Dalit News: ગુજરાતની ભાજપ સરકાર દલિતોના કેસોમાં કઈ હદે નિર્દયી બની જાય છે તેના અનેક ઉદાહરણો મોજૂદ છે. પરંતુ સૌથી ચોંકાવનારો મામલો ગીર-સોમનાથ જિલ્લાના આંકોલાળી ગામના નિર્દોષ દલિત પરિવારનો છે. આ પરિવાર છેલ્લાં 13 વર્ષથી ભટકી રહ્યો છે, પરંતુ ભાજપ સરકાર તેમનું પુનર્વસન કરતો નથી. આંકોલાળીના સરવૈયા પરિવારનું પુર્નવસન આજે પણ અધૂરું છે.
મામલો શું હતો?
આ પરિવાર સાથે શું બન્યું હતું તે યાદ રાખવું જરૂરી છે, જેથી તેમનું પુનર્વસન શા માટે જરૂરી છે તેનો ખ્યાલ આવે. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના આંકોલાળી ગામમાં વર્ષ 2012માં અનુસૂચિત જાતિના યુવાન લાલજીભાઈ સરવૈયાની ગામના જાતિવાદી તત્વોએ તેમના ઘરમાં જીવતા સળગાવી નિર્મમ હત્યા કરી હતી. જાતિવાદી ગુંડાઓને શંકા હતી કે લાલજીભાઈ તેમની જાતિની કોઈ યુવતીને ભાગીને લગ્ન કરવામાં મદદ કરી હતી. આ શંકાના આધારે જ આરોપીઓએ લાલજીભાઈને તેમના જ ઘરમાં પુરીને જીવતા સળગાવી દીધા હતા. આ ઘટનાના બીજા જ દિવસે તેમના પરિવારને જીવ બચાવવા માટે ગામ છોડીને હિજરત કરવી પડી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં દલિત વૃદ્ધની હત્યામાં 6 ની SC-ST Act હેઠળ ધરપકડ
11 આરોપીઓને આજીવન કેદની સજા થઈ છે
આ કેસમાં તમામ 11 આરોપીઓને સ્પેશિયલ એટ્રોસિટી સેશન્સ કોર્ટે આજીવન કેદ (જન્મટીપ)ની સજા ફટકારી છે. ઘરનો મોભી ગુમાવ્યા પછી આ પરિવાર સતત રઝળતું-ભટકતું જીવન ગાળવા મજબૂર છે. સરકાર તેમને મળવાપાત્ર કાયદેસરના હકો પણ આપી શકી નથી. આ ઘટના સાબિત કરે છે કે, ભાજપના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે. ડો.આંબેડકરને ફુલહાર કરી ‘જય ભીમ’ના નારા લગાવતા ભાજપના નેતાઓ અને મનુવાદી માનસિકતા ધરાવતી ગુજરાત સરકાર, તેમનું જાતિવાદી વહીવટી તંત્ર દલિતો સાથે અન્યાય કરી રહ્યું છે.
એટ્રોસિટી એક્ટમાં જોગવાઈઓ હોવા છતાં પુનર્વસન નથી કરાતું
સામાજિક કાર્યકર કાંતિલાલ પરમારના જણાવ્યા મુજબ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમ–1989(એટ્રોસિટી એક્ટ) તથા તેના નિયમો–1995 ના નિયમ 15માં હિજરતી પરિવારના સંપૂર્ણ પુનર્વસનની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં પરિવારના આશ્રિતને સરકારી નોકરી આપવામાં આવી નથી, પેન્શન, રોજગારી, યોગ્ય આવાસ અને ખેતીલાયક જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી નથી, બાળકો માટે વિશેષ શિક્ષણ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: ભીમા કોરેગાંવ કેસમાં પ્રો. હની બાબુને 5 વર્ષ બાદ જામીન મળ્યા
આથી વધુ ગંભીર બાબત એ છે કે, દેલવાડા ગ્રામ પંચાયત દ્વારા મનસ્વી, ગેરકાયદેસર અને કાયદા વિરુદ્ધ ઠરાવો કરી હિજરતી પરિવારને સતત હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખી બંધારણીય અને માનવ અધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર મામલે જવાબદાર ગ્રામ પંચાયતના હોદેદારો, તલાટી તથા સંકળાયેલા અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી, ગુજરાત પંચાયત અધિનિયમ–1993 ની કલમ 57(1) અને 59(1) હેઠળ પગલાં, તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવાની તાત્કાલિક જરૂરિયાત છે.
આંકોલાળીના પરિવારને ન્યાય મળે તે માટે આગળ આવો
કાંતિલાલ પરમારનું કહેવું છે કે, રાજ્ય સરકાર માત્ર દાવા નહીં પરંતુ કાયદા મુજબ હિજરતી અનુસૂચિત જાતિના પીડિત પરિવારનું તાત્કાલિક, સંપૂર્ણ અને સન્માનજનક પુનઃવસન કરે તેવી માંગ સામાજિક કાર્યકર્તાઓ અને માનવ અધિકાર સંગઠનો દ્વારા કરવામાં આવી રહી છે. જો હજુ પણ ન્યાય ન મળે તો આ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન અને કાનૂની લડત શરૂ કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે
આ પણ વાંચો: પાંચ વર્ષ પહેલાનો એક સીમાચિહ્નરૂપ ચૂકાદો, જે ન્યાય ઝંખતા બહુજનોને સાચી દિશા ચીંધે છે












ભારતમા સંપૂર્ણ જાતિવાદ ને મહત્વ આપવામાં આવ્યું છે…