પ્રતિભા અને અતૂટ વિશ્વાસ અને સાહસ સામે ગમે તેવી મોટી મુશ્કેલીઓ પણ અંતે ઘૂંટણ ટેકવી દે છે. જો મનમાં દ્રઢ સંકલ્પ હોય, તો માણસ શૂન્યથી શિખર સુધીની સફર તમામ મુશ્કેલીઓને પાર કરીને પણ પૂર્ણ કરી શકે છે. રાજસ્થાનના ભારત-પાકિસ્તાન સરહદે આવેલા સરહદી બાડમેર જિલ્લાના એક અત્યંત સામાન્ય દલિત પરિવારમાં જન્મેલી રચના લીલડ આ વાતનું જીવંત ઉદાહરણ છે.
જન્મ સમયે સમાજે ‘પથ્થર’ જણ્યો કહી તિરસ્કાર કર્યો હતો
રચનાની માતા જ્યારે ભૂતકાળને યાદ કરે છે ત્યારે તેમની આંખો ભીની થઈ જાય છે. ભારત-પાક સીમા પાસે આવેલા આટી ગામમાં જ્યારે રચનાનો જન્મ થયો, ત્યારે આસપાસના લોકો અને સંબંધીઓએ તેને વધાવવાને બદલે અજીબ પ્રતિક્રિયા આપી હતી. દલિત પરિવારમાં દીકરીનો જન્મ અને તેમાં પણ તે સમયે પ્રવર્તતી અંધશ્રદ્ધાને કારણે લોકોએ તેની માતાને કહ્યું હતું કે, “તમારે ત્યાં તો ‘પથ્થર’ જન્મ્યો છે.” આ શબ્દો કોઈ પણ માતા માટે કાળજાને ચીરી નાખનારા હતા.

આ પણ વાંચો: આણંદના કાવઠની બે સગી બહેનોએ PSI બની ઈતિહાસ રચ્યો
પરંતુ રચનાની માતાએ આ મહેણાંને પોતાની શક્તિ બનાવી દીધી. તેમણે તે જ સમયે મનોમન નક્કી કરી લીધું કે જે દીકરીને આજે દુનિયા પથ્થર કહી રહી છે, તેને તેઓ ભણાવી-ગણાવીને એવી કાબિલ બનાવશે કે તે ભવિષ્યમાં ‘મીલનો પથ્થર’ સાબિત થાય. તેમણે પોતાની દીકરીના ભવિષ્ય માટે એવો સંકલ્પ કર્યો કે જેની અસર આજે આખા દેશમાં જોવા મળી રહી છે.
દરરોજ ૨૦ કિલોમીટરની મુસાફરી કરીને ભણી
રચનાનો પ્રારંભિક અભ્યાસ તેના ગામ આટીની સરકારી શાળામાં થયો હતો. ધોરણ 8 સુધીનો અભ્યાસ ગામમાં પૂર્ણ કર્યા પછી આગળ ભણવું એ એક મોટો પડકાર હતો. ઉચ્ચ શિક્ષણ માટે ગામમાં સુવિધાઓ નહોતી, તેથી તેણે બાડમેર જિલ્લા મથકની શાળામાં પ્રવેશ મેળવ્યો. તેના ઘરથી શાળાનું અંતર ઘણું વધારે હતું. રચના દરરોજ એકલી 20 કિલોમીટરની મુસાફરી કરીને શાળાએ જતી હતી. તે સમયે સામાજિક પરિસ્થિતિ અને સલામતીના પ્રશ્નો હોવા છતાં, રચનાએ ડર્યા વગર પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો.
એન્જિનિયરીંગમાં ઐતિહાસિક સફળતા મેળવી
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ ગુણ મેળવ્યા બાદ રચનાએ એન્જિનિયરિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. પુરુષ પ્રધાન ગણાતા પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં તેણે રસ દાખવ્યો અને એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. એન્જિનિયરિંગના ચાર વર્ષ દરમિયાન તેણે રાત-દિવસ એક કરીને અભ્યાસ કર્યો. તેની મહેનતનું પરિણામ ત્યારે મળ્યું જ્યારે વર્ષ 2022માં એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં જ તેને કેમ્પસ પ્લેસમેન્ટમાં સફળતા મળી.

આ પણ વાંચો: EWS ના 140 ઉમેદવારોએ 1 કરોડ ફી ભરી મેડિકલમાં પ્રવેશ લીધો
જિલ્લાની પહેલી પેટ્રોકેમિકલ એન્જિનિયર બની
રચના બાડમેર જિલ્લાની પ્રથમ મહિલા પેટ્રોકેમિકલ એન્જિનિયર બની. આ માત્ર તેના પરિવાર માટે નહીં, પણ સમગ્ર દલિત સમાજ અને બાડમેર જિલ્લા માટે ગૌરવની ક્ષણ હતી. ગુજરાતના પોરબંદરમાં સ્થિત એક જાણીતી કંપનીમાં તેને વાર્ષિક અંદાજે 28 લાખ રૂપિયાના મંગી પેકેજ પર નોકરી મળી. જે દીકરીને પથ્થર કહેવામાં આવી હતી, તે આજે લાખોની કમાણી કરી રહી છે.
પોરબંદરથી બાડમેર સુધી નામ ગુંજ્યું
રચનાની આ સિદ્ધિની ચર્ચા આજે માત્ર રાજસ્થાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગુજરાતના પોરબંદર સુધી તેના નામની ચર્ચા છે. એક સામાન્ય પરિવારની દીકરી જ્યારે આટલા મોટા પદ પર પહોંચે ત્યારે તે આખા સમાજની વિચારધારા બદલી નાખે છે. જે લોકો એક સમયે રચનાના જન્મ પર અફસોસ વ્યક્ત કરતા હતા, તે જ લોકો આજે તેની સફળતાના ગુણગાન ગાઈ રહ્યા છે અને તેના માતા-પિતાને અભિનંદન આપી રહ્યા છે. રચનાએ સાબિત કરી દીધું છે કે સાહસ અને દ્રઢ ઈચ્છાશક્તિ હોય તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ કમળ ખીલી શકે છે. તેણે સામાજિક ભેદભાવ અને રૂઢિચુસ્તતાની બેડીઓ તોડીને એક નવો રાહ ચીંધ્યો છે.
આ પણ વાંચો: ધો. 10માં માત્ર 35 માર્ક્સ આવ્યા હતા, તેઓ આજે રાજકોટના કમિશનર છે














Dhanyavaad aavi Dikariyu ne 100 Topo ni salami,,,,