આણંદના જિલ્લામાં જાતિ પૂછીને એક દલિત યુવક પર પાંચ શખ્સોએ દાંતીથી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વાહન સીઝ કરનારા પાંચ માથાભારે શખ્સોએ વાસદ તારાપુર હાઇવે સ્થિત આસોદર ગામ નજીક સુંદણ પાટીયા પાસે કાર સીઝ કરવા બાબતે દલિત યુવકને તેની જાતિ પૂછીને જાતિસૂચક અપશબ્દો બોલીને દાંતી વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં પાંચેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
મામલો શું હતો?
ખંભાત તાલુકાના ઉંદેલ ગામના રમેશભાઈ ઇશ્વરભાઇ વણકરે આંકલાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. 26 મે 2025ને સોમવારના રોજ સવારે તેઓ બે મિત્રો સાથે બાઈક પર ડાકોર ગયા હતા. દરમિયાન તેઓ સાંજે પરત આવી રહ્યા હતા ત્યારે વાસદ નજીક તેમના મિત્ર લાલજીભાઈ પરમારનો ફોન આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક શખ્સોએ તેમને આસોદર પાટીયા પાસે રોક્યા છે અને કાર સીઝ કરવાનું જણાવી રહ્યાં છે. રમેશભાઈ નજીકમાં જ હોવાથી તેઓ તુરંત જ સ્થળ પર પહોંચી ગયા હતા.
આ પણ વાંચો: ગીતામંદિરના દલિત યુવકે ડાયરેક્ટરના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો
ફેસબૂક લાઈવ કરતા આરોપીઓએ ફોન તોડી નાખ્યો
જ્યાં દિનેશ ભરવાડ સહિત બે શખ્સો હાજર હતા. તેમણે આ અંગે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. એ પછી વાસદ પોલીસનો નંબર આપ્યો હતો. એ દરમિયાન તેમની પોલીસમાં વાતચીત ચાલતી હતી ત્યારે રમેશભાઈએ અને પૃથ્વીરાજસિંહ સોલંકીએ ફેસબુક લાઈવ શરૂ કર્યું હતું. જેને પગલે દિનેશ ભરવાડે તેમનો ફોન આંચકી લઈને રોડ ઉપર પછાડી ભાગી નાંખ્યો હતો.
જાતિસૂચક ગાળો ભાંડી અપમાન કર્યું
એ પછી તેની તેની સાથે રહેલા અન્ય શખ્સે બીજા માણસોને ફોન કરતા કારમાં કિરણ ગોહિલ તેમજ અન્ય શખ્સો આવી પહોંચ્યા હતા અને ઝઘડો કરી અમારા વિડિયો કેમ બનાવો છે તેમ કહી રમેશભાઈને તેમની જાતિ પૂછી માથામાં દાંતી મારી જાતિસૂચક અપશબ્દો બોલી અપમાનિત કર્યા હતા.
ફરિયાદીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
આ બનાવમાં રમેશભાઈ વણકરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. આ ઘટનામાં આંકલાવ પોલીસે રમેશભાઈ વણકરની ફરિયાદના આધારે દિનેશ ભરવાડ, કિરણ ગોહિલ સહિત પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: 3 વર્ષની દલિત બાળકીની દુષ્કર્મ આચરી હત્યા કરી દેવાઈ