હૈદરાબાદમાં એક 23 વર્ષીય દલિત રેસિડેન્ટ ડોક્ટર યુવતીએ ઝેરનું ઇન્જેક્શન લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. યુવતીના સવર્ણ બોયફ્રેન્ડ ડોક્ટરે તેની દલિત જાતિના કારણે તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દેતા યુવતીને લાગી આવ્યું હતું અને તેણે આત્મહત્યા કરી લીધી હતી. યુવતીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું.
પોલીસે આરોપી સિનિયર ડોક્ટરની ધરપકડ કરી છે જેણે જાતિના કારણે યુવતી સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. સિદ્દીપેટ સરકારી મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશિપ કરતી ડોક્ટર યુવતીએ 3 જાન્યુઆરીએ હોસ્ટેલમાં ઝેરનું ઇન્જેક્શન લગાવી દીધું. 4 જાન્યુઆરીની સવારે હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સિનિયર રેસિડેન્ટ ડોક્ટરે શરૂઆતમાં તેણીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં યુવતીની દલિત જાતિનું કારણ આગળ ધરીને ફરી ગયો હતો. વિશ્વાસઘાત અને આઘાતને કારણે યુવતીએ આ આત્યંતિક પગલું ભર્યું હતું. પીડિતાની બહેનની ફરિયાદના આધારે, પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: ‘એ દલિત છે, તું એની સાથે લગ્ન કરવાનું વિચારી કેમ શકે?’
શું છે આખો મામલો?
યુવતી સિદ્દીપેટ જિલ્લાની સરકારી મેડિકલ કોલેજમાં રેસિડેન્ટ સર્જન હતી. 3 જાન્યુઆરીએ તેણીએ કોલેજ હોસ્ટેલમાં જંતુનાશક દવાનું ઇન્જેક્શન લગાવી લીધું હતું. જ્યારે તે બેભાન થઈ ગઈ, ત્યારે તેની રૂમમેટે તરત જ તેને સિદ્દીપેટની એક હોસ્પિટલમાં દાખલ કરી હતી. તેની હાલત ગંભીર જોઈને, તેણીને બાદમાં હૈદરાબાદની એક મોટી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યાં તેણીની વ્યાપક સારવાર કરવામાં આવી, પરંતુ 4 જાન્યુઆરીની સવારે તેનું મૃત્યુ થયું, પોલીસે સોમવારે આ જાહેરાત કરી. પોસ્ટમોર્ટમ પછી મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.
આરોપીની ધરપકડ કરવામાં આવી
આ મામલે પીડિતાની બહેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે સિનિયરે ડૉક્ટરે તેની સાથે વિશ્વાસઘાત કરીને સંબંધ બાંધ્યા હતા અને તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પરંતુ બાદમાં પોતે ઉચ્ચ જાતિનો હોવાનું કારણ આગળ ધરીને લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. પોલીસે ભારતીય દંડ સંહિતા અને SC/ST (અત્યાચાર નિવારણ) અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ‘વિકાસના નામે આદિવાસીઓ એક ઈંચ જમીન નહીં આપે..’
પીડિતા કોણ હતી?
યુવતી જોગુલંબા-ગઢવાલ જિલ્લાના એક ગરીબ પરિવારમાંથી હતી. તેના માતા-પિતા મજૂર છે. તેની મોટી બહેન સોફ્ટવેર એન્જિનિયર છે. બાળપણથી જ મહેનતુ યુવતી, એક સમાજ કલ્યાણ વિભાગની શાળામાં ભણી હતી અને 2020 માં સિદ્દીપેટની સરકારી મેડિકલ કોલેજમાં MBBS માં પ્રવેશ મેળવ્યો હતો.
મૃતક યુવતી ભણવામાં અને રમતગમતમાં આગળ પડતી હતી. પોલીસના જણાવ્યા મુજબ તે હંમેશા ઉચ્ચ ગુણ મેળવતી હતી અને દરેક માટે પ્રેરણા હતી. ગયા વર્ષે જુલાઈમાં તે ઇન્ટર્નશિપ દરમિયાન તે જ કોલેજના એક સિનિયર રેસિડેન્ટ ડૉક્ટરને મળી હતી. બંને નજીક આવ્યા અને આરોપીએ તેને લગ્ન કરવાનું વચન આપ્યું હતું. પણ બાદમાં તેની દલિત જાતિનો મુદ્દો આગળ કરીને લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. આ વિશ્વાસઘાતથી યુવતીને ભારે આઘાત લાગ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બોયફ્રેન્ડ ડોક્ટરે તે દલિત હોવાથી તેની સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હોવાથી તે એટલી દુઃખી થઈ ગઈ હતી કે તેણીએ આ આત્યંતિક પગલું ભર્યું હતું.
આ પણ વાંચો: દલિત મહિલાની આરોપીએ રસ્તા વચ્ચે છરીના ઘા મારી હત્યા કરી











આ ઘટના માં આત્મહત્યા કરનાર યુવતી ની પડખે કોઈ RSS/VHP/રામ સેના/હિન્દુ સેના/ભગવા સેના/સમરસતા મંચ વાળા આવ્યા ખરા..!