને કેવી રીતે નૈતિક જીવન જીવવું જોઈએ. આ પ્રસંગે સમાજમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર આગેવાનો અને કર્મચારીઓનું બૌદ્ધ ઉપોસથ કેલેન્ડર આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ગીરીશભાઈ પરમારે પોતાની આગવી શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે દિપકભાઈ સોલંકીએ સૌનો આભાર માન્યો હતો. બોધિરાજ બૌદ્ધ દ્વારા સમાપન ગાથા બોલાવી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: કર્ણાટકમાં ડૉ. આંબેડકર અને બુદ્ધના નામે કેન્દ્રીય વિદ્યાલય જેવી શાળાઓ શરૂ થશે

મોટી સંખ્યામાં બૌદ્ધધર્મીઓ ઉપસ્થિત રહ્યાં
આ ભવ્ય આયોજનમાં વિનોદભાઈ ભાદરકા, હરેશભાઇ પરમાર, બોધિરાજ બૌદ્ધ, મૌલેશભાઈ સોલંકી, ડાયાભાઈ ચાવડા, પ્રિતેશભાઈ ચાવડા, અલ્પેશભાઈ ખુમાણ, રાજેશભાઈ જાદવ, મનિષભાઈ પરમાર, મુકેશભાઈ ચૌહાણ, અમરાભાઈ બથવાર, કાળુભાઈ વાજા, કિરણભાઈ બથવાર, દિનેશભાઈ કાનપરીયા, ભાવેશભાઈ પરમાર, પ્રકાશભાઈ મકવાણા, જગદીશભાઈ ગોહિલ, ભુપતભાઈ ચૌહાણ અને સાહિલ વાજા જેવા પુરુષ અગ્રણીઓ તેમજ પ્રતિભા બૌદ્ધ, નિરમાબેન પરમાર, આરતિબેન ભાદરકા, લક્ષ્મિબેન બથવાર અને દીપ્તિબેન પરમાર જેવી મહિલા ઉપાસિકાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.
કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ હરેશભાઇ પરમાર, વિનોદભાઈ ભાદરકા અને ડાયાભાઈ ચાવડાના સૌજન્યથી તમામ ઉપસ્થિત લોકો માટે ‘સુજાતા ભોજન’ (ખીર) ની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતમાં, આગામી વૈશાખી બુદ્ધ પૂર્ણિમાના દિવસે બોટાદ શહેરમાં એક વિશાળ ‘ધમ્મ પદયાત્રા’ અને મહોત્સવ ઉજવવા માટેની આયોજનબદ્ધ ચર્ચા પણ કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત લોકોમાં નવો ઉત્સાહ જગાડ્યો હતો.
આ પણ વાંચો: કેવી રીતે મનુવાદીઓએ Buddha અને તેમના વિચારોનું બ્રાહ્મણીકરણ કર્યું?












