આ ‘રાવણ’ને તમે ઓળખો છો?

હિંદુત્વવાદીઓ રાવણને એક દુષ્ટ રાજા તરીકે રજૂ કરે છે પરંતુ વાસ્તવિકતા તેનાથી જુદી છે. અહીં ‘રાવણ’ સાથે જોડાયેલી એવી હકીકતો રજૂ કરી છે, જે તમારાથી છુપાવવામાં આવી છે.
Raavan

‘રાવણ’ નામ સાંભળતા જ આપણી સામે દસ માથાવાળું સળગતું પૂતળું રજૂ થાય છે. આજે દશેરા છે અને આજના દિવસે હિંદુઓ બે ઘટનાઓને લઈને ખૂબ જ ધામધૂમથી આ તહેવારને ઉજવે છે. હિંદુઓ આજના દિવસે રાવણના પૂતળાને સળગાવીને અને શસ્ત્ર પૂજા કરીને દશેરાના તહેવારને ઉજવવામાં આવે છે.

હિંદુઓ તર્ક આપે છે કે, અસત્ય પર સત્યની જીત એટલે દશેરા. રામ એ અચ્છાઇનું પ્રતીક છે અને રાવણ એ બુરાઈનું પ્રતીક છે. એટલે આજના દિવસે રામે રાવણને મારીને હિન્દુ ધર્મની રક્ષા કરી હતી અથવા બીજા અર્થમાં કહીએ તો હિન્દુ ધર્મને બચાવી લીધો હતો. આ તમામ બાબતોને શેના આધારે રજૂ કરવામાં આવે છે? વાલ્મિકીએ લખેલી રામાયણના આધારે.

આ પણ વાંચો: અન્યો માટે એ ‘નવરાત્રી’ હતી, પણ અમારા માટે તો ‘શૂન્યરાત્રી’

અહીં એ વાત ખાસ યાદ રાખવા જેવી છે કે સુપ્રીમ કોર્ટનાં નિર્ણય મુજબ ‘રામાયણ’ અને ‘મહાભારત’ એ કાલ્પનિક ગ્રંથો છે. રામાયણ ક્યારે લખાઈ તેનો કોઈ ચોક્કસ સમયગાળો નથી. પેરિયારના મતે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો બુદ્ધ પછીના સમયમાં લખવામાં આવ્યા, જેનો હેતુ બુદ્ધના સિદ્ધાંતોને ખતમ કરવા માટેનો હતો. એટલે આ બાબત પર ધ્યાન આપીએ તો સમજી શકાય કે રામાયણ અને મહાભારતના પાત્રો કાલ્પનિક તો છે જ, પરંતુ આ પાત્રોની રચના કરનાર લેખકે આ પાત્રોની રચના કરવા માટેની પ્રેરણા જે તે સમયના ઇતિહાસમાંથી જરૂર લીધી હશે. તે સમયે બનેલી ઘટનાઓ અને પાત્રોને ધ્યાનમાં રાખી આ કાલ્પનિક ગ્રંથોના પાત્રો અને ઘટનાઓની રજૂઆત કરવામાં આવી છે.

Raavan

આવી જ પ્રેરણા લઈને વાલ્મિકીએ રામાયણમાં રામ અને રાવણના પાત્રોની રચના કરી હતી. પરંતુ શું તમને ખબર છે કે હકીકતમાં વાલ્મિકીએ રામ અને રાવણની કઈ કઈ બાબતો વિશે રજૂઆત કરેલી છે? રામાસામી પેરિયારે આ જ બાબતને લઇ 40 વર્ષ સુધી અલગ અલગ રામાયણોનો ઊંડો અભ્યાસ કરી એક સાચી રામાયણ લખી હતી. જેમાં તેમણે વાલ્મિકી અને બ્રાહ્મણો દ્વારા તમિલમાં અનુવાદ કરેલી રામાયણો ના આધારે રામાયણના વિવિધ પાત્રોના ચરિત્ર, આચરણ અને યોગ્યતા વિશે સચોટ વર્ણન કર્યું છે. આજે દશેરા નિમિતે હિંદુઓ જે રાવણના પૂતળા સળગાવી હિન્દુ ધર્મ બચાવ્યાની ખુશીઓ મનાવે છે તે રાવણના સાચા ચરિત્ર અને મહાનતાઓ વિશે જાણીએ.

