Dalit News: જાતિવાદનું ઝેર કઈ હદે લુખ્ખા તત્વોના લોહીમાં ભળી ગયું છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. એક દલિત કિશોરને જાતિવાદી ગુંડાઓએ માત્ર એટલા માટે માર માર્યો, કેમ કે, તેણે ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ નીચે કોમેન્ટ કરી હતી. આરોપીઓ દલિત કિશોરને બંદૂક અને છરી બતાવી બાઈક પર બેસાડીને અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. જ્યાં તેને કપડાં ઉતરાવી માર માર્યો હતો અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. આ ઘટના 31 ડિસેમ્બર 2025ના રોજ રાતે બની હતી.
મામલો યુપીના બરેલીનો છે. અહીં કેટલાક જાતિવાદી ગુંડાઓએ એક દલિત સગીરનનું અપહરણ કરી તેને નગ્ન કરી માર માર્યો હતો અને આખી ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. જાતિવાદી તત્વોએ આવું એટલા માટે કર્યું, કેમ કે કિશોરે એક મહિલા કોન્સ્ટેબલના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોમેન્ટ કરી હતી. જેનાથી આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. એ પછી તેમણે મહિલા કોન્સ્ટેબલના ભાઈ સાથે મળીને કિશોરનું તેના ઘર પાસેથી અપહરણ કર્યું અને આખી ઘટનાને અંજામ આપ્યો હતો.
દલિત કિશોર જેમતેમ કરી આરોપીઓ પાસેથી પોતાના કપડાં છીનવી લેવામાં સફળ રહ્યો અને ત્યાંથી જીવ બચાવીને ભાગવામાં સફળ રહ્યો હતો. ઘરે આવીને તેણે તેના પરિવારને શું બન્યું તે જણાવ્યું. એ પછી પરિવાર પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પાંચ લોકો સામે નામજોગ FIR નોંધાવી હતી. કેસ નોંધ્યા પછી, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય લોકોની શોધ માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ ઘટના 31 ડિસેમ્બરના રોજ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બની હતી.
આ પણ વાંચો: ‘વિકાસના નામે આદિવાસીઓ એક ઈંચ જમીન નહીં આપે..’
ન્યૂ યર પાર્ટીના બહાને કિશોરનું અપહરણ કર્યું હતું
બરેલીના વાલ્મિકીવાસમાં રહેતી એક મહિલાએ જણાવ્યું કે 31 ડિસેમ્બરની રાત્રે તેનો દીકરો (16) તેમના ઘરની નજીક ચાલી રહ્યો હતો. ત્યારે આહિરવાસનો રહેવાસી મુકુલ યાદવ તેના મિત્રો સુભાષ ઉર્ફે એડી, સુલતાન, આયુષ અને બાસુ સાથે બાઇક પર આવ્યો હતો. તેઓ નવા વર્ષની પાર્ટીના બહાને તેના દીકરાને બળજબરીથી બાઇક પર બેસાડીને ચણેહતા રોડ પર આવેલા તળાવ પાસે લઈ ગયા હતા.
પિસ્તોલ અને છરી બતાવી કપડાં ઉતરાવ્યા
ત્યાં મુકુલ યાદવ અને તેના મિત્રોએ કિશોરને પિસ્તોલ અને છરીથી ધમકી આપી. તેમણે કિશોરના કપડાં ઉતારી નગ્ન કરી દીધો અને માર માર્યો. કિશોરે લાંબા સમય સુધી તેને જવા દેવા માટે વિનંતી કરી, પરંતુ તેઓ માન્યા નહીં. આરોપીઓએ તેને જમીન પર પાટી દઈને ઢોર માર માર્યો. કિશોરે જેમ તેમ કરીને તેમના હાથમાંથી તેના કપડાં છીનવી લેવામાં સફળતા મેળવી. અને પછી દોડીને ઘરે આવતો રહ્યો હતો અને તેના પરિવારને ઘટના વિશે જાણ કરી.
ઈન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરી હોવાનો બદલો લીધો
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી મુકુલ યાદવની બહેન મુરાદાબાદમાં પોલીસ કોન્સ્ટેબલ છે. વાલ્મિકીવાસમાં રહેતા કિશોરે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઈ કોમેન્ટ કરી હતી. જે મુકુલ યાદવની બહેનને ગમી નહોતી. જેથી તેણે મુકુલને આ અંગે માહિતી આપી હતી. ત્યારથી મુકુલ યાદવ કિશોરને શોધી રહ્યો હતો. તેણે તેના મિત્રોને પણ આ ઘટના વિશે જાણ કરી હતી અને બધાએ તેને માર મારવાનું આયોજન કર્યું હતું.
આ પણ વાંચો: માથાભારે તત્વોએ દલિતોનો કૂવો કબ્જે કરી JCB ફેરવી દીધું
15 જાન્યુઆરી સુધીમાં મારી નાખવાની ધમકી આપી હતી
મુકુલે 15 જાન્યુઆરી સુધીમાં દલિત કિશોરને શોધીને તેને મારી નાખવાની ધમકી આપી હતી. તે 31 ડિસેમ્બરે તેના મિત્રો સાથે કિશોરના ઘરે નવા વર્ષની પાર્ટીની લાલચ આપીને પહોંચ્યો હતો. જ્યારે તેણે ના પાડી ત્યારે તેઓ બળજબરીથી બાઇક પર બેસાડીને ઉપાડી ગયા અને તેના પર હુમલો કર્યો. આખી ઘટનાનો વીડિયો 2 જાન્યુઆરીએ સામે આવ્યો હતો.
આરોપી સુલતાને કોર્ટમાં ગોળીબાર કર્યો હતો
2 જાન્યુઆરીએ, દલિત કિશોરની માતાની ફરિયાદના આધારે, પાંચ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. દેવ ઠાકુર ઉર્ફે સુલતાન, બાસુ અને વિવેકની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી મુકુલ અને અન્યની શોધ ચાલુ છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપી દેવ ઠાકુર ઉર્ફે સુલતાનનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં, તેણે કોર્ટ પરિસરમાં ઘૂસીને વકીલ રાજારામ સોલંકી પર જીવલેણ હુમલો કર્યો હતો. વકીલોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો.
આ પણ વાંચો: ઉનાના આંકોલાળીનો પીડિત દલિત પરિવાર 13 વર્ષથી રઝળે છે










