પાડોશીના કૂતરાઓથી ત્રસ્ત દલિત સફાઈકર્મીએ આત્મહત્યા કરી?

Dalit News: પડોશીના પાલતુ કૂતરાઓની હેરાનગતિથી સફાઈકર્મી સતત પરેશાન રહેતો હતો. પોલીસમાં અરજી આપ્યા પછી પણ કાર્યવાહી ન થતા ગળેફાંસો ખાઈ લીધો?
dalit news

Dalit News: દલિતો સાથે પશુઓ કરતા પણ બદ્દતર વર્તન કરતા જાતિવાદી તત્વોનો કૂતરા પાળવાનો શોખ ઘણીવાર અન્ય લોકો માટે હેરાનગતિનો વિષય બની જતો હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક સફાઈકર્મીએ પડોશીના પાલતુ કૂતરાઓની હેરાનગતિથી તંગ આવી જઈને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે પોલીસે હવે પડોશી શખ્સ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી અને SC/ST Act હેઠળ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

પાલતુ કૂતરાને કારણે આત્મહત્યા કરી?

ઘટના ફરીદાબાદના એસજીએમ નગરની છે. અહીં દલિત સમાજમાંથી આવતા અને સફાઈકર્મી તરીકે કામ કરતા જગન(50)ની કથિત આત્મહત્યાને લઈને ખળભળાટ મચી ગયો છે. મૃતકના પુત્ર કપિલે આરોપ લગાવ્યો છે કે પાડોશી ખુશીરામના પાલતુ કૂતરાઓને કારણે તેના પિતા માનસિક તણાવમાં હતા. આ મામલે તેમણે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી પરંતુ પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી ન કરતા તેઓ સતત આ મામલે ટેન્શનમાં રહેતા હતા. આખરે તેમણે આત્મહત્યા કરી લીધી હતી. હવે પોલીસે પડોશી શખ્સ સામે આત્મહત્યા માટે ઉશ્કેરણી અને એસસી/એસટી એક્ટ હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. મૃતક જગનભાઈના પુત્ર કપિલનું કહેવું છે કે તેના પિતાએ પાલતુ કૂતરાઓની હેરાનગતિને કારણે આ પગલું ભર્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં RTI કરનારને 5 પાનાં સુધીની માહિતી મફત મળશે

પડોશીના કૂતરા સફાઈકર્મીને હેરાન કરતા હતા

કપિલે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના પાડોશી ખુશીરામના પાંચ પાલતુ કૂતરાઓ ઘણીવાર ખુલ્લામાં ફરતા હતા અને જગનના બાઇક અને સ્કૂટરની સીટો ફાડી નાખતા હતા અને ગંદકી પણ ફેલાવતા હતા. જગને ખુશીરામને તેના કૂતરાઓને કાબૂમાં રાખવા માટે ઘણી વાર વિનંતી કરી હતી, પરંતુ તે દર વખતે દલીલ કરતો અને દાદાગીરી કરીને ગેરવર્તન કરતો હતો. વારંવારની આ સમસ્યા જગનને માનસિક રીતે પરેશાન કરતી હતી. જેથી કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી હતી.

ફરિયાદ પછી પણ કોઈ કાર્યવાહી નહીં

કપિલના જણાવ્યા મુજબ, તેના પિતા જગને NH-3 NIT પોલીસ ચોકી અને ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ અંગે ફરિયાદ નોંધાવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આનાથી તેમનો માનસિક તણાવ  વધ્યો હતો. કપિલે આરોપ લગાવ્યો હતો કે તંત્રની બેદરકારીને અને પડોશીની દાદાગીરીને કારણે તેના પિતા આત્મહત્યા કરવા મજબૂર થયા હતા.

હજુ સુધી આરોપીની ધરપકડ કરાઈ નથી

આ ઘટના શુક્રવારે સવારે લગભગ 5:30 વાગ્યે બની હતી અને સવારે 7:20 વાગ્યે પોલીસને જાણ કરવામાં આવી હતી. જગનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાદશાહ ખાન સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. SGM નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રણબીર સિંહે જણાવ્યું હતું કે આ કેસમાં આત્મહત્યા માટે ઉશ્કેરણી અને SC/ST એક્ટની કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. અત્યાર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ આરોપીને તેનું નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવશે.

એસસી એસટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

ઇન્સ્પેક્ટર રણબીર સિંહે એમ પણ કહ્યું કે ખુશીરામ ઘણીવાર પાલતુ કૂતરાઓને બદલે રખડતા કૂતરાઓને ખવડાવતો હતો, જેના કારણે તેના ઘરની આસપાસ કૂતરાઓનો જમાવડો રહેતો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે જગન કૂતરાઓથી પરેશાન હતો અને તે દલિત હોવાથી પડોશી તેને સતત હેરાન કરતો હતો. આથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. હવે SC/ST એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: ‘આને પૈસાનો બહુ પાવર છે?’ કહી દલિત યુવક પર જાતિવાદીઓનો હુમલો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x