આ પણ વાંચો: રેશનાલિસ્ટ લંકેશ ચક્રવર્તીનું ‘પલ્લી પરિવર્તન અભિયાન’ શું છે?

વાલ્મિકીએ પોતે રાવણની આ દસ મહાનતાઓનું વર્ણન કર્યું છે અને ઘણા પ્રસંગોએ તેની પ્રશંસા કરી છે.

(1) રાવણ એક મહાન વિદ્વાન હતો.

(2) રાવણ એક મહાન સંત હતો.

(3) રાવણ વેદ અને શાસ્ત્રોનો જાણકાર હતો.

(4) રાવણ વીર યોદ્ધા હતો.

(5) રાવણ ખૂબ જ શક્તિશાળી હતો.

(6) રાવણ શૂરવીર સૈનિક હતો.

(7) રાવણ ખૂબ જ ધર્મનિષ્ઠ માણસ હતો.

(8) રાવણ પરમાત્માનો પ્રિય પુત્ર હતો.

(9) રાવણ ઘણાં બધાં વરદાનો મેળવનારો હતો.

(10) રાવણ પોતાના સબંધીઓ અને કુટુંબીજનો માટે દયાળુ અને તેમનો રક્ષક હતો.

અહીં વાલ્મિકીએ રાજા રાવણની જે દસ મહાનતાઓનું વર્ણન કર્યું છે તેના આધારે આપણે કહી શકીએ કે રાવણ પોતે કોઈ ધર્મનો પાક્કો અનુયાયી હતો અને ખૂબ જ ધર્મનિષ્ઠ માણસ હતો. તે વિદ્વાન હતો. તે મહાન સંત હતો. તો સ્વાભાવિક છે કે રાવણ હિન્દુ ધર્મ સિવાયના બીજા કોઈ ધર્મનો અનુયાયી હતો. આગળ વાલ્મિકી ફરી રાવણની પ્રશંસા કરતા લખે છે કે, “રાવણ એક સારો માણસ હતો. તે ઉદાર અને દેખાવડો હતો. પરંતુ, જયારે તે બ્રાહ્મણોને યજ્ઞ કરતા કે સોમરસ પીતા જોતો ત્યારે બ્રાહ્મણોને દંડ આપતો હતો.”

અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે રાજા રાવણ બ્રાહ્મણોને યજ્ઞમાં નિર્દોષ જાનવરોની બલી ચડાવતા કે સોમરસ (દારૂ) પીતા જોતો ત્યારે આવા બ્રાહ્મણોને દંડ આપતો અને મારતો. કોઈ હિંદુઓને રાવણ નહોતો મારતો. તેમ છતાં દશેરાના દિવસે તમામ હિંદુઓ આ ધર્મનિષ્ઠ રાજા રાવણના પૂતળાને સળગાવે છે.

રાવણ દારૂ પીનારા અને હિંસા કરનારા બ્રાહ્મણોને નફરત કરતો હતો. બંગાળી રામાયણના “લંકાવતાર સૂત્ર” માં વર્ણન કરવામાં આવ્યું છે કે રાવણ એ દ્રવિડ રાજા હતો, જેણે બૌદ્ધ ધમ્મ અપનાવ્યો હતો. (એટલે જ બૌદ્ધ ધમ્મના પંચશીલના સિદ્ધાંત અનુસાર દારૂ ન પીવો અને હિંસા ન કરવી તે રાવણનો સિદ્ધાંત હતો.) તે એરિસ્ટોટલ અને પ્લેટોની કક્ષાનો દાર્શનિક હતો. એટલે જ બૌદ્ધ સાહિત્યમાં રાજા રાવણની ઘણી પ્રશંસા કરવામાં આવી છે. કૃતિવાસે પોતાના રામાયણ વિશેના કાર્યમાં જણાવ્યું છે કે રાવણ પ્રેમ અને સન્માનપૂર્વક પોતાના દેશમાં શાસન કરતો હતો.

