Dalit news: જાતિવાદનો ગઢ ગણાતા યુપીમાં એક દલિત વિદ્યાર્થીને સવર્ણ જાતિના આચાર્યે જાતિભેદભાવ રાખી માથામાં બેટથી માર મારતા દલિત વિદ્યાર્થીનું માથું ફાટી ગયું હોવાનો આરોપ લાગ્યો છે. વિદ્યાર્થીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને વિદ્યાર્થીના માતાપિતા સહિત ગામલોકોએ સ્કૂલે પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો.
ઉત્તર પ્રદેશના રાયબરેલીના બછરાવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રાઘવપુર પ્રાથમિક શાળામાં મંગળવારે બપોરે ધોરણ 1 માં અભ્યાસ કરતા 6-7 વર્ષના ઋતિક સાથે એક ગંભીર ઘટના બની. એવો આરોપ છે કે શાળાના પ્રિન્સિપાલે કોઈ બાબત પર ક્રિકેટ બેટથી તેના માથા પર ઘા કર્યો હતો. માર એટલો ગંભીર હતો કે બાળકનું માથું ફાટી ગયું હતું અને લોહી વહેવા લાગ્યું. ઘટના બાદ તરત જ, વિદ્યાર્થીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. આ તરફ ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો અને ગ્રામજનો ગુસ્સે ભરાયા.
આ પણ વાંચો: રામભદ્રાચાર્યે કહ્યું, ‘વાઈફ એટલે વન્ડરફૂલ ઇન્સ્ટ્રુમેન્ટ ફોર એન્જોય!’
પરિવારજનો અને ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો
પરિવારના સભ્યોએ આ ઘટનાની જાણ પોલીસને કરી. ગ્રામજનોએ આરોપ લગાવ્યો કે બાળકોને માત્ર માર મારવામાં આવતો નથી, પરંતુ અસ્પૃશ્યતા અને જાતિ ભેદભાવ પણ રાખવામાં આવે છે. આચાર્યની દાદાગીરીના વિરોધમાં ગ્રામજનોએ શાળાનો ઘેરાવ કર્યો અને આચાર્ય સામે કાર્યવાહીની માંગ કરી.
એ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પરિસ્થિતિ થાળે પાડી અને પરિવારને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા કહ્યું. બુધવારે, પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, ન્યાયની માંગ કરી છે. જો કે, ગામના દલિતોનું માનવું છે કે, આચાર્ય સવર્ણ જાતિનો હોવાથી તેને કોઈ કડક સજા થાય તેમ લાગતું નથી.
આ પણ વાંચો: અંતિમવિધિના પૈસા ન હોવાથી મૃતદેહ હોસ્પિટલમાં તરછોડી દીધો










