મોબાઈલનું વળગણ કેટલું ઘાતક નીવડી શકે છે તેની આ વાત છે. રાજકોટમાં એક દલિત કિશોરે ટ્રેનની અડફેટે આવી જતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અહીંના ભગવતી પરા પુલ પાસે ટ્રેન અકસ્માતમાં 14 વર્ષના દલિત કિશોરના બંને પગ કપાઈ ગયા હતા, બાદમાં તેને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ યુવકને મોબાઈલનું વળગણ હતું અને છેલ્લાં કેટલાક દિવસથી તેની મનોસ્થિતિ બરાબર નહોતી. મોબાઈલ વિના તેને ક્યાંય ચેન પડતું નહોતું. કિશોર બે દિવસ પહેલા પોલીસ ચોકીએ પહોંચી ગયો હતો અને પોલીસને, ‘લાલા મુજે બેચ દેગા’ કહીને રડવા માંડ્યો હતો. ગુરુવારે તેણે રેલવે સ્ટેશને ટ્રેન ઉપર ચડીને ધમાલ મચાવી હતી. જ્યારે શુક્વારે ફોન ન મળતા ઘરમાં આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો હતો. એ પછી ટ્રેન આવતા તે દોડીને પાટા પર ગયો હતો, જ્યાં તેના પગ કપાઈ ગયા હતા. તેને સારવાર માટે ખસેડાતા મોત નીપજ્યું હતું.
રાજકોટના ભગવતીપરા વિસ્તારની ઘટના
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર, ભગવતીપરા શેરી નં.4માં રહેતા રાજેશ જાટવ યુપીથી રાજકોટ કમાવા માટે આવ્યા હતા. તેમનો 14 વર્ષનો પુત્ર સુજીત સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો. તેને મોબાઈલનું એવું તો વ્યસન થઈ ગયું હતું કે તેને મોબાઈલ સિવાય બીજું કશું સૂઝતું નહોતું. તેની મનોસ્થિતિ એવી થઈ ગઈ હતી કે તેને ક્યાંય ચેન પડતું નહોતું. મોબાઈલ વિના તે પાગલ જેવો થઈ ગયો હતો. દરમિયાન ખોડીયારપરા જવાના રસ્તે રેલવે અકસ્માત સબબ ઈજાગ્રસ્ત થતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવારમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
તેના પિતા રાજેશકુમારે જણાવ્યું કે તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે. તેમને સંતાનમાં 3 દીકરી અને 2 દીકરા છે. જેમાં સુજીત સૌથી નાનો હતો. આશરે એકાદ મહિના પહેલા તેઓ કમાવા માટે રાજકોટ આવ્યા હતા. તેઓ લાતી પ્લોટમાં છકડો રીક્ષાના ફેરા કરે છે.
આ પણ વાંચો: ‘તું નીચી જાતિનો છે, તમારું દૂધ શીવજીને ન ચઢાવાય, અભડાઈ જાય!’
ગઈકાલે તેઓ રીક્ષા લઈને કામે જતા રહ્યા હતાં ત્યારે સુજીત ઘરે હતો. બાદમાં આશરે સવારે 10 વાગ્યે ભગવતીપરા પુલ પાસે રીક્ષા લઈને નીકળતા ત્યાં ભીડ જોતા જોવા મળી હતી. રાજેશભાઈ ત્યાં જોવા ગયા તો તેમનો પુત્ર સુજીત હતો. તેના પગ ટ્રેનમાં આવી જતા કપાઈ ગયા હતા. તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો.
મોબાઈલે 14 વર્ષના કિશોરની જિંદગી બગાડી નાખી
સુજીતના પાડોશીઓએ જણાવ્યું કે, તે આખો દિવસ મોબાઈલમાં પોરવાયેલો રહેતો હતો. જેથી તેની માનસિક સ્થિતિ અસ્વસ્થ થઈ ગઈ હતી. સવારે ગેસ ચાલુ કરી થોડીવાર એમને એમ રાખી દીવાસળીથી ઘરમાં આગ લગાવી હતી. પછી બેઠો-બેઠો આગ જોતો હતો. પાડોશીઓએ આગ બુજાવી હતી. એ દરમિયાન ટ્રેન આવતા તે દોડીને પાટા પર જતો રહ્યો હતો અને ટ્રેનની હડફેટે તેના બંન્ને પગ કપાઈ ગયા હતા. બે દિવસ પહેલા સુજીત રેલવે સ્ટેશને પહોંચ્યો હતો અને ટ્રેન ઉપર ચડી ગયો હતો અને ટ્રેનની વીજ લાઈન પકડવા પ્રયાસ કર્યો હતો.
ઉપરાંત એક પોલીસ ચોકીમાં રડતો રડતો પહોંચ્યો હતો અને ‘ભગવતી પરા કા લાલા મુજે બેચ દેંગા’ તેમ કહીને રડવા લાગ્યો હતો. મોબાઈલના વળગણે સુજીતની મનોસ્થિતિ અસ્થિર થઈ ગઈ હતી. તેને મોબાઈલ વિના ક્યાંય પણ ચેન પડતું નહોતું. જેનું પરિણામ તેના પરિવારે ભોગવવું પડ્યું હતું. જો તમારા બાળકો પણ સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય તો તમારે પણ ચેતી જવાની જરૂર છે.
આ પણ વાંચો: Malegaon Blast Case માં સાધ્વી પ્રજ્ઞા સહિત તમામ આરોપીઓ નિર્દોષ જાહેર