આ પણ વાંચો: મહિષાસુર કોણ હતા, શા માટે તેમની હત્યા કરવામાં આવી હતી?

Raavan

રણભૂમિમાં મરતી વખતે રાવણે રામને પોતાની પાસે બોલાવીને તેના કાનોમાં ભલાઈના સિદ્ધાંતોનું વર્ણન કર્યું અને કહ્યું કે “રામે જે લડાઈ લડી છે, તે માત્ર દગાબાજી અને છળકપટથી લડી છે.” આ રીતે કૃતિવાસની રામાયણમાં આપણે જોઈએ છીએ કે રાવણ સત્યતા અને શુદ્ધતાનો ઉપદેશ આપે છે. (પાના નં – 124) વાલ્મિકી રામાયણ મુજબ, સીતાએ ચોખ્ખી ના પાડી હોવા છતાં રાક્ષસોને જબરજસ્તી લડાઈમાં સામેલ કરવા માટે રામે રાજા રાવણના રાજ્યમાં પ્રવેશ કર્યો હતો.(અરણ્યકાંડ, 9 મો અને 10 મો અધ્યાય)

‘ખર’ સાથે લડતી વખતે રામે કહ્યું હતું કે, “જંગલમાં મને માત્ર રાક્ષસોને મારવાના એકમાત્ર ઉદેશ્યને પૂરો કરવા માટે મોકલવામાં આવ્યો છે. (અરણ્યકાંડ, 29 મો અધ્યાય) અહીં રાક્ષસો કોને કહ્યા છે જેઓ ‘સુરા’ એટલે કે ‘દારૂ’ નથી પીતા અને હિંસા નથી કરતા તેવા લોકોને ‘રાક્ષસ’ (જેનો મૂળ અર્થ થાય છે રક્ષા કરનારો) કહેવામાં આવ્યા છે. જયારે સુરા એટલે કે દારૂ પીને યજ્ઞના નામે નિર્દોષ જાનવરોની બલી ચડાવી માંસ ખાતા બ્રાહ્મણોને દેવતા કહેવામાં આવ્યા છે. આ બ્રાહ્મણોને દારૂ પીતા અને નિર્દોષ જાનવરોને મારતા અટકાવવા જે રાજાઓ મેદાને પડ્યા તેવા રાજાઓને રાક્ષસ તરીકે રજૂ કરી તેમને ખતમ કરવા માટે રામને જંગલમાં મોકલવામાં આવ્યા હતા.

રામે જંગલમાં પ્રવેશ્તા જ સુર્પણખા અને અયોમુખી જેવી ઘણી સ્ત્રીઓના નાક, કાન અને સ્તન કાપીને તેમને કદરૂપી બનાવી દીધી હતી, તેમજ તાડકા જેવી અનેક સ્ત્રીઓનો વધ કર્યો હતો. જેમાં સુર્પણખા એ રાવણની સગી બહેન હતી. પોતાની બહેન સાથે કરેલા ભયાનક અને અપમાનજનક અત્યાચારથી ક્રોધિત થઈ રાવણ સીતાને લંકા લઇ આવે છે. આ સિવાય રાવણનો સીતાને લઇ જવાનો બીજો કોઈ મલિન ઈરાદો નહતો.

રાવણ ન્યાયપ્રિય રાજા હતો. તેણે પોતાના મંત્રીઓની જે સભાઓ બોલાવી અને તેમાં જ વિચાર વિમર્શ થયો તેના ઉપર અમલ કર્યો. આ તેના ન્યાયપ્રિય શાસનનું ઉદાહરણ છે. પ્રેમ પ્રસંગોમાં રાવણની સંસ્કારીતા વિશે હનુમાન પોતે પ્રસંશા કરતા કહે છે, “રાવણના મહેલમાં રહેતી તમામ મહિલાઓએ સ્વૈચ્છાએ રાવણની પત્ની બનવા માટે પોતાને પ્રસ્તુત કરી હતી. તેણે કોઈપણ મહિલાને તેની મરજી વિરુદ્ધ સ્પર્શ પણ નહોતો કર્યો અને ન તો દબાણ કર્યું હતું. (સુંદરકાંડ, 9 મોં અધ્યાય)

