એકબાજુ ગઈકાલે સમગ્ર દેશમાં બંધારણ દિવસની ઉજવણી થઈ રહી હતી, બીજી તરફ જૂનાગઢના ચોકી ગામના અનુસૂચિત જાતિ સમાજના લોકો ગામના ભૂતપૂર્વ અને વર્તમાન સરપંચ તથા ઉપસરપંચના ત્રાસથી કંટાળીને સામૂહિક હિજરત કરવાની ચીમકી ઉચારીને કલેક્ટરને આવેદન પત્ર પાઠવવા પહોંચ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર સોરઠ પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
વર્તમાન સરપંચ-ઉપસરપંચ અને પૂર્વ સરપંચ પર ગંભીર આક્ષેપો
મળતી માહિતી મુજબ, જૂનાગઢ જિલ્લાના ચોકી (સોરઠ) ગામના હાલના સરપંચ, ઉપસરપંચ અને પૂર્વ સરપંચના ત્રાસ અને દાદાગીરીથી કંટાળીને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના લોકોએ આજે કલેક્ટર કચેરી ખાતે પહોંચીને સામૂહિક હિજરત કરવાની ચીમકી સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. એસસી સમાજના લોકોનો આક્ષેપ છે કે, રાજકીય વર્ચસ્વ ધરાવતા માજી સરપંચ દ્વારા સતત જ્ઞાતિગત વૈમનસ્ય ઊભું કરી દલિત સમાજને ટાર્ગેટ કરી ધંધા-રોજગાર બંધ કરાવી ભૂખે મારવાના પ્રયાસો કરાય છે.
આ પણ વાંચો: અમરેલીના સલડીમાં પટેલો-આહિરો વચ્ચે મોટી બબાલ, 25 ઈજાગ્રસ્ત
બંધારણ દિવસે દલિતો આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા
ચોકી ગામના રહીશ અને તાલુકા પંચાયતના સભ્ય પ્રવીણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “26મી નવેમ્બર, સમગ્ર દેશમાં સંવિધાન દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમારે ન્યાય માટે આવેદનપત્ર પાઠવવા અહીં આવવું પડ્યું તે ખૂબ જ દુઃખની વાત છે. ચોકી ગામમાં માજી સરપંચ અને હાલના સરપંચના સસરા ભીખાભાઈ વેલજીભાઈ કોટડીયા, તેમના કુટુંબીજનો અને ભાઈઓ દ્વારા સતત ગામની શાંતિ ડહોળાય તેવા પ્રયાસો થાય છે. તેઓ અન્ય સમાજોમાં અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી ફેલાવે છે અને સામાન્ય વ્યક્તિગત ઝઘડાઓને પણ જ્ઞાતિગત સ્વરૂપ આપીને સમગ્ર દલિત સમાજને ટાર્ગેટ બનાવે છે.”
દલિતોને સામાન ન મળે તે માટે દુકાનો બંધ કરાવાય છે
આવેદનપત્રમાં સૌથી ગંભીર આક્ષેપ એ કરવામાં આવ્યો છે કે, માજી સરપંચ, હાલના સરપંચ, ઉપસરપંચ અને તેમના માણસો દાદાગીરીથી ગામની દુકાનો બંધ કરાવે છે. જેથી દલિતોને જરૂરી સામાન ન મળે. આ પ્રકારના પ્રયાસોથી ગામમાં બે કોમો વચ્ચે સતત ખટરાગ ચાલુ રહે છે. અનુસૂચિત જાતિની વ્યક્તિ સંડોવાયેલા હોય એવા કિસ્સામાં જ બળજબરીથી દુકાનો બંધ કરાવવામાં આવે છે.
આ પણ વાંચો: “અમારી જમીન પર સવર્ણોનો કબ્જો, હું CS રહ્યો છતાં છોડાવી ન શક્યો”
પૂર્વ સરપંચ પર ગંભીર આક્ષેપો મૂકાયા
આવેદનપત્રમાં માજી સરપંચ ભીખાભાઈ કોટડીયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એસસી સમાજની રજૂઆત મુજબ ભીખાભાઈ કોટડીયા વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં છ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં બેન-દીકરીઓની છેડતી, જુગાર, મારામારી અને એટ્રોસિટીના ગુનાઓનો સમાવેશ થાય છે.
300 લોકોના ટોળાંએ દલિતોને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો!
અનુસૂચિત જાતિ સમાજે કલેક્ટરને રજૂઆત કરી છે કે, ભીખાભાઈ કોટડીયા ઝનૂની સ્વભાવ ધરાવતા હોવાથી તેમને ગામમાંથી હદપાર, તડીપાર કે પાસા કરવામાં આવે. છેલ્લા વીસ-પચીસ વર્ષથી આ વ્યક્તિ દ્વારા દલિત સમાજની વ્યક્તિઓ પર ગમે તે રીતે હુમલાઓ કરવામાં આવે છે. હાલમાં જ તા. 23/11/2025ના રોજ ગ્રામ પંચાયત ખાતે બનેલી એક ઘટનામાં સરપંચ, ઉપસરપંચ, માજી સરપંચ ભીખાભાઈ કોટડીયા તથા તેમના કુટુંબીજનો, ભાઈઓ સહિત આશરે 200થી 300 માણસોના ટોળાંએ ભેગા થઈને અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવી જાનથી મારી નાખવાના પ્રયાસો કર્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એસસી સમાજના લોકોએ ભીખાભાઈ અને તેમના સાથીદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રાયોટીંગનો ગુનો દાખલ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો: 100 વર્ષમાં એક પણ દલિત RSS પ્રમુખ કેમ નથી બન્યો?
15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો સામૂહિક હિજરતની ચીમકી
અનુસૂચિત જાતિ સમાજના ઉપપ્રમુખ મનસુખભાઈ વાઘેલાએ બંધારણ દિવસના સંદર્ભમાં દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરે SC-ST સમાજ માટે જે કાયદો બનાવ્યો તેનો યોગ્ય રીતે અમલ થતો નથી. એટ્રોસિટીના અનેક કેસોમાં આરોપીઓને ટેબલ જામીન આપી દેવાય છે. જેના કારણે આરોપીઓ વધુ બેફામ બની જાય છે. ચોકીના દલિતોએ કલેક્ટરને આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે, આ બાબતે જો 15 દિવસમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગામના તમામ દલિતો સામૂહિક હિજરત કરશે.
આ પણ વાંચો: જામખંભાળિયામાં આહિર વૃદ્ધે ધો.10ની દલિત સગીરાની છેડતી કરી













Hindu jatankvadi ne jail bhega karo