ગુજરાતમાં છેક ઉપરના લેવલથી લઈને ગ્રામ પંચાયત સ્તર સુધી દલિતો, આદિવાસીઓની ગ્રાન્ટોને સવર્ણ જાતિના વગદાર લોકોના વિસ્તારોમાં વાપરી નાખવાનો સિલસિલો વર્ષોથી ચાલતો આવ્યો છે. જો ચોપડા તપાસવામાં આવે તો ગામોગામ આ પ્રકારની ગેરરીતિઓ મળી આવે તેમ છે. આવી જ એક ઘટના અમદાવાદના દેત્રોજ તાલુકાના રામપુરા ગામમાં સામે આવી છે. જ્યાં ગ્રામ પંચાયતે દલિત વિસ્તાર માટે ફાળવવામાં આવેલી લાખોની ગ્રાન્ટ અન્ય વિસ્તારમાં વાપરી નાખી હતી. આ મામલે હવે જાગૃત નાગરિકે ટીડીઓ અને ડીડીઓને ફરિયાદ કરતા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મામલો શું છે?
અમદાવાદના જિલ્લાના દેત્રોજ તાલુકાના રામપુરાના અરજદાર દ્વારા દેત્રોજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે. અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીને સંબોધીને જણાવવામાં આવ્યું છે કે, રામપુરામાં વર્ષ 2023-24માં 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. 2.74 લાખ ઇન્દિરાપરા અને અનુસૂચિત જાતિ સમાજના વાસમાં પેવર બ્લોક નાખવા માટે વાપરવાનું નક્કી કરાયું હતું.
આ પણ વાંચો: ‘પદ્મશ્રી’ સ્વામી પ્રદિપ્તાનંદ સામે બળાત્કારનો કેસ નોંધાયો
પરંતુ પંચાયત દ્વારા તમામ રકમ માત્ર ઈન્દિરાપરા વિસ્તારમાં જ વાપરી નાખવામાં આવી હતી અને અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમાં પેવર બ્લોક નખાયા નહોતા. આમ ગ્રામ પંચાયત દ્વારા દલિતો સાથે ભેદભાવ રાખવામાં આવ્યો હતો. આમ અનુસૂચિત જાતિ વિસ્તારમાં કામ ન કરી ગ્રાન્ટનો દુરૂઉપયોગ કરનાર રામપુરા ગ્રામ પંચાયત સામે કાર્યવાહી કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
દલિતોની વસ્તીમાં વાપરવાની થતી ગ્રાન્ટ ક્યાં વપરાઈ?
અરજદારનું કહેવું છે કે, 15 માં નાણાપંચની પેવર બ્લોક માટેની રૂ. 2.74 લાખની ગ્રાન્ટ અનુસૂચિત જાતિ વિસ્તાર અને ઇન્દિરાપરામાં વાપરવાની હતી. પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોને મળીને તમામ ગ્રાન્ટ માત્ર ઈન્દિરાપરા વિસ્તારમાં જ વાપરી નાખી હતી. એ રીતે તેમણે અનુસૂચિત જાતિ વિસ્તારમાં ગ્રાન્ટ નહીં વાપરીને અન્યાય કર્યો છે.
આ બાબતે તટસ્થ તપાસ કરી ફરજમાં બેદરકારી દાખવનાર રામપુરા ગ્રામ પંચાયતની જવાબદારી નક્કી કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આ અરજીને લઈને તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગ્રામજનોમાં થતી ચર્ચા મુજબ ગ્રામ પંચાયત દ્વારા અનુસૂચિત જાતિ સમાજના વિસ્તારમાં વાપરની થતી ગ્રાન્ટ પંચાયતે ક્યા વિસ્તારમાં વાપરી નાખી તે ચર્ચાનો વિષય છે. જો આ મામલે યોગ્ય તપાસ થાય તો અનેક લોકો દોષિત ઠરે તેમ છે.
આ પણ વાંચો: ભેંસાણમાં તલાટી,વહીવટદારે સફાઈકર્મીને ધમકાવી ગટરમાં ઉતાર્યો?