Malegaon blast case માં સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિત તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકાયા છે. 17 વર્ષ પછી NIAની વિશેષ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. કેસ પર ચુકાદો આપતાં જસ્ટિસ એકે લાહોટીએ તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે આ કેસમાં આરોપીઓ સામે પુરતા પુરાવા ન હોવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે પુરાવા પરથી એ સાબિત થતું નથી કે વિસ્ફોટકો કોઈ વાહનમાં મૂકવામાં આવ્યા હતા. તે તેની બહાર પણ ક્યાંક મૂકવામાં આવ્યો હોઈ શકે છે.
કોર્ટે એમ પણ કહ્યું કે એ બાબતના પણ કોઈ પુરાવા નથી કે કર્નલ પુરોહિત RDX લાવ્યા હતા અને બોમ્બ બનાવ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યુ કે એ વાતનો પણ કોઈ પુરાવો નથી કે, રમઝાન માટે વિસ્તારની ઘેરાબંધી દરમિયાન વાહન કોણે પાર્ક કર્યું હતું, કોણે પથ્થરમારો કર્યો અને કોણે નુકસાન પહોંચાડ્યું? ન્યાયાધીશ લાહોટીએ કહ્યું કે, જે મોટરસાઇકલ પર બોમ્બ રાખવાનો દાવો કરવામાં આવ્યો હતો તેના ચેસિસ નંબરની સાચી ઓળખ ભૂંસી નાખવામાં આવી હતી. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર તે વાહનના માલિક હોવાનો પણ કોઈ નક્કર પુરાવો નથી.
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, જસ્ટિસ લાહોટીએ કહ્યું, માલેગાંવમાં વાહન કોણે પાર્ક કર્યું હતું, કોણે પથ્થરમારો કર્યો હતો, પોલીસ પાસેથી બંદૂક કોણે છીનવી હતી તેનો કોઈ પુરાવો નથી. ઘટના સ્થળનું પંચનામું પણ સાચું નથી અને ત્યાં કોઈ બેરિકેડિંગ નહોતું. સ્થળ પરથી મળેલી વસ્તુઓની ફોરેન્સિક તપાસમાં પણ ગડબડ હતી. આવી સ્થિતિમાં, આ કેસમાં કોઈ નિષ્કર્ષ કાઢી શકાય નહીં.
આ પણ વાંચો: ‘મનુવાદીઓ સાંભળી લો, ડૉ.આંબેડકરની પ્રતિમા હાઈકોર્ટમાં જ લાગશે’
ન્યાયાધીશ લાહોટીએ કહ્યું કે વાહન પ્રજ્ઞા ઠાકુરનું હોવાનો કોઈ પુરાવો નથી. વિસ્ફોટના બે વર્ષ પહેલા તે સન્યાસી પણ બની હતી.
કોર્ટે કહ્યું, ફરિયાદ પક્ષ ષડયંત્રના આરોપોને સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે. કોઈ કાવતરું સાબિત થયું નથી. અભિનવ ભારતના પૈસા આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાયા હોવાના કોઈ પુરાવા નથી. ફરિયાદ પક્ષે માત્ર શંકાના આધારે કાર્યવાહી કરી હતી. આવી સ્થિતિમાં, કોર્ટે તારણ કાઢ્યું છે કે બોમ્બ બાઇકની બહાર મૂકવામાં આવ્યો હોવો જોઈએ.
કેસ પર ચુકાદો આપતી વખતે, જસ્ટિસ લાહોટીએ કહ્યું, મારા મતે, ફરિયાદ પક્ષ કાયદેસર રીતે સ્વીકાર્ય પુરાવા રજૂ કરી શક્યો નથી. તેમના સાક્ષીઓના શબ્દો પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તેમનું નિવેદન અસરકારક હોઈ શકે છે પરંતુ પુરાવા દ્વારા તેની પુષ્ટિ થવી જોઈએ. કોર્ટને આપવામાં આવેલા પુરાવાઓ પર વિશ્વાસ કરી શકાતો નથી. ફક્ત શંકાના આધારે કેસ આગળ વધારી શકાતો નથી.
જજે કહ્યું કે જે ઘટના બની તે ખૂબ જ ગંભીર અને સમાજ વિરુદ્ધ છે. પરંતુ કોર્ટ ફક્ત નૈતિક આધાર પર કોઈને દોષિત ઠેરવી શકતી નથી. ફરિયાદ પક્ષે સાબિત કરવું પડશે કે કેસ શંકાની બહાર છે. તેમણે કહ્યું, આવી સ્થિતિમાં આરોપી નંબર 1 ભોપાલના ભૂતપૂર્વ ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર, આરોપી નંબર 4 નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, આરોપી નંબર 5 સામાજિક કાર્યકર સમીર કુલકર્ણી, આરોપી નંબર 6 ઉદ્યોગપતિ અજય રાહિરકર, આરોપી નંબર 11 સુધાકર ચતુર્વેદી, આરોપી નંબર 9 લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત અને આરોપી નંબર 10 સુધાકર ધર દ્વિવેદી સહિત તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવે છે.
જસ્ટિસ લાહોટીના ક્યા આધારે ચૂકાદો આપ્યો
– રેકોર્ડ પર કોઈ પુરાવા નથી કે કર્નલ પુરોહિત RDX લાવ્યા હતા અને બોમ્બ બનાવ્યો હતો.
