ગુજરાતમાં જાતિવાદી તત્વો કઈ હદે બેફામ બનીને દલિતોને હેરાન કરે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક દલિત યુવક ફૂટની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. પરંતુ તેની બાજુમાં જ ફ્રૂટની લારી ચલાવતો રજપૂત અને બાદમાં તે લારી ખરીદનાર દરબાર શખ્સ તેને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.
આરોપીઓએ દલિત યુવકના ગ્રાહકો તોડવા માટે જાતિવાદ ફેલાવવો શરૂ કર્યો હતો. જે પણ ગ્રાહકો ફ્રૂટ ખરીદવા માટે આવતા હતા, તે દરેકને આ જાતિવાદી તત્વોએ કહેતા કે, ‘આ બાજુની લારીવાળો ઢે#@ છે, તમે તેની પાસેથી ફ્રૂટ ખરીદશો તો અભડાઈ જશો. પૂજા કે અન્ય શુભ કાર્યમાં તમારે ફ્રૂટ ખરીદવા નહીં.’ આમ કહીને આરોપીઓ દલિત યુવકનો ફ્રૂટનો ધંધો બંધ કરાવવા કાવતરું રચતા હતા.
આરોપીઓએ અનેકવાર ફ્રૂટની લારી ચલાવતા દલિત યુવકને ધંધો બંધ કરાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આથી કંટાળીને યુવક પોલીસ સ્ટેશનમાં નોંધાવવા માટે ગયો હતો. પરંતુ પોલીસે તેની ફરિયાદ નોંધી નહોતી. આથી દલિત યુવકને લાગી આવતા તેણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આખરે પોલીસે આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી છે. જો કે, દલિત યુવકને હજુ પણ ભય છે કે, આરોપીઓ ગમે ત્યારે તેના પર હુમલો કરશે. કેમ કે, હજુ પણ આરોપીઓ તેને ધમકી આપી રહ્યાં હોવાનું દલિત યુવકનું કહેવું છે.
આ પણ વાંચો: ‘એ દલિત છે, તું એની સાથે લગ્ન કરવાનું વિચારી કેમ શકે?’
ફ્રૂટ વેચતા દલિત યુવકને હેરાનગતિ
મામલો કચ્છના રાપરનો છે. અહીંના ખડીવાસમાં રહેતા 35 વર્ષના નવીનભાઈ ધૈયડા છેલ્લાં 17 વર્ષથી બસ સ્ટેશન પાસે ફ્રૂટની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. ગત તા. 2 એપ્રિલ 2025ના રોજ સાંજે એક ગ્રાહક તેમની લારીએ ફ્રૂટ ખરીદવા આવ્યો હતો. ત્યારે નવીનભાઈની બાજુમાં ફ્રૂટની લારી ચલાવતા અનીલ ભવન રાજપૂતે ગ્રાહકને કહ્યું હતું કે, “આ ફ્રૂટવાળો ઢે@# છે, તમારે આ ફ્રૂટ કોઈ હોમ હવન કે સેવા-પૂજામાં લેવાના હોય તો કામમાં નહીં આવે.”
આથી ગ્રાહક નવીનભાઈ પાસેથી ફળો લેવાને બદલે અનીલ રાજપૂત પાસેથી ફળો ખરીદીને જતો રહ્યો હતો. એ પછી અનિલ રાજપૂત ફળ ખરીદવા આવતા દરેક ગ્રાહકને આવું કહીને નવીનભાઈના ધંધા પર તરાપ મારવા લાગ્યો હતો.
