પશ્ચિમ રાજસ્થાનના બાડમેર જિલ્લામાં એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક સગીર દલિત છોકરી પર બળાત્કારની ઘટનાએ બધાને ચોંકાવી દીધા હતા. પીડિતાએ બાડમેર મેડિકલ કોલેજ જિલ્લા હોસ્પિટલના મધર ચાઇલ્ડ વેલફેર સેન્ટરમાં બાળકને જન્મ આપ્યો છે. છોકરીના નિવેદન બાદ પોલીસે આરોપી યુવકને કસ્ટડીમાં લીધો છે અને કેસની તપાસ શરૂ કરી છે.
9 મહિના પહેલા બળાત્કાર થયો હતો
બાડમેર મહિલા પોલીસ અધિકારી મુકન દાને જણાવ્યું હતું કે જિલ્લા હોસ્પિટલમાંથી માહિતી મળી હતી કે, એક દલિત સગીરાએ બાળકને જન્મ આપ્યો છે. પોલીસ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી અને પીડિતા સાથે વાત કરી. પીડિતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે લગભગ 8 મહિના પહેલા એક યુવકે તેના પર બળાત્કાર કર્યો હતો, ત્યારબાદ તે ગર્ભવતી થઈ હતી. શનિવારે, જ્યારે તેણીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી, ત્યારે તેના પરિવારે તેને બાડમેર મેડિકલ કોલેજ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરી. ડોકટરોએ ગર્ભાવસ્થાની પુષ્ટિ કરી અને તેણીએ બાળકને જન્મ આપ્યો.

આ પણ વાંચો: ‘જય ભીમ’ બોલવા બદલ 5 દલિત વિદ્યાર્થીઓને શિક્ષકોએ મુર્ગા બનાવી માર્યા
પોલીસે કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો
પીડિતના નિવેદનોના આધારે પોલીસે SC/ST એક્ટ અને POCSO એક્ટ સહિતની અનેક કલમો હેઠળ કેસ નોંધ્યો છે. હાલ આરોપી યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કેસની સઘન તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે પીડિતા હાલ 18 વર્ષની છે, પરંતુ ઘટના સમયે તે સગીર હતી. મહિલા પોલીસ સેલના અધિક પોલીસ અધિક્ષક નિતેશ આર્ય સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે.

પીડિતા અને નવજાત શિશુની સ્થિતિ કેવી છે?
હાલમાં પીડિતા બાડમેર મેડિકલ કોલેજ જિલ્લા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નવજાત શિશુ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ડોકટરોની દેખરેખ હેઠળ છે. સ્વસ્થ થયા પછી, બાળકને બાળ કલ્યાણ સમિતિને સોંપવામાં આવશે. બળાત્કારની આ ઘટના બાદ સગીરાનું ભાવિ દુઃખમય બની ગયું છે. આટલી નાની ઉંમરે રેપનો ભોગ બન્યા બાદ સગર્ભા બનવાથી તે માનસિક રીતે ભાંગી પડી છે.
આ પણ વાંચો: પાંચ વર્ષની દલિત બાળકી પર રેપ કરી હત્યા કરનારને ફાંસીની સજા