– વાહનના ચેસીસ નંબરની સાચી ઓળખ ભૂંસી નાખવામાં આવી હતી અને તેને ક્યારેય સુધારવામાં આવી ન હતી.
– સાધ્વી પ્રજ્ઞા ઠાકુર વાહનના માલિક હોવાના કોઈ નક્કર પુરાવા નથી. કોર્ટે તારણ કાઢ્યું છે કે બોમ્બ બાઇકની બહાર પણ રાખવામાં આવ્યો હોઈ શકે છે.
– રમઝાન માટે વિસ્તારની ઘેરાબંધી દરમિયાન વાહન કોણે પાર્ક કર્યું હતું તેનો કોઈ પુરાવો નથી?
– ઘટના પછી કોણે પથ્થરમારો કર્યો, નુકસાન પહોંચાડ્યું, પોલીસ પાસેથી બંદૂક છીનવી લીધી આ અંગે કોઈ નક્કર પુરાવા નથી.
– ગુના સ્થળનું પંચનામું ખોટું હતું. કોઈ ડમ્પ ડેટા નહોતો. ગુના સ્થળને બેરિકેડ કરવામાં આવ્યું ન હતું.
– ગુના સ્થળને ખરાબ કરી દેવામાં આવ્યું હતું અને ત્યાંની વસ્તુઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં કોઈ નિષ્કર્ષ કાઢી શકાય નહીં.
– મહત્વપૂર્ણ સાક્ષીઓએ ફરિયાદ પક્ષના કેસને ટેકો આપ્યો નથી. ફરિયાદ પક્ષ કાવતરું સાબિત કરવામાં નિષ્ફળ ગયો છે.
– અભિનવ ભારતના પૈસા આતંકવાદી પ્રવૃત્તિઓમાં ઉપયોગમાં લેવાયા હોવાના કોઈ પુરાવા નથી.
શું હતો માલેગાવ બ્લાસ્ટ કેસ?
29 સપ્ટેમ્બર 2008 ના રોજ, મહારાષ્ટ્રના માલેગાંવમાં ભીખ્ખુ ચોક પાસે એક મોટો વિસ્ફોટ થયો હતો. તેની થોડી જ મિનિટોમાં ગુજરાતના મોડાસામાં પણ એક વિસ્ફોટ થયો હતો. માલેગાંવ વિસ્ફોટમાં 7 લોકો માર્યા ગયા હતા, જ્યારે મોડાસામાં 15 વર્ષના છોકરાનું મોત થયું હતું. કુલ 80 લોકો ઘાયલ થયા હતા. જ્યારે કેસની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેની પાછળ હિન્દુ કટ્ટરપંથીઓનો હાથ હતો. 24 ઓક્ટોબર 2008 ના રોજ પોલીસે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. પ્રજ્ઞા ઠાકુર બાદમાં ભાજપની ટિકિટ પર ભોપાલથી સાંસદ બની હતી.
આ પણ વાંચો: કપડવંજમાં પુત્રના મોહમાં પિતાએ સાત વર્ષની દીકરીને કેનાલમાં ફેંકી દીધી
જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમ તેમ એક પછી એક કડીઓ ખુલતી ગઈ. ATS એ અન્ય હિન્દુત્વ સંગઠનોની ભૂમિકા પણ જાહેર કરી, જેમાં રાષ્ટ્રીય જાગરણ મંચ, શારદા સર્વજ્ઞ પીઠ, હિન્દુ રાષ્ટ્ર સેના અને અભિનવ ભારતનો સમાવેશ થતો હતો. 4 નવેમ્બર 2008 ના રોજ ATS એ તે સમયે સેનામાં કાર્યરત લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતની ધરપકડ કરી હતી.
બ્લાસ્ટ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA) કરી રહી હતી. આ કેસમાં એક પછી એક સાક્ષીઓ દબાણ કે અન્ય કોઈ કારણોસર પોતાની જુબાની બદલી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, વર્ષ 2022માં આ કેસનો 21મો સાક્ષી પણ પલટાઈ ગયો. એ સાક્ષી પુણેનો એક ઉદ્યોગપતિ હતો, જેના પર આરોપી લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતને કેટલાક શસ્ત્રો વેચવાનો આરોપ હતો. બિઝનેસમેને કોર્ટમાં કર્નલ પુરોહિતને ઓળખવાનો ઇનકાર કર્યો હતો. જેના કારણે આખો કેસ નબળો પડી ગયો હતો.
આ ઘટના બની ત્યારે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ગઠબંધનવાળી યુપીએ સરકાર સત્તામાં હતી. વર્ષ 2014માં કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું અને ભાજપની આગેવાની હેઠળની એનડીએ સત્તામાં આવી. માલેગાવ કેસના આરોપી હોવા છતાં સાધ્વી પ્રજ્ઞાને આગળ જતા ભાજપે ભોપાલ લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપી હતી. જેમાં જીતીને સાધ્વી પ્રજ્ઞા સાંસદ પણ બન્યા હતા.
આ પણ વાંચો: ‘શુભાંશુ શુક્લાને બદલે કોઈ દલિતને અવકાશમાં મોકલવો જોઈતો હતો’











https://acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:e7086e75-88ee-412f-b2fa-35757ec9a183
પેજ નં. 7