બોટાદ શહેરમાં ગઈકાલે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વિશાળ ધમ્મ પદયાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં બૌદ્ધધર્મીઓ ઉપસ્થિત રહી તથાગત ગૌતમ બુદ્ધનો સંદેશો આપ્યો હતો.
બોટાદમાં છેલ્લાં બે વર્ષથી સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને સમતા બુદ્ધ વિહાર બોટાદ તેમજ ભારતીય બૌદ્ધ મહાસભાના દ્વારા ભગવાન બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે ધમ્મ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ બુદ્ધની ૨૫૬૯મી જન્મ જયંતિ નિમિત્તે ધમ્મ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું.
અશોકસ્થંભ મુક્તિધામથી પ્રસ્થાન થયેલી આ ધમ્મ યાત્રા શહેરના મુખ્ય માર્ગ જ્યોતિગ્રામ સર્કલ, દિનદયાલ ચોક, ટાવર રોડ, સરકારી હાઈસ્કૂલ, રેલ્વે અંડરબ્રિજ ફરીને માતા રમાબાઈ આંબેડકર ભવન ખાતે સમાપ્ત થઈ હતી.
આ પણ વાંચો: બુદ્ધ અને મહાવીર વેદો અને ઈશ્વરને નકારતા હોવા છતાં આસ્તિક વિચારકો હતા
યાત્રા દરમિયાન જ્યોતિગ્રામ સર્કલ પાસે મુસ્લિમ બિરાદરો દ્વારા ધમ્મ પદયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે દિનદયાલ ચોક પાસે અમિતભાઈ રાઠોડ, પ્રતાપભાઈ વેગડા, કિશનભાઈ ચૌહાણ દ્વારા ધમ્મ યાત્રાનું સ્વાગત કરી યાત્રિકો માટે શરબત, ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ ધમ્મ પદયાત્રામા બૌદ્ધ ધર્મગુરુ ભંતે પથિક શ્રેષ્ઠી અને ભંતે વિપસ્સી હાજર રહ્યા હતા. બોટાદ ખાતે નવનિર્માણ પામી રહેલ સમતા બુદ્ધ વિહાર ખાતે ત્રિગુણી વૈશાખી બુદ્ધ પૂર્ણિમા વિશે ધમ્મ પ્રવચન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ દાતાઓ, સામાજિક આગેવાનો અને પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ ધમ્મ યાત્રામાં મોટી સંખ્યામાં બૌદ્ધ ઉપાસક-ઉપાસિકાઓ તથા જાગૃત નાગરિકો જોડાયા હતા. કાર્યક્રમના અંતે સૌએ સુજાતા ભોજન ગ્રહણ કર્યું હતું. ધમ્મ પદયાત્રાનું આયોજન સમતા બુદ્ધ વિહારના બોધિરાજ બૌદ્ધ અને હરેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: હોંગકોંગમાં તથાગત બુદ્ધના 1800 અવશેષોની હરાજી થશે