આઝાદી પછી પણ ભારતમાં જાતિવાદ કેટલો તીવ્ર છે તેનું આ ઉદાહરણ છે. જાતિવાદી તત્વો જાણે આખું ગામ તેમના બાપે વસાવેલું હોય એમ ગામના રસ્તા, પાણી અને સરકારી જમીનો-મિલકતો પર હક જમાવતા હોય છે. અમુક રીતિરિવાજો પણ તેઓ જ કરી શકે, બીજા કોઈ નહીં, એનો પણ તેમને જબરો ફાંકો હોય છે. ખાસ કરીને દલિત વર-કન્યાની જાન રોકવામાં તેમને પિશાચી આનંદ આવે છે. આવી જ એક ઘટનામાં જાતિવાદી તત્વોએ એક દલિત કન્યાની જાનને ગામના મુખ્ય રસ્તા પરથી જતી રોકી દીધી હતી. લુખ્ખા તત્વો રસ્તામાં બંદૂક લઈને ઉભા રહી ગયા હતા.
કન્યાપક્ષના લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે, પોતાની જાતિનું મિથ્યા ગૌરવ અનુભવતા લુખ્ખા તત્વોએ પોલીસનું કશું સાંભળ્યું નહોતું અને દલિત દીકરીની જાનને મુખ્ય રસ્તા પરથી પસાર ન થવા દેવા મક્કમ રહ્યા હતા. મામલો એટલો ઉગ્ર બની ગયો કે જાતિવાદી તત્વોએ ગોળીબાર કર્યો. જેમાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો.
ઉત્તરપ્રદેશના ઈટાહના ઢાકાપુરની ઘટના
મામલો જાતિવાદ અને સવર્ણોની દાદાગીરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના ઈટાહના ઢાકાપુરા ગામમાં, ઠાકુર જાતિના કેટલાક લોકોએ દલિત છોકરીના લગ્નની જાનને ગામના મુખ્ય માર્ગ પરથી નીકળતા અટકાવી હતી. જેના કારણે મામલો તંગ બન્યો હતો. જાટવ સમાજની દીકરીના લગ્ન હતા અને તેની જાન ગામના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહી. એ દરમિયાન ગામના ઠાકુર જાતિના લુખ્ખા તત્વોએ જાનને અટકાવી હતી અને તેઓ દલિત સમાજના હોવાથી મુખ્ય માર્ગ પરથી પસાર નહીં થઈ શકે તેમ કહીને દાદાગીરી કરી હતી. જેને લઈને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું. એ દરમિયાન કન્યા પક્ષ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. પોલીસને આવેલી જોઈને ઠાકુરો વધુ ઉશ્કેરાયા હતા અને ગોળીબાર કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો. એ પછી પોલીસે જેમતેમ કરીને મામલો શાંત પાડ્યો હતો.
આ પણ વાંચો: ઝૂંપડપટ્ટીની સરકારી સ્કૂલમાં ભણેલો દલિત છોકરો દેશનો CJI બન્યો
તમે દલિત છો, ગામના મુખ્ય રસ્તેથી નહીં નીકળી શકોઃઠાકુરો
જાતિવાદી ઠાકુરોએ દલિત સમાજની દીકરીના લગ્નની જાનને અટકાવી હતી. જાટવ સમાજની દીકરીના લગ્ન ગઈકાલે રાત્રે 21 જૂને જ્યારે જાન ગામના મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ઠાકુર સમાજના કેટલાક લોકોએ જાનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, તમે દલિત થઈને ગામના મુખ્ય રસ્તા પરથી આ રીતે જાન લઈને ન નીકળી શકો. આ બાબતે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાતાવરણ તંગ બન્યું હતું. આ બાબતની માહિતી મળતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જેમતેમ કરીને બંને પક્ષોને સમજાવીને શાંત પાડ્યા હતા અને લગ્નની વિધિ પૂર્ણ કરાવી કન્યાને વિદાય આપીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.
પોલીસે એકેય ઠાકુર સામે કાર્યવાહી ન કરી?
બીજી તરફ આ સમગ્ર મામલે, એટાહના એએસપી શ્યામ નારાયણ સિંહે જણાવ્યું હતું કે, હાલમાં ગામમાં સંપૂર્ણ શાંતિ છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કોઈપણ પ્રકારની હિંસાની કોઈ માહિતી નથી. જિલ્લા વહીવટીતંત્રે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે, ઠાકુર જાતિના લોકોએ ગોળીબાર કર્યો હતો અને તેમાં એક પોલીસકર્મી ઘાયલ થઈ ગયો હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી હોવાના સમાચાર નથી.
યોગી આદિત્યનાથના રાજમાં તેમની જાતિના લોકો બેફામ બન્યાં
યુપીના આધારભૂત સુત્રોના મતે મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ ફરી સત્તા પર આવ્યા છે, ત્યારથી ઠાકુર જાતિના લોકોનો અત્યાચાર વધી ગયો છે. મોટાભાગના પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે પણ ઠાકુર જાતિના જ લોકોને બેસાડી દેવાયા છે. ઠાકુરો દલિતો સહિત કોઈપણ જાતિના લોકો પર અત્યાચાર કરે તો પણ પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરતી નથી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે ઠાકુર જાતિમાંથી આવતા હોવાથી ઠાકુરોને જાણે ગમે તેવો મોટો ગુનો કરવાનો પરવાનો મળી ગયો હોય તેવી સ્થિતિ છે. યુપીમાં ગુનાખોરી વધી રહી છે, દલિતો પર અત્યાચાર થવા છતાં ઢીલી કાર્યવાહી થાય છે, તેની પાછળ યોગી આદિત્યનાથની જાતિના લોકોની દાદાગીરી અને પોલીસની તેમને છાવરવાની નીતિ કારણભૂત હોવાનું સૂત્રો કહે છે.
આ પણ વાંચો: ટોળાએ 3 દલિત કિશોરોને રાષ્ટ્રધ્વજના થાંભલા સાથે બાંધીને માર્યા











Users Today : 52