વારાણસી: હોળીનો તહેવાર હવે જાણે ભાઈચારાને બદલે દાઝ કાઢવા માટેનો તહેવાર બની ગયો હોય તેવી સ્થિતિ છે. જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાંથી આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ડીજે પર ગમતું ગીત વગાડવાના વિવાદમાં એક દલિત આધેડની હત્યા કરી દેવામાં આવી હતી.
જ્યારે આખો દેશ હોળી-ધૂળેટીના પર્વ પર પરસ્પરના વેરઝેર ભૂલીને એકબીજાને રંગે રંગાઈ રહ્યો હતો, ત્યારે વારાણસીના સિંધૌરા થાણા વિસ્તારના બૂચી ગામમાં જાતિવાદે એક નિર્દોષનો ભોગ લીધો હતો. ડીજે પર મનપસંદ ગીત વગાડવા જેવી અત્યંત સામાન્ય બાબત પર શરૂ થયેલી તકરારમાં 55 વર્ષીય દલિત આધેડ ત્રિલોકી રામની નિર્મમ રીતે માર મારી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હુમલો એટલો ભયાનક હતો કે આધેડને બચાવવા વચ્ચે પડેલા તેમના પરિવારના પાંચ સભ્યો પણ લોહીલુહાણ થયા હતા.

મામલો શું હતો?
બુધવારે હોળીના દિવસે આખું ગામ ઉત્સવના માહોલમાં હતું. ગામમાં એક સ્થળે ડીજે વાગી રહ્યું હતું અને યુવાનો ડાન્સ કરી રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડીજે પર ગીત બદલવા અથવા મનપસંદ ગીત વગાડવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જોકે, આ બોલાચાલી માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત ન રહેતા, ક્ષણભરમાં જ્ઞાતિગત સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. આરોપ છે કે ગામના જ કેટલાક માથાભારે જ્ઞાતિના યુવાનોએ ઉશ્કેરાઈને દલિત પરિવાર પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું.
આ પણ વાંચો: ટોળાંએ મુસ્લિમ વૃદ્ધને ‘ગૌમાતાની જય’ બોલાવી, ઉઠકબેઠક કરાવી ફટકાર્યા!

દલિત પરિવારનું આખું આંગણું લોહીથી ખરડાયું
થોડી જ વારમાં લાઠી-ડંડા અને ઈંટ-પથ્થરોથી સજ્જ ટોળાએ ત્રિલોકી રામ પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરોએ ત્રિલોકી રામના માથાના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા, જેના કારણે તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. પિતાને બચાવવા દોડી આવેલા તેમના પુત્રો રાહુલ (29) અને મુલાયમ (25) તેમજ પરિવારના અન્ય સભ્યો છેદી (42), ફૂલપત્તી (36) અને જયપ્રકાશ (45) પર પણ હુમલાખોરોએ જરાય દયા દાખવી નહોતી. આ તમામ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને આખું આંગણું લોહીથી ખરડાયું હતું. ગંભીર હાલતમાં ત્રિલોકી રામને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે વહેલી સવારે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
તહેવારમાં જાતિવાદનો વરવો ચહેરો
આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે 21મી સદીમાં પણ સમાજના અમુક વર્ગોમાં જાતિવાદનું ઝેર કેટલું ઊંડું ઉતરેલું છે. હોળી જેવા તહેવારમાં જ્યાં લોકો ‘બુરા ન માનો હોલી હૈ’ કહીને નફરત ખતમ કરવાની વાતો કરે છે, ત્યાં વારાણસીમાં દલિત હોવાને કારણે એક વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો. હુમલાખોરોની માનસિકતા દર્શાવે છે કે તેઓ દલિતોની સમાન ભાગીદારી અથવા તેમની પસંદગીને સહન કરી શકતા નથી.
આ પણ વાંચો: મહારાષ્ટ્રનું સૌંદળા ગામ બન્યું દેશનું પ્રથમ ‘જાતિમુક્ત ગામ’
પોલીસે શું કાર્યવાહી કરી?
ઘટનાને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. મૃતકના પરિજનોએ નરમુ, ગુડ્ડુ, રાજા, સંદીપ અને ગોવિંદા નામના શખ્સો વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે. પોલીસે હત્યા અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. થાણા પ્રભારીએ જણાવ્યું હતું કે, આરોપીઓ હાલ ફરાર છે અને તેમની શોધખોળ માટે ટીમો રવાના કરવામાં આવી છે. ગામમાં ફરી હિંસા ન ફાટી નીકળે તે માટે મોટા પાયે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આરોપીઓ પર કડક કાર્યવાહી કરવાની ખાતરી પોલીસ પ્રશાસને આપી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં હોળી-ધૂળેટી દરમિયાન કેટલા લોકોના મોત થયા?










