જાતિવાદી તત્વો માટે કોઈ દલિત કે આદિવાસીને માર મારવો, હત્યા કરી નાખવી કેટલી સામાન્ય ઘટના બનતી જઈ રહી છે, તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નશામાં ધૂત એક ઠાકુર જાતિના શખ્સે કારણ વિના જ રસ્તે પસાર થઈ રહેલા આદિવાસી વૃદ્ધની હત્યા કરી નાખી. દુઃખની વાત એ છે કે, મૃતક આદિવાસી વૃદ્ધની દીકરીના આવતા મહિને લગ્ન થવાના હતા, આમ એક દીકરીએ લગ્નના 25 દિવસ પહેલા જ પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે.
મામલો આદિવાસી સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતા મધ્યપ્રદેશનો છે. અહીંના બુંદેલખંડના છતરપુર જિલ્લામાંથી આ અત્યંત આઘાતજનક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે. ભગવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા એક ગામમાં, પુષ્પેન્દ્ર સિંહ ઠાકુર નામના શખ્સે દારૂના નશામાં ધૂત થઈને રસ્તા પરથી પસાર થઈ રહેલા 60 વર્ષીય ખેડૂત શ્યામ આદિવાસી પર અચાનક હુમલો કરી દીધો હતો. કોઈ પણ ગંભીર કારણ વગર કે જૂની અદાવત વિના, માત્ર નશાના જોરમાં અને પોતાની જાતિગત શ્રેષ્ઠતાના અહંકારમાં તેણે એક લાચાર વૃદ્ધ પર લાકડીઓ વરસાવવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: પોલીસે કહ્યું હતું, ‘તારો છોકરો હાથમાં આવશે તો મારી નાખીશું’ અને એવું જ થયું!
વૃદ્ધ દયાની ભીખ માંગતા રહ્યા, પણ હૃદય ન પીગળ્યું
સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે આરોપી પુષ્પેન્દ્ર વૃદ્ધ શ્યામ આદિવાસીને બેરહેમીથી ફટકારી રહ્યો હતો, ત્યારે વૃદ્ધ સતત દયાની ભીખ માંગી રહ્યા હતા. તેઓ વારંવાર કહી રહ્યા હતા કે તેમનો કોઈ વાંક નથી, પરંતુ નશામાં ધૂત આરોપીએ વૃદ્ધની એક પણ વિનંતી સાંભળી નહોતી. લાકડીઓના ઉપરા-છાપરી ઘા વાગવાને કારણે વૃદ્ધ રસ્તા પર જ લોહીલુહાણ થઈને પડી ગયા હતા. ગ્રામજનોએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે તેઓ વચ્ચે પડ્યા અને માંડ-માંડ આરોપીના ચુંગાલમાંથી શ્યામભાઈને બચાવ્યા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર દરમિયાન રાત્રિના સમયે તેમણે દમ તોડી દીધો હતો.
દીકરીના હાથ પીળા થાય તે પહેલા જ પિતાની અર્થી ઉઠી
આ ઘટનાની સૌથી કરુણ અને હૃદયદ્રાવક બાબત એ છે કે મૃતક શ્યામ આદિવાસીના ઘરે લગ્નની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી હતી. તેમના પુત્ર દેવેન્દ્રએ અત્યંત કરુણ આક્રંદ સાથે જણાવ્યું કે, તેમની નાની બહેન નેહાની સગાઈ હજુ ગત 27 માર્ચના રોજ જ થઈ હતી. આગામી 25 એપ્રિલે નેહાના લગ્ન નિર્ધારિત હતા. પિતા પોતાની લાડકી દીકરીને સુખરૂપ સાસરે વળાવવાના અને તેના હાથ પીળા કરવાના સપના જોઈ રહ્યા હતા. ઘરના આંગણે માંડવો રોપવાની તૈયારી હતી અને મહેમાનોના સ્વાગતની યાદીઓ બનતી હતી. પરંતુ એક લુખ્ખા તત્વની દાદાગીરીને કારણે જે ઘરમાં લગ્નના ગીતો ગવાવાના હતા, ત્યાં આજે મરણની ચીસો અને કરુણ રુદન ગુંજી રહ્યું છે. જે દીકરીના લગ્નમાં પિતા કન્યાદાન કરવાના હતા, તેના લગ્ન પહેલા જ પિતાની અર્થી ઉઠતા આખા ગામની આંખો ભીની થઈ ગઈ છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રનું સૌંદળા ગામ બન્યું દેશનું પ્રથમ ‘જાતિમુક્ત ગામ’

પોલીસે તપાસ શરૂ કરી, ગામમાં તણાવનો માહોલ
આ મામલે ભગવા પોલીસ સ્ટેશનના પ્રભારી ખુમાન સિંહે જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક કલમ 302 હેઠળ ગુનો દાખલ કરી મુખ્ય આરોપી પુષ્પેન્દ્ર સિંહ ઠાકુરની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ હાલમાં આરોપીની કડક પૂછપરછ કરી રહી છે કે આખરે કયા કારણોસર તેણે આટલો ઘાતક હુમલો કર્યો. શું આ પાછળ કોઈ જૂની અદાવત હતી કે માત્ર નશામાં થયેલું પાપ, તેની તપાસ ચાલી રહી છે. ગામમાં તણાવની સ્થિતિને જોતા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
મૃતકના પરિવારે આક્ષેપ કર્યો છે કે દબંગો દ્વારા અવારનવાર આદિવાસી સમાજને નિશાન બનાવવામાં આવે છે. તેમણે સરકાર અને પ્રશાસન પાસે માંગ કરી છે કે આરોપીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને કડક સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે. આ ઘટનાએ ફરી એકવાર બુંદેલખંડમાં સામાજિક અસમાનતા અને નબળા વર્ગો પર થતા અત્યાચારો સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. શું એક નિર્દોષ ગરીબની જીંદગીની કિંમત માત્ર કોઈના નશાના કેફ જેટલી જ છે?
આ પણ વાંચો: બોટાદના ગઢડા પીપળના જાતિવાદી સરપંચે દલિત ખેડૂતને લાફો માર્યો











