અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા નમસ્તે સર્કલ પર ગઈકાલે એક વિચિત્ર અકસ્માતે એક આશાસ્પદ દલિત યુવકનો ભોગ લીધો હતો. અહીં ખાનગી ટ્રાવેલ્સ કંપનીની બસ ઓવરલોડ સામાન ભરીને રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે બસ ઉપર ભરેલો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો હતો. જેના કારણે એક મસમોટી ડાળી તૂટી પડી હતી, જે બસની પાછળ આવી રહેલા એક્ટિવાચાલક દલિત યુવકની માથે પડતી હતી. જેના કારણે યુવકે એક્ટિવાનું સંતુલન ગુમાવ્યું હતું અને નીચે પટકાયો હતો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત થયું હતું.
આ મામલે હવે પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપની સામે તપાસ શરૂ કરી છે. મૃતક ખાનગી કંપનીમાં કો-ઓર્ડિનેટર તરીકે નોકરી કરતો હતો અને પરિવારમાં બહેનોનો એકનો એક ભાઈ હતો. યુવકના મોતના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
યુવક નવા નરોડાનો રહેવાસી
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી વ્રજભૂમિ રેસિડેન્સીમાં રહેતા કાંતિભાઈ વણકરે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ખાનગી ટ્રાવેલ્સ કંપનીના બસચાલક વિરુદ્ધ સાપરાધ માનવવધની ફરિયાદ કરી છે. કાંતિભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે અને સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. તેમની બે દીકરીઓના લગ્ન થઈ ગયાં છે, જ્યારે દીકરો ક્રિસ્ટન તેમની સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો.
આ પણ વાંચો: દસાડાના મોટા ઉભડામાં દલિતોના સ્મશાન તરફનો રસ્તો બંધ થઈ ગયો
ખાનગી ટ્રાવેલ્સ કંપનીની ઘોર બેદરકારી
ક્રિસ્ટન સાડાસાત વાગ્યાની આસપાસ એક્ટિવા લઈને નમસ્તે સર્કલથી મુસાસુહાગ કબ્રસ્તાન તરફ જઈ રહ્યો હતો ત્યારે ઝાડની ડાળી તેના માથામાં પર પડી હતી. લક્ઝરી બસમાં ઓવરલોડ સામાન ભર્યો હતો અને એ પસાર થઈ રહી હતી ત્યારે સામાન ઝાડની ડાળી સાથે અથડાયો હતો. સામાન અથડાતાંની સાથે જ ડાળી તૂટી હતી અને સીધી ક્રિસ્ટનના માથા પર પડી હતી. ક્રિસ્ટનની થોડી સારવાર કર્યા બાદ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. લક્ઝરીમાં ઓવરલોડ સામાન ભરતાં આ ઘટના ઘટી હોવાથી પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે.
પરિવારના એકમાત્ર પુત્રનું મોત
ક્રિસ્ટનના માતા ગીતાબેને રડતાં રડતાં કહ્યું હતું કે, મારી બંને દીકરીઓનો ભાઈ જતો રહ્યો. સવારે તે ઓફિસ ગયો અને અડધો દિવસ ભરીને ઘરે આવ્યો હતો. ઘરે આવ્યો એટલે મેં એને ખીર ખવડાવી અને પાણી પીવડાવ્યું. પછી એણે કહ્યું કે મમ્મી હું નીચે જઈને આવું અને પછી પાછો ન આવ્યો.
આ પણ વાંચો: દલિત યુવતી પર મંદિર પરિસર પાસે 4 યુવકોએ ગેંગરેપ કર્યો











Users Today : 1746