દલિતો જાણે આ દેશમાં કીડા-મકોડા હોય તેમ જાતિવાદી તત્વો તેને માર મારતા, હત્યા કરતા પણ ખચકાતા નથી. સૌથી અગત્યની વાત એ છે કે, દલિતો પર અત્યાચાર કરવામાં તેમને કાયદો-વ્યવસ્થાની પણ કોઈ બીક નથી લાગતી. સામાન્ય રીતે દલિતોને માર મારવો, હથિયારોથી હુમલો કરવો જેવી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ અહીં તો તેને જીવતો મોતના મુખમાં ધકેલી દેવાયો હતો.
મામલો જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તર પ્રદેશનો છે. અહીંના લખીમપુર ખેરી જિલ્લામાં માનવતાને શર્મસાર કરતી એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 36 વર્ષીય દલિત મજૂર કુલદીપ કુમારને તેની મજૂરીના પૈસા માગવા બદલ જીવ ગુમાવવો પડ્યો. કુલદીપ છેલ્લા પાંચ મહિનાથી સાજિદ ખાનની માલિકીના ગોળના કારખાનામાં દિવસ-રાત મજૂરી કરતો હતો. હોળીનો તહેવાર નજીક હોવાથી ઘરના ખર્ચ અને પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે કુલદીપે 11 માર્ચ 2026ના રોજ સાંજે આશરે 4.30 વાગ્યે સાજિદ ખાન પાસે પોતાની બાકી નીકળતી મજૂરીના નાણાંની ઉઘરાણી કરી હતી.

પોતાના હકના પૈસા માંગવા છતાં માલિકો ઉશ્કેરાઈ ગયા હતા. આ સામાન્ય માંગણી સાજિદ ખાન અને તેના સાથીદારોને એટલી હદે કઠી હતી કે તરત તેમણે કુલદીપને માર મારવાનું શરૂ કર્યું હતું. આક્ષેપ છે કે સાજિદ ખાન, રાશિદ ખાન અને હમીદ ખાને ભેગા મળીને કુલદીપ સાથે જાતિસૂચક અપશબ્દો બોલી ગાળાગાળી કરી અને નિર્દયતાથી મારપીટ શરૂ કરી હતી. આઘાતજનક વાત એ છે કે, આરોપીઓએ કુલદીપને પકડીને ઉકળતા ગોળની ગરમ ચાસણીથી છલોછલ ભરેલા મોટા લોખંડના કડાપામાં જોરથી ધકેલી દીધો હતો.
આ પણ વાંચો: દૂધરેજ વડવાળા મંદિરના પૂજારીએ કરડી નજરે પૂછ્યું, ‘તમે કેવા?’
12 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર બાદ મોત થયું
ઉકળતા ગોળમાં પડવાને કારણે કુલદીપનું શરીર 80 ટકાથી વધુ ગંભીર રીતે દાઝી ગયું હતું. ગોળની ગરમ ચાસણી શરીર પર ચીપકી જવાથી તેની વેદના અસહ્ય બની ગઈ હતી. ઘટના બાદ આરોપીઓ ગભરાઈ ગયા હતા અને પુરાવા છુપાવવા કે મામલો શાંત પાડવા માટે તેઓ પોતે જ કુલદીપને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, તેમણે કુલદીપના પરિવારને આ અકસ્માત હોવાનું કહીને ઘણી મોડી જાણ કરી હતી.
શરૂઆતમાં તેને સ્થાનિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેની સ્થિતિ અત્યંત નાજુક અને ચિંતાજનક હોવાથી તેને વધુ સારી સારવાર માટે લખનૌની સિવિલ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યો હતો. દુર્ભાગ્યવશ, સરકારી હોસ્પિટલની કામગીરી અને આર્થિક વ્યવસ્થાના અભાવે તેને ત્યાં માત્ર એક જ દિવસ રાખીને રજા આપી દેવામાં આવી. લાચાર પરિવારે દેવું કરીને પણ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવવાનો છેલ્લો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં પણ સારવારના તોતિંગ ખર્ચ અને શરીરના આંતરિક અંગો નિષ્ફળ જવાને કારણે મંગળવારે, 12 દિવસની કાળઝાળ પીડા બાદ કુલદીપે હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા હતા.

આ પણ વાંચો: ‘હું ભાજપ પ્રમુખ છું, એટ્રોસિટીની ફરિયાદ ખેંચી લે નહીંતર પત્તો નહીં લાગે!’
પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી
કુલદીપના મૃત્યુ બાદ સમગ્ર વિસ્તારમાં રોષ ફાટી નીકળ્યો હતો. મૃતકના પિતા ખેમકરમે નીમગાંવ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે. પિતાએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે સાજિદ અને તેના સાથીઓએ જાણીજોઈને કુલદીપને મારી નાખવાના ઇરાદે જ કડાપામાં ફેંક્યો હતો. પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115,118, 352 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC/ST Act) ની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
લખીમપુર ખેરીના એએસપી અમિત કુમાર રાયે મીડિયાને જણાવ્યું કે, “અમે બંને પક્ષોના નિવેદનોની ચકાસણી કરી રહ્યા છીએ. ઘટના 11 માર્ચની છે અને કુલદીપ લાંબા સમયથી અલગ-અલગ હોસ્પિટલોમાં મરણ અને જીવન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. પરિવારે તેના મૃત્યુ પછી જ વિધિવત ફરિયાદ કરી છે, તેથી અમે મેડિકલ રિપોર્ટ અને સાક્ષીઓના આધારે તમામ કાયદાકીય પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.”
આરોપીના સંબંધીઓ બચાવમાં ઉતરી આવ્યા
બીજી તરફ, આરોપીઓના સંબંધી નાસિર ખાને આ તમામ ગંભીર આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. તેમણે બચાવ કરતા કહ્યું કે આ કોઈ હુમલો નહોતો પણ એક કમનસીબ અકસ્માત હતો. તેમના મતે, કુલદીપ કામ દરમિયાન અચાનક સંતુલન ગુમાવી દેતા લપસી પડ્યો અને કડાપામાં પડી ગયો હતો. તેમણે એમ પણ દાવો કર્યો કે પરિવારે માનવતા દાખવી તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો અને તેની સારવાર પાછળ લાખોનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો: બ્રાહ્મણવાદ જિંદાબાદ’ના નારા લગાવતી મેઘા લવારિયની બોલતી બંધ!
દલિત સંગઠનો ન્યાય માટે કુલદીપની સાથે આવ્યા
પરંતુ આ દલીલો વચ્ચે દલિત સંગઠનો અને સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે જો તે અકસ્માત હતો, તો મજૂરી માંગ્યાના સમયે જ કેમ બન્યો? આ ઘટનાએ મજૂરોની સુરક્ષા, મજૂરીની ચૂકવણી અને જાતિગત ભેદભાવ જેવા સળગતા પ્રશ્નો ફરી એકવાર સપાટી પર લાવી દીધા છે. લોકો આરોપીઓની ત્વરિત ધરપકડ અને પીડિત પરિવારને આર્થિક વળતરની માંગ કરી રહ્યા છે. હાલમાં કુલદીપના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આ કેસમાં મહત્વનો પુરાવો સાબિત થશે.
આ પણ વાંચો: આદિવાસી હોસ્ટેલમાં ત્રણ વિદ્યાર્થીનીઓ ગર્ભવતી બનતા ખળભળાટ











