વીજ વિભાગના કર્મચારીઓની દાદાગીરીથી સરેરાશ માણસ સારી રીતે પરિચિત હશે. જો કોઈ પહોંચેલી વ્યક્તિ ગેરકાયદે વીજ કનેક્શન લેશે તો પણ ત્યાં આ લોકો કંઈ નહીં કરે. પરંતુ જ્યારે કોઈ ગરીબ કે સામાન્ય માણસ કાયદેસર વીજ જોડાણ લઈને થોડા દિવસ પણ જો બિલ ન ભરે તો આ જ વીજ કંપનીના કર્મચારીઓ તેના પર અત્યાચાર ગુજારવામાં જરાય પાછી પાની નહીં કરે. આવી જ એક ઘટનામાં માત્ર 1100 રૂપિયાનું વીજ બિલ ન ભરી શકતી એક દલિત વિધવાનું વીજ કર્મીઓની કેસ કરવાની ધમકીઓના ડરથી મોત થઈ ગયું હતું.
ફિરોઝાબાદની ઘટના
ઘટના ઉત્તરપ્રદેશના ફિરોઝાબાદની છે. અહીં કોટલા રોડ નાગલા કરણ સિંહ વિસ્તારમાં રહેતી દલિત મહિલા પ્રેમલતાના ઘરનું વીજ બિલ ફક્ત ૧૧૦૦ રૂપિયા બાકી હતું. તેના પતિનું ઘણા સમય પહેલા અવસાન થયું હતું અને હવે ઘરમાં કમાનાર તેના સિવાય કોઈ નથી. એવો આરોપ છે કે વીજળી વિભાગના ત્રણ-ચાર કર્મચારીઓ તેના ઘરે પહોંચ્યા હતા અને તેના બાકી બિલ ભરી દેવા માટે દબાણ કર્યું હતું. જો બિલ નહીં ભરે તો તેના પર એફઆઈઆર કરવાની ધમકી આપી હતી. આ ઘટનાની વિધવા પ્રેમલતા એટલી બધી ડરી ગઈ હતી કે તેણે આપઘાત કરી લીધો હતો.
સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કરી રસ્તા પર ઉતર્યા
આ ઘટનાથી સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા અને રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. હોબાળો એટલો વધી ગયો કે સ્થાનિક ધારાસભ્ય મનીષ અસીજાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને લોકોને ખાતરી આપી હતી કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્યએ કહ્યું કે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ વિભાગીય અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
વીજ કર્મચારીઓએ FIR કરવાની ધમકી આપી હતી
સ્થાનિક રહેવાસી રાજપાલે જણાવ્યું કે જ્યારે પ્રેમલતાએ બિલ ચૂકવવા માટે થોડો સમય માંગ્યો, ત્યારે વીજળી વિભાગના કર્મચારી હોવાનો દાવો કરનારા લોકોએ તેના ઘરનું મીટર ઉખાડી નાખ્યું હતું. એટલું નહીં તેમણે પ્રેમલતાને ધમકી આપી કે તેની વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવશે અને તેને જેલમાં મોકલી દેવામાં આવશે. જેનાથી પ્રેમલતા ભારે ડરી ગઈ હતી.
ધારાસભ્યએ કલેક્ટરને ફરિયાદ કરી
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વીજળી વિભાગના કર્મચારીઓ ગયા પછી પ્રેમલતા ખૂબ જ ગભરાઈ ગઈ હતી અને તેની તબિયત બગડી ગઈ હતી. એ પછી સ્થાનિકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે.
આ પણ વાંચો: ભાજપના બે ધારાસભ્યોએ પુત્રના હસ્તે શાળાનું ખાતમૂહુર્ત કરાવ્યું
સ્થાનિકોના કહેવા પર ધારાસભ્ય મનીષ અસીજા ઘટનાસ્થળે પહોંચ્યા હતા, તેમણે ઘટનાને ગંભીર બાબત ગણાવીને વીજ વિભાગના કર્મચારીઓ વિશે જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિભાગીય અધિકારીઓને ફરિયાદ કરી તપાસ કરીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
મહિલાનું મોત આકસ્મિક છેઃ વીજ વિભાગ
આ ઘટનાને લઈને વીજ વિભાગના વિભાગીય કાર્યકારી ઇજનેર નાગેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, મહિલાના નામે કનેક્શન હતું, તેણે છેલ્લું બિલ ૨૦૨૩માં જમા કરાવ્યું હતું. તેના ઘરનું વીજ કનેક્શન નવ મહિના પહેલા કાપી નાખવામાં આવ્યું હતું. એ પછી પણ તેના ઘરમાં વીજળી ચાલુ હતી. લાંબા સમયથી કનેક્શન કપાઈ ગયું હોવાથી કર્મચારીઓ મીટર કાઢવા ગયા હતા. મહિલાનું મૃત્યુ આકસ્મિક છે, છતાં સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ફી ન ભરી શકતા સ્કૂલે પરીક્ષા દેતા રોકી, દલિત દીકરીનો આપઘાત