લારી બંધ કરાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી
જ્યારે નવીનભાઈએ અનિલ રાજપૂતને આવું ન કરવા વિનંતી કરી ત્યારે, તે ઉશ્કેરાઈ ગયો હતો અને નવીનભાઈને ધમકી આપી હતી કે, “તું ઢે@# છે, અત્યારે ચૈત્ર મહિનો ચાલે છે, અત્યારે બધાં સેવા-પૂજા તથા હોમ-હવન માટે ફ્રૂટ ખરીદે છે. તારા ફ્રૂટ અભડાયેલા કહેવાય, તે કામમાં ન આવે. તેથી હમણાં તારી લારી બંધ કરી દેજે. નહીંતર તને સીધો કરવો પડશે.” તેમ કહીને તેમને મા-બહેનની ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો: ટોળું ‘બાંગ્લાદેશી’ કહી દલિત યુવક પર તૂટી પડ્યું, યુવકનું મોત
જેનાથી ડરીને નવીનભાઈ પોતાની ફ્રૂટની લારી બંધ કરી દીધી હતી. આ રીતે અનિલ રાજપૂત સતત નવીનભાઈને પરેશાન કરતો હતો. આથી નવીનભાઈએ રાપરના આગેવાનોને વાત કરી હતી. આથી આગેવાનોએ અનિલ રાજપૂતને બોલાવી તેની સાથે સમાધાન કરાવીને સોગંધનામું પણ લખાવ્યું હતું. પરંતુ તેમ છતાં અનિલ રાજપૂત સતત નવીનભાઈને હેરાન કરતો હતો.
દરબાર શખ્સે પણ હેરાનગતિ શરૂ કરી
અનિલ રાજપૂતે 4 વર્ષ અગાઉ પણ પણ નવીનભાઈને જાતિસૂચક અપશબ્દો કહીને તેમની લારી બંધ કરાવી દેવાની ધમકીઓ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં અનિલ રાજપૂત પોતાની લારી મંગલસિંહ જાડેજા નામના દરબાર શખ્સને વેચી હતી. એ પછી મંગલસિંહે નવીનભાઈને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. મંગલસિંહે નવીનભાઈને આ જ રીતે હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. મંગલસિંહે જાડેજા નવીનભાઈને કહેતો હતો કે, “હું તારો ધંધો બંધ કરાવી દઈશ. તારા અને તારા પરિવાર પર ખોટી ફરિયાદો કરીને તને પાયમાલ કરી નાખીશ. તું ગમે તે પોલીસના ઉપરી અધિકારી પાસે જઈશ તો પણ કોઈ તારી ફરિયાદ સાંભળશે નહીં.”
આ પણ વાંચો: કચ્છમાં તાંત્રિકે વિધિના નામે મહિલાને બેભાન કરી કપડાં ઉતાર્યા
સતત ધમકીઓથી તાણમાં આવી ગયા
મંગલસિંહ જાડેજાની આ પ્રકારની સતત ધમકીઓથી નવીનભાઈ માનસિક તાણમાં આવી ગયા હતા. તેમને લારી બંધ થઈ જશે તો પરિવારનું ગુજરાન કેમ ચાલશે તેની સતત ચિંતા સતાવતી હતી. જો કોઈ ગ્રાહક તેમની લારીએ ફ્રૂટ ખરીદવા આવતો, તો મંગલસિંહ જાડેજા તેને નવીનભાઈની જાતિ જણાવીને ભગાડી દેતો હતો.
પોલીસે ફરિયાદ ન નોંધતા આખરે ફિનાઈલ પીધી
આ બધી બાબતોથી કંટાળીને નવીનભાઈ ધૈયડા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. પરંતુ રાપર પોલીસે તેમની ફરિયાદ લીધી નહોતી. આથી તા. 4 -9-2025 ના રોજ સાંજે 5.00 વાગ્યે નવીનભાઈએ રાપર પોલીસ સ્ટેશન સામે આવીને ફિનાઈલ પી લીધી હતી. ઘટનાની જાણ થતા નવીનભાઈના પરિવારજનો દોડી આવ્યા હતા. એ પછી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમની સારવાર પૂર્ણ થયા બાદ તા. 16-9-2025ના રોજ આરોપીઓ અનિલ રાજપૂત અને મંગલસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જો કે, નવીનભાઈનું કહેવું છે કે, ફરિયાદ નોંધાયા પછી પણ આરોપીઓ તેમને ધમકી આપતા રહે છે. ત્યારે કાયદો-પોલીસ તેમને કેવી રીતે ન્યાય અપાવશે તે સવાલ છે.
આ પણ વાંચો: ‘ચર્ચમાં લોકોને નિશાન બનાવાય છે…” ખ્રિસ્તીઓએ પીએમને કરી અપીલ










