Dalit Crime News: મહિલાઓ માટે નરક ગણાતા રાજસ્થાન(Rajasthan)માં દલિત અત્યાચારની ક્રૂર ઘટના સામે આવી છે. અહીં સિકર(Sikar) જિલ્લાના ફતેહપુર(Fatehpur) વિસ્તારમાં, બે બદમાશોએ એક દલિત યુવકનું અપહરણ કર્યું, તેને માર માર્યો અને તેના ગુપ્તાંગ પર લાત મારી દીધી. બંને આરોપીઓએ યુવક પર બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું અને જાતિસૂચક ગાળો બોલીને પીડિત પર પેશાબ કર્યો. જતા પહેલા તેમણે દારૂની બોટલ દલિત યુવકના માથા પર મારી, જેનાથી તેનું માથું ફૂટી ગયું હતું.
આ પણ વાંચોઃ સાબરકાંઠાના ચડાસણામાં મધરાતે દલિત યુવકને નગ્ન કરીને ફેરવ્યો
એ વખતે ગામના બે યુવાનોને ઘટનાની જાણ થતા તેમણે દલિત યુવકને જેમતેમ કરીને આરોપીઓની ચુંગાલમાંથી છોડાવ્યો હતો. બાદમાં, જ્યારે દલિત યુવક ઘરે આવ્યો અને શૌચક્રિયા કરવા બાથરૂમમાં ગયો ત્યારે તેને તકલીફ પડવા લાગી. એ પછી તેણે પરિવારને આખા મામલાની જાણ કરી હતી. પરિવારે આ મામલો પોલીસ સ્ટેશનમાં ઉઠાવ્યો અને આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો. આ ઘટના બાદ લોકોમાં રોષ છે. આ અંગે ફતેહપુર પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અરવિંદ કુમાર જાટે જણાવ્યું હતું કે દલિત યુવકે જાતિ આધારિત દુર્વ્યવહાર, બળાત્કાર, મોં પર પેશાબ કરવો અને હુમલાનો કેસ નોંધાવ્યો છે. આ મામલાની તપાસ ચાલી રહી છે.
મામલો શું હતો?
એફઆઈઆરમાં દલિત યુવકે જણાવ્યું છે કે 8 એપ્રિલે ગામમાં લગ્ન હતા અને પરિવારના સભ્યો લગ્નમાં ગયા હતા અને યુવક વરઘોડો જોવા માટે ઘરેથી નીકળ્યો હતો. એ દરમિયાન ગામના બે યુવકો મહાવીર મીલ અને વિકાસ તેની પાસે આવ્યા હતા અને તેને બસ સ્ટેન્ડ પાસે કામ છે કહીને બાઈક પર બેસાડીને તેને લઈ ગયા હતા. દલિત યુવકે આરોપ લગાવ્યો છે કે બંને આરોપીઓ તેને એક નિર્જન જગ્યાએ લઈ ગયા અને તેને નિર્દયતાથી માર મારવાનું શરૂ કર્યું.
આ પણ વાંચોઃ પોલીસના ખૌફને કારણે 187 દલિત-આદિવાસીઓએ ગામ છોડી દીધું
બંને આરોપીઓએ પીડિતાને કહ્યું કે તેઓ તો તેના પિતાને મારી નાખવા માંગતા હતા, પરંતુ તે વિદેશ જતા રહ્યાં છે અને હવે તેનો વારો છે. ફરિયાદી યુવકનો આરોપ છે કે બંને આરોપીઓએ તેની સામે જાતિસૂચક ગાળો ભાંડી લાત, મુક્કા અને થપ્પડ મારી માર માર્યો હતો. આરોપીએ તેના ગુપ્તાંગ પર લાત મારતા તે બેવડ વળી ગયો હતો, એ પછી આરોપીઓએ તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું.
દલિત યુવકના મોં પર પેશાબ કર્યો
એફઆઈઆરમાં, દલિત યુવકે જણાવ્યું હતું કે બે આરોપીઓ, મહાવીર મીલ અને વિકાસની ક્રૂરતા અહીં જ અટકી નહોતી.તેમણે તેના મોં પર પેશાબ કર્યો હતો અને આ ઘટના વિશે કોઈને પણ કહેવાની મનાઈ કરી હતી. બંને યુવાનો નશામાં હતા અને તેમણે જતા જતા ફરિયાદીના માથા પર દારૂની બોટલથી હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ તરસ્યા દલિત યુવકને નિર્વસ્ત્ર કરી જાહેરમાં માર્યો, 7 સામે ફરિયાદ
ઘટના સ્થળની નજીક આવેલા એક ગામના બે યુવાનોએ દરમિયાનગીરી કરી અને ફરિયાદીને છોડાવ્યો હતો. દલિત યુવકે FIRમાં જણાવ્યું હતું કે તે આ ઘટનાથી ખૂબ જ ડરી ગયો હતો અને તેણે તેના પરિવારને ઘટના વિશે જણાવ્યું ન હતું. પરંતુ જ્યારે તેને મળત્યાગ અને પેશાબ કરવામાં મુશ્કેલી પડી રહી હતી ત્યારે તેણે આખી ઘટના તેના પરિવારને જણાવી હતી. જે સાંભળીને પરિવાર ચોંકી ગયો અને તેને પોલીસ સ્ટેશન લઈ ગયો અને કેસ નોંધ્યો. બંને યુવાનો વિરુદ્ધ SC-ST એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ફતેહપુરના ડીએસપી અરવિંદ કુમાર આ મામલાની તપાસ કરી રહ્યા છે.
કડક કાર્યવાહી કરવામાં આવશે
ફતેહપુરના ડીએસપી અરવિંદ કુમાર જાટનું કહેવું છે કે, આ ઘટના ૮ એપ્રિલે બની હતી, કેસ ૧૬ એપ્રિલે નોંધાયો હતો. હું જોધપુર હાઈકોર્ટ ગયો હતો. મને શુક્રવારે પત્ર મળ્યો. ઘાયલ દલિત યુવકનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે. મુખ્યમંત્રીની મુલાકાત અને ઉર્સને કારણે આજે સાક્ષીઓનો સંપર્ક થઈ શક્યો નહીં. પ્રાથમિક તપાસ અને સાક્ષીઓના નિવેદનો લીધા પછી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ આંબેડકર જયંતિએ ડીજે વગાડતા દલિત યુવકની ગોળી મારી હત્યા