આવા શક્તિશાળી રાજા રાવણને દુષ્ટ અને રામને શ્રેષ્ઠ ગણાવી દશેરાના દિવસે રાજા રાવણના પૂતળા સળગાવામાં આવે છે. અને તેને અધર્મ ઉપર ધર્મનો વિજય કહેવામાં આવે છે. તો આ લોકો મુજબ અધર્મ કયો?  દારૂ નહિ પીવામાં અને હિંસા નહિ કરવામાં માનતા રાજા રાવણનો ધર્મ એ અધર્મ, જયારે દારૂ પી નિર્દોષ જાનવરોની બલી ચડાવી માંસાહાર કરતા બ્રાહ્મણોનો ધર્મ એ ધર્મ.

આ પણ વાંચો: રાજસ્થાન યુનિ.એ જ્યોતિબા ફૂલેનું પ્રકરણ કેમ હટાવ્યું?

તમે રામાયણની વાર્તા, તેના પાત્રો, તેની ઘટનાઓનું બારીકાઇથી અવલોકન કરો તો તમને ખબર પડશે કે આ ક્યા ધર્મ અને અધર્મની લડાઈની વાત છે. રામાયણમાં રામ ભરતને સલાહ આપતાં કહે છે કે ભરત તમે બૌદ્ધ લોકોથી દૂર રહો. આ બૌદ્ધ લોકો નાસ્તિક હોય છે. રાવણની લંકા દક્ષિણ દિશામાં દર્શાવી છે. કારણ કે ભારતના દક્ષિણમાં મૂળનિવાસી દ્રવિડ રાજાઓનું શાસન કરતા હતા. રાવણની લંકામાં અશોકવાટીકા દર્શાવી છે. જે સીધું બૌદ્ધ સમ્રાટ અશોક સાથે જોડાય છે.

આવી અનેક બાબતો રામાયણ અને તેના પાત્રો બુદ્ધ પછીના સમયમાં તે સમયના ઇતિહાસમાંથી પ્રેરણા લઈને લખવામાં આવ્યા હોય તેની સાબિતી પુરે છે. એટલે જ આપણે આપણી મૂળ સંસ્કૃતિના વિરોધમાં રચવામાં આવેલા આવા તહેવારો અને તેની ઉજવણીની પદ્ધતિઓનો બહિષ્કાર કરવો જોઈએ અને આપણા સાચા ઇતિહાસ અંગે સંશોધન કરી તે મુજબ સાચી રીતે આપણા પોતાના સાચા તહેવારો ઉજવવા જોઈએ.

રાવણને સળગાવવવાની ઉજવણી એ ધર્મ-અધર્મની લડાઈની નહિ પરંતુ ભારતની મૂળ બૌદ્ધ સભ્યતા અને વિદેશી બ્રાહ્મણ સભ્યતાની લડાઈની ઉજવણી છે. ભારતના બહુજન સમાજના લોકોએ આ અંગે વધુ સંશોધન કરવું જરૂરી છે. આ માટે તમારે પેરિયારની સાચી રામાયણ જરૂર વાંચવી જોઈએ.

શક્તિશાળી, નૈતિકતા ધરાવનારો, મહિલાઓની રક્ષા કરનારો, પોતાની પ્રજા ખાતર યુદ્ધ કરનારો, ધર્મનિષ્ઠ રાજા રાવણના પૂતળાને સળગાવવો એ માનવતાનું અપમાન કરવા બરાબર છે. આ બંધ થવું જોઈએ.

-આર.કે. પરમાર

(લેખક વિખ્યાત બહુજન ડિજિટલ પ્લેટફોર્મ આર.કે. સ્ટુડિયોઝ અને માબર મીડિયાના ફાઉન્ડર છે.)

આ પણ વાંચો: ભારતના બૌદ્ધો દશેરાને બદલે ‘અશોક વિજયાદશમી’ કેમ ઉજવે છે?

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x