મધ્યપ્રદેશના દમોહ જિલ્લાની સરકારી હોસ્પિટલમાંથી એક અત્યંત શરમજનક અને ચકચારી ઘટના સામે આવી છે. ગ્રામીણ વિસ્તારમાંથી પોતાના બીમાર પુત્રની સારવાર કરાવવા આવેલી એક આદિવાસી માતા પાસે હોસ્પિટલના સ્ટાફે પુરુષ વોર્ડની ગેલેરીમાં પોતા મરાવ્યા અને કચરો-સ્ટૂલ સાફ કરાવ્યા હતા. દીકરાને યોગ્ય સારવાર મળી રહે તે માટે મજબૂર માતાએ આ અમાનવીય શરત પણ સ્વીકારી લીધી હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હોસ્પિટલ તંત્રની બેદરકારી અને મધ્યપ્રદેશની સરકારી આરોગ્ય સેવાઓની હકીકત ખુલ્લી પડી ગઈ છે.
સિમરિયા ગામની માતાની દુઃખદ આપવીતી
પ્રાપ્ત વિગતો અનુસાર, આ મામલો દમોહ જિલ્લાના તેજગઢ વિસ્તાર હેઠળ આવતા સિમરિયા ગામનો છે. અહીં રહેતી હલકી બહૂ નામની મહિલા પોતાના નાના પુત્રને ઝાડા-ઉલટીની ફરિયાદ હોવાથી સારવાર માટે દમોહ જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવી હતી.
આરોપ છે કે મોડી રાત્રે પુરુષ વોર્ડમાં જ્યારે બાળકની સારવાર ચાલી રહી હતી, ત્યારે ડ્યુટી પર હાજર નર્સે મહિલાને કડક શબ્દોમાં વોર્ડ અને બહારની ગેલેરીની ગંદકી સાફ કરવા નિર્દેશ આપ્યો હતો. બાળકનો જીવ બચાવવા અને સારવાર સમયસર મળે તે માટે લાચાર માતાએ પોતું પકડીને આખી ગેલેરી અને પલંગની આસપાસની ગંદકી સાફ કરવી પડી હતી.

આ પણ વાંચો: બૌદ્ધ નેતાએ ‘વંદે માતરમ’ના 6 પદના વર્ઝનને સુપ્રીમમાં પડકાર્યું
વીડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા જમીન પર બેસીને હોસ્પિટલનો ફ્લોર સાફ કરી રહી છે. જ્યારે વીડિયો શૂટ કરનાર વ્યક્તિએ તેને આ અંગે પૂછપરછ કરી, ત્યારે મહિલાએ કરુણ અવાજે જણાવ્યું હતું કે, ડ્યુટી પર હાજર નર્સે જ તેને આ બધી ગંદકી અને સ્ટૂલ સાફ કરવાનો આદેશ આપ્યો હતો.
આ વીડિયો સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. જોકે, આટલા સંગીન આરોપો હોવા છતાં હોસ્પિટલ સંચાલન કે તંત્ર તરફથી આ બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે દોષિત સ્ટાફ સામે કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી નથી.
આ પણ વાંચો: NEET-UG 2024 પેપર લીકમાં મુખ્ય આરોપીને CBIએ નિર્દોષ છોડ્યો!

55 સફાઈકર્મી છતાં ગરીબ મહિલા પાસે પોતું મરાવ્યું
આ ઘટનાએ હોસ્પિટલના બજેટ અને કાગળ પર ચાલતી વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા કર્યા છે. માહિતી મુજબ દમોહ જિલ્લા હોસ્પિટલમાં આઉટસોર્સ એજન્સી દ્વારા સફાઈ કામગીરી ચલાવવામાં આવે છે, જેમાં 3 સુપરવાઈઝર અને 52 સફાઈકર્મીઓ સહિત કુલ 55 કર્મચારીઓનું વિશાળ સેટઅપ છે. હોસ્પિટલ તંત્રના ચોપડે દર મહિને સફાઈ વ્યવસ્થા પાછળ આશરે 8 થી 9 લાખ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરવામાં આવે છે. આટલું મોટું બજેટ અને 55 જેટલા કર્મચારીઓનો કાફલો હોવા છતાં, અડધી રાત્રે સફાઈ કર્મચારીઓની ગેરહાજરી અને દર્દીના સ્વજનો પાસેથી અમાનવીય રીતે કામ કરાવવું એ પ્રશાસનિક ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા દર્શાવે છે.
मरीज़ की मां से लगवाया पोंछा!
दमोह के सरकारी अस्पताल में ५५ सफाईकर्मी हैं, हर महीने उनकी तनख्वाह पर लाखों खर्च होते हैं …लेकिन बीमार बच्चे की लाचार मां से अस्पताल का फर्श साफ करवाया गया https://t.co/NNJ1pyyFE3— Anurag Dwary (@Anurag_Dwary) October 11, 2026
ગરીબો અને આદિવાસીઓ માટે ન્યાય ક્યારે?
દમોહ સરકારી હોસ્પિટલનો આ કિસ્સો માત્ર એક વિડિયો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સરકારી હોસ્પિટલોમાં ગ્રામીણ અને આદિવાસી દર્દીઓ સાથે થતા અન્યાય અને તિરસ્કારજનક વર્તનની સાક્ષી પૂરે છે. દર મહિને 8 થી 9 લાખ રૂપિયા પ્રજાના ટેક્સમાંથી સફાઈ માટે વપરાતા હોવા છતાં જો કોઈ માતાએ પુત્રના ઈલાજ માટે પોતા મારવા પડતા હોય, તો ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર નર્સ અને એજન્સી વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવા અનિવાર્ય છે.
આ પણ વાંચો: બહુચરાજી મંદિરના નિર્માણમાં ભ્રષ્ટાચાર, ખંડિત પથ્થરો વપરાયા











