ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક દલિત વર-કન્યા પરણીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ઠાકુર જાતિના લુખ્ખા તત્વો રસ્તામાં ખાટલા ઢાળીને રસ્તો રોકીને બેસી ગયા હતા અને દલિત વર-કન્યાને દલિત થઈને અમારા ઘર સામેથી ચંપલ પહેરીને કેમ નીકળવાની તમારી હિંમત કેમ થઈ એમ કહીને તેમના પર હુમલો કરી દીધો હતો.
દલિત અત્યાચારની દરેક ઘટનામાં બને છે તેમ આ ઘટનામાં પણ પોલીસે જાતિવાદી તત્વોનો સાથ આપ્યો હતો અને કેસ તો નોંધ્યો પરંતુ ન તો પીડિતોનું મેડિકલ ચેકઅપ કરાવ્યું, ન તો આરોપીઓની ધરપકડ કરવામાં આવી. હવે પીડિત પરિવાર ન્યાય માંગી રહ્યો છે.
આ પણ વાંચો: પ્રેમ પ્રકરણમાં દલિત યુવકની ક્ષત્રિયોએ ગળું કાપી હત્યા કરી
ઘટના અજનર વિસ્તારના મવૈયા ગામની છે. અહીં સુનીલ નામનો દલિત યુવકની જાન પરણીને ઘર તરફ જઈ રહી હતી. વરકન્યા પગપાળા ઘર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ગામના ચાર લુખ્ખા તત્વો દિલીપ ઠાકુર, ભૂપત ઠાકુર, જીતુ ઠાકુર અને બિટ્ટુ ઠાકુર રસ્તામાં ખાટલો ઢાળીને બેસી ગયા હતા અને જાનનો રસ્તો રોક્યો હતો. આ લુખ્ખા તત્વોએ દલિત યુવકની જાન પોતાના ઘર પાસેથી નીકળવા નહીં દે તેમ કહીને વિરોધ નોંધાવ્યો હતો. આરોપીઓએ ‘વરકન્યાને તમે દલિત થઈને ઠાકુરોના ઘર પાસેથી ચંપલ પહેરીને નીકળવાની હિંમત કેમ કરી?’ કહીને તેમના પર હુમલો કરી દીધો હતો.
દલિત વરકન્યા પર હુમલો કરી માર માર્યો
જ્યારે વરરાજા સુનિલે તેમનો વિરોધ કર્યો ત્યારે આ લુખ્ખા તત્વોએ તેને જાતિસૂચક ગાળો ભાંડી તેનું જાહેરમાં અપમાન કર્યું હતું અને તેને ખરાબ રીતે માર માર્યો હતો. આ હુમલામાં સુનીલની સાથે તેના પરિવારજનો પણ ઘાયલ થયા હતા. આરોપીઓએ નવ પરિણીત કન્યાને પણ ધક્કા મારીને પાડી દીધી હતી અને તેનું પણ અપમાન કર્યું હોવાનો આરોપ લાગ્યો છે.
પોલીસે કેસ નોંધ્યો પણ કોઈની ધરપકડ ન કરી
ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસે FIR નોંધી હતી, પરંતુ પીડિતોના મતે અત્યાર સુધી ન તો તેમની મેડિકલ તપાસ કરવામાં આવી છે અને ન તો કોઈ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઊલટું, સમાધાન કરી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ દલિત સમાજમાં ભારે રોષનો માહોલ છે.
પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી
પોલીસે આરોપીઓની ધરપકડ ન કરતા દલિત યુવક સુનિલ પોલીસ અધિક્ષક કચેરી પહોંચ્યો હતો અને ન્યાયની માંગણી કરી હતી. આ બાબતે સીઓ કુલપહાડ હર્ષિતા ગંગવારે જણાવ્યું હતું કે આરોપીઓ સામે શાંતિ ભંગ કરવા બદલ કલમ ૧૫૧ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: દલિતોના વાળ ન કાપવા પડે એટલે વાળંદોએ દુકાનો બંધ કરી દીધી