New Labour Policy: મોદી સરકારની નવી લેબર પોલિસીના ડ્રાફ્ટમાં મનુસ્મૃતિના ઉલ્લેખ કરાયો હોવાથી હોબાળો મચ્યો છે. ડ્રાફ્ટમાં જણાવાયું છે કે, ‘મનુસ્મૃતિમાં વેતન કેવી રીતે નક્કી કરવું જોઈએ અને કામદારોના હિતોનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ તેનો પણ ઉલ્લેખ છે.’ લેબર પોલિસીના ડ્રાફ્ટમાં બીજા પણ અનેક ધાર્મિક ગ્રંથોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ડ્રાફ્ટમાં જણાવાયું છે કે, ભારતની શ્રમ પ્રત્યેની સમજ તેના આર્થિક પરિમાણથી ઘણી આગળ છે. તે એક પવિત્ર અને નૈતિક ફરજને મૂર્તિમંત કરે છે, જે સામાજિક સંવાદિતા, આર્થિક સુખાકારી અને સામૂહિક સમૃદ્ધિ જાળવી રાખે છે. ભારતીય વિશ્વદ્રષ્ટિમાં કાર્ય ફક્ત આજીવિકાનું સાધન નથી પરંતુ તેનું ધાર્મિક ફરજ તરીકે અર્થઘટન કરવામાં આવે છે, જે ધર્મની વ્યાપક વ્યવસ્થામાં ફાળો આપે છે. આ અભિગમ દરેક શ્રમિકને સામાજિક સર્જનના ચક્રમાં એક અનિવાર્ય ભાગીદાર તરીકે માન્યતા આપે છે. પછી ભલે તે, કારીગર હોય, ખેડૂત, શિક્ષક કે ઔદ્યોગિક કાર્યકર હોય, બધાને આ વ્યવસ્થાના ભાગ રૂપે સ્વીકારવામાં આવે છે.
આ પણ વાંચો: 100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?
લેબર પોલિસીના ડ્રાફ્ટમાં બીજા મનુવાદી ગ્રંથોનો પણ ઉલ્લેખ?
લેબર પોલિસી અન્ય ગ્રંથોને ટાંકીને આગળ જણાવે છે કે, “પ્રાચીન ગ્રંથો જેમ કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ, શુક્રાણિતિ અને અર્થશાસ્ત્ર રાજધર્મની વિભાવના દ્વારા શ્રમને વ્યાખ્યાયિત કરે છે. આ ગ્રંથો ન્યાય, વાજબી વેતન અને કામદારોને શોષણથી બચાવવા માટેની ફરજો પર ભાર મૂકે છે. આ પ્રારંભિક સૂત્રોએ આધુનિક શ્રમ કાયદાના ઉદયના સદીઓ પહેલા ભારતની સભ્યતાના માળખામાં શ્રમ શાસનના નૈતિક પાયાને સમાવિષ્ટ કર્યો હતો.”
ડ્રાફ્ટમાં જણાવાયું છે કે આપણા શાસ્ત્રોએ ન્યાયીપણા પર ભાર મૂક્યો હતો અને સમજાવ્યું હતું કે કામદારને સમયસર તેનું વેતન કેવી રીતે મળવું જોઈએ, અને આ એક ન્યાય છે. આવું ન કરવું તે અન્યાયની શ્રેણીમાં મૂકવામાં આવશે. આ સિવાય લેબર પોલિસીના ડ્રાફ્ટમાં શુક્રાણિતિનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, કર્મચારીને સલામત અને માનવીય વાતાવરણ પૂરું પાડવું એ નોકરીદાતાની ફરજ છે.
આ પણ વાંચો: દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ, રામાયણ, મહાભારત ભણાવાશે?
કોંગ્રેસે કહ્યું- RSS ને મનુસ્મૃતિ સૌથી વધુ ગમે છે
વિપક્ષે આ મુદ્દા પર હુમલો શરૂ કર્યો છે. ઘણા કોંગ્રેસ નેતાઓએ વાંધો ઉઠાવ્યો છે, અને કહ્યું છે કે જાતિ આધારિત ભેદભાવને પ્રોત્સાહન આપતી મનુસ્મૃતિનો દેશની લેબર પોલિસીમાં ઉલ્લેખ કરવો ખોટું છે. આ તેમના મૂલ્યો અને તેઓ કેવા પ્રકારનો સમાજ બનાવવા માંગે છે તે દર્શાવે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ભાજપ પર હુમલો કરતા કહ્યું કે, લેબર પોલિસીના ડ્રાફ્ટમાં મનુસ્મૃતિનો ઉલ્લેખ આરએસએસની સૌથી પ્રિય પરંપરાઓને અનુરૂપ છે. દેશનું બંધારણ લાગુ થયા પછી તરત જ RSS એ બાબતે બંધારણ સામે વાંધો ઉઠાવ્યો હતો કે, ભારતીય બંધારણમાં મનુસ્મૃતિમાં મનુએ વર્ણવેલા કથિત મૂલ્યો અને આદર્શોમાંથી કોઈ પ્રેરણા લેવામાં આવી નહોતી. આરએસએસને મનુસ્મૃતિ સૌથી વધુ ગમે છે.
આ પણ વાંચો: દિલ્હી યુનિ.એ MA સંસ્કૃતના અભ્યાસક્રમમાંથી મનુસ્મૃતિને હટાવી દીધી











Users Today : 1736