જાતિવાદી તત્વોએ સળંગ ત્રીજીવાર ડૉ.આંબેડકર પ્રતિમા તોડી નાખી!

જાતિવાદી તત્વોને ડો.આંબેડકરથી કેટલી નફરત હશે તેનો પુરાવો. બંધારણના ઘડવૈયાની પ્રતિમાને સતત ત્રીજીવાર અસામાજિક તત્વોએ ખંડિત કરી નાખી.
Dr Ambedkars statue demolished

જાતિવાદી તત્વોને ડો.આંબેડકરથી કેટલી નફરત હોય છે તેનો એક ચોંકાવનારો પુરાવો સામે આવ્યો છે. એક ગામમાં બંધારણના ઘડવૈયાની પ્રતિમાને સતત ત્રીજીવાર અસામાજિક તત્વોએ ખંડિત કરી નાખી. મામલો જાતિવાદ માટે કુખ્યાત યુપીનો છે. અહીંના બકસૂપુર ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં સ્થાપિત બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ગુરુવારે મોડી રાત્રે અસામાજિક તત્વોએ હથોડાના ઘા મારીને ક્ષતિગ્રસ્ત કરી દીધી હતી. આ ઘટનાની સૌથી આઘાતજનક બાબત એ છે કે, આ જ સ્થળે ડો. આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી હોય તેવી આ ત્રીજી ઘટના છે, જે સ્પષ્ટ કરે છે કે જાતિવાદી તત્વો ડો. આંબેડકરના વિચારો અને સમાનતાના પ્રતીક પ્રત્યે કેટલી હદે નફરત ધરાવે છે.

1994માં પ્રતિમા સ્થાપિત કરાઈ હતી

શુક્રવારે સવારે જ્યારે ગ્રામજનો દૈનિક કાર્યો માટે નીકળ્યા અને શાળા પાસે પહોંચ્યા, ત્યારે તેમને બાબા સાહેબની પ્રતિમા ખંડિત હાલતમાં જોવા મળી હતી. પ્રતિમાનો ચહેરો હથોડાના પ્રહારથી વિકૃત કરી દેવામાં આવ્યો હતો. આ સમાચાર વાયુવેગે સમગ્ર ગામમાં અને આસપાસના વિસ્તારોમાં ફેલાઈ ગયા હતા. જોતજોતામાં સેંકડોની સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને મહિલાઓ શાળા પરિસરમાં એકઠા થઈ ગયા હતા. લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેમણે વહીવટીતંત્ર તથા પોલીસ સામે જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરની પ્રતિમા અનાવરણ પહેલા ખંડિત, ભાજપ નેતાએ કહ્યું, ‘હાથ કાપી લાવો..’

આ પ્રતિમાનો ઈતિહાસ ઘણો જૂનો છે. તેનું અનાવરણ 1 નવેમ્બર 1994ના રોજ તત્કાલીન ગ્રામીણ વિકાસ મંત્રી શ્રીરામ યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. ગ્રામજનોનું કહેવું છે કે, આ પ્રતિમા માત્ર પથ્થરની મૂર્તિ નથી, પરંતુ તેમના આત્મસન્માન અને બંધારણીય હક્કોનું પ્રતીક છે. વારંવાર પ્રતિમા પર થતા હુમલાઓ એ સાબિત કરે છે કે આ વિસ્તારમાં સક્રિય જાતિવાદી તત્વો બાબા સાહેબના સન્માનને સહન કરી શકતા નથી.

ગુંડાઓને કાયદાનો ડર નથી

ઘટનાની જાણ થતા જ સાદાત પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ (SO) ધર્મેન્દ્ર કુમાર પાંડે આસપાસના અન્ય પોલીસ સ્ટેશનોના કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસને તપાસ દરમિયાન શાળા પરિસરમાંથી જ એક હથોડી મળી આવી હતી, જેના દ્વારા પ્રતિમાના ચહેરા પર પ્રહાર કરવામાં આવ્યા હોવાનું અનુમાન છે. આનાથી એ પણ સાબિત થાય છે કે ગુનેગારો પૂરી તૈયારી સાથે આવ્યા હતા અને તેમને કાયદાનો કોઈ ડર રહ્યો નથી.

શરૂઆતમાં પોલીસે ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને પ્રતિમાનું સમારકામ (રિપેરિંગ) કરવાની ખાતરી આપી. પરંતુ ગ્રામજનો આ દરખાસ્તથી નારાજ થયા હતા. તેમનો આક્રોશ હતો કે, “દરેક વખતે પ્રતિમા તોડી નાખવામાં આવે છે અને વહીવટીતંત્ર માત્ર થીંગડા મારીને વાત દબાવી દે છે.” ગ્રામજનો ‘નવી પ્રતિમા’ સ્થાપિત કરવાની અને ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ પર અડગ રહ્યા હતા.

આ પણ વાંચો: Dr.Ambedkar શા માટે RSS પર પ્રતિબંધની તરફેણમાં હતા?

નાયબ મામલતદાર સહિતનો કાફલો દોડી આવ્યો

પરિસ્થિતિ તંગ બનતા જખનિયાના નાયબ મામલતદાર વિવેકાનંદ સિંહ અને પ્રભારી એસડીએમ મનોજ કુમાર પાઠક પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અધિકારીઓએ ગ્રામજનોની વાતો સાંભળી અને તેમની માંગણીઓ વ્યાજબી ગણાવી હતી. કલાકો સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ અધિકારીઓએ ગ્રામ પંચાયત ફંડમાંથી બાબા સાહેબની નવી પ્રતિમા સ્થાપિત કરવાની, શાળાની અત્યારની નાની બાઉન્ડ્રી વોલને ઊંચી કરવાની અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે શાળા પરિસરમાં હાઈ-ડેફિનેશન CCTV કેમેરા લગાવાની ખાતરી આપી હતી. સાથે જ પોલીસને આદેશ આપવામાં આવ્યો છે કે આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવામાં આવે.

આ પણ વાંચો: એ પુસ્તક જે વાંચીને Dr. Ambedkar ચોધાર આંસુએ રડ્યા હતા

પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

પ્રદર્શનમાં સામેલ ચંદ્રકાંત કુમાર, ડો. વિજય કુમાર, લાલચંદ ચૌહાણ અને અન્ય ગ્રામજનોએ જણાવ્યું કે, આ હુમલો વિચારધારા પરનો હુમલો છે. ડો. આંબેડકર પ્રત્યેની નફરત સમાજમાં ભાગલા પાડવાનું કામ કરી રહી છે. વહીવટીતંત્રની ખાતરી બાદ પ્રદર્શન શાંત પડ્યું હતું. પોલીસે ચંદ્રકાંત કુમારની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

એસઓ ધર્મેન્દ્ર કુમાર પાંડેએ ખાતરી આપી છે કે, “અમે પુરાવા એકત્ર કર્યા છે અને ટૂંક સમયમાં દોષિતોને પકડી પાડવામાં આવશે. કોઈને પણ સામાજિક શાંતિ ડહોળવાની મંજૂરી નથી.” હાલમાં ગામમાં શાંતિ જાળવવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે, શું નવી પ્રતિમા લાગ્યા બાદ આ જાતિવાદી માનસિકતા ધરાવતા તત્વો શાંત રહેશે ખરા?

આ પણ વાંચો: ન્યૂયોર્કે પહેલીવાર 14મી એપ્રિલને Dr.Ambedkar Day જાહેર કર્યો

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x