ધાનેરાના ઋણીમાં વર્ષો જૂનો રસ્તો બંધ કરાતા દલિતો મુશ્કેલીમાં મૂકાયા

ધાનેરાના ઋણી ગામે વર્ષો જૂનો માર્ગ બંધ કરી દેવાતા દલિત સમાજના 15 પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. મામલતદારના હુકમ છતાં રસ્તો ન ખુલતા રોષ.
Dhaneras Runi village

ધાનેરા: બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ઋણી ગામે છેલ્લા કેટલાક સમયથી રસ્તાના પ્રશ્ને ભારે વિવાદ સર્જાયો છે. ગામમાં વર્ષોથી અસ્તિત્વમાં રહેલો અને ખેતરો તરફ જતો એક મુખ્ય માર્ગ અચાનક બંધ કરી દેવામાં આવતા દલિત સમાજના પરિવારો માટે અવરજવરનો પ્રશ્ન અત્યંત ગંભીર બન્યો છે. આ મામલે અગાઉ તંત્ર દ્વારા હુકમ કરવામાં આવ્યો હોવા છતાં તેનો અમલ ન થતા આખરે પીડિત પરિવારોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

દલિત પરિવારોએ મામલતદાર કચેરીએ ધરણા યોજ્યા

ગત ગુરુવારના રોજ ઋણી ગામના અસરગ્રસ્ત પરિવારો મોટી સંખ્યામાં ધાનેરા મામલતદાર કચેરી ખાતે એકત્રિત થયા હતા. ગ્રામજનોએ કચેરીના પટાંગણમાં ધરણા યોજી તંત્ર સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમની માંગ છે કે, વર્ષોથી જે માર્ગનો ઉપયોગ તેઓ ખેતરે જવા અને રોજિંદા કામકાજ માટે કરતા હતા, તેને તાત્કાલિક ધોરણે ખુલ્લો કરવામાં આવે. અગાઉ મામલતદાર દ્વારા આ રસ્તો ખુલ્લો કરવા માટે સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો હોવા છતાં પરિસ્થિતિ જેમની તેમ રહેતા દલિતોમાં રોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: બોટાદના સરવઈનો દલિત પરિવાર 14 વર્ષથી ન્યાય માટે રઝળે છે

પોલીસ બંદોબસ્તના અભાવે તપાસ વિલંબમાં

આ વિવાદના કાયમી ઉકેલ માટે મામલતદાર દ્વારા ગત 29 જાન્યુઆરીના રોજ સ્થળ પર રૂબરૂ તપાસની તારીખ નક્કી કરવામાં આવી હતી. જોકે, અંબાજી ખાતેના વિશેષ કાર્યક્રમમાં પોલીસ કાફલો બંદોબસ્તમાં વ્યસ્ત હોવાને કારણે નિયત સમયે સ્થળ તપાસ થઈ શકી નહોતી. પોલીસ પ્રોટેક્શનના અભાવે વહીવટી પ્રક્રિયામાં વિલંબ થતા મામલો વધુ ગૂંચવાયો હતો. જે બાદ મામલતદારે નવી તારીખ જાહેર કરવી પડી હતી.

9 ફેબ્રુઆરીએ થશે અંતિમ નિર્ણય લેવામાં આવશે

મામલતદાર જનકબેને ધરણા પર બેઠેલા ગ્રામજનોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, આગામી 9 ફેબ્રુઆરીના રોજ આ મામલે નવી તારીખ જાહેર કરવામાં આવી છે. તે દિવસે બંને પક્ષોને રૂબરૂ સાંભળવામાં આવશે અને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરી રસ્તાના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવશે. તંત્રની આ લેખિત ખાતરી અને હકારાત્મક અભિગમ બાદ ગ્રામજનોએ હાલ પૂરતા પોતાના ધરણા સમેટી લીધા હતા.

આ પણ વાંચો: દલિતે સવર્ણો વચ્ચે ઘર બનાવતા ગામલોકોએ સામાજિક બહિષ્કાર કર્યો

ગામના 15 પરિવારોને ભારે હાલાકી

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઋણી ગામના અંદાજે 15 જેટલા દલિત પરિવારો આ રસ્તા પર નિર્ભર છે. રસ્તો બંધ થવાને કારણે ખેતીકામ અટકી પડ્યું છે. સૌથી વધુ મુશ્કેલી શાળાએ જતાં બાળકો, સગર્ભા મહિલાઓ, બીમાર વ્યક્તિઓ અને વૃદ્ધોને પડી રહી છે. કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે અન્ય વાહન આવી શકે તેવી પણ કોઈ જગ્યા બચી નથી.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વહીવટી તંત્રના આદેશનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે અને તેમને જાણી જોઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. હવે સમગ્ર ગામની નજર 9 ફેબ્રુઆરી પર ટકેલી છે. જો તે દિવસે પણ યોગ્ય નિરાકરણ નહીં આવે, તો ગ્રામજનોએ આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: શાળાને બદલે મંદિરમાં પ્રવેશવા માટે દલિત પરિવારોનું આંદોલન

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x