ગંભીરા બ્રિજ તૂટતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફના વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે. આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટતા તેમાં 13 નિર્દોષ જિંદગીઓ હોમાઈ ગઈ છે. વર્ષો જૂનો આ બ્રિજ ખખડધજ બન્યો હતો. પણ તંત્રએ ધ્યાન ન આપતા નિર્દોષ લોકોનો બલિ ચઢી ગયો છે.
બીજી તરફ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે. હાલ આ બ્રિજ તૂટવાથી ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થઈ ગયું છે. ગંભીરા બ્રિજ સ્ટેટ હાઈવેનો બ્રિજ છે. જેથી તે અંકલેશ્વરને જોડતો માર્ગ હતો. હવે કોઈ પણ વાહનને ભરૂચ,અંકલેશ્વર, વાપી જવા માટે અંદાજે 150 કિ.મી. નું અંતર વધારે કાપવું પડશે. જેને કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધશે. અને લોકોનો સમય પણ બરબાદ થશે. અંદાજે 3 કલાકે લોકોને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચતા વાર લાગશે.
અંકલેશ્વરથી સૌરાષ્ટ્ર આવવા માટે આ બ્રિજ મહત્વનો છે. રોજ અંદાજે 500 ગાડીઓની અવરજવર થાય છે. ટુ વ્હીલર, ફોર વ્હીલર ટ્રક, બસ સહિતના અનેક વાહનોની અવરજવર થાય છે. વાપી, સુરત, અંકલેશ્વર જવા માટે મહત્વનો બ્રિજ તૂટતાં વાહનચાલકોએ તાત્કાલિક ધોરણે ગામડાના રસ્તાઓ તેમજ વાયા વાસદ થઈને જવું પડી રહ્યું છે.
તંત્ર દ્વારા ડાયવર્ટ રૂટ પણ જાહેર કરવમાં આવ્યા છે. જેમાં તારાપુરથી વડોદરા જતા ભારે વાહનો માટે વાસદ થઈને વડોદરા તરફ રૂટ ડાયવર્ટ કરાયો છે. બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવાનો રહેશે. પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રીજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવા અને મોટા વાહનોને વાસદ થઈને નિકળવા નું રહેશે. આમ દરેક વાહનોએ 50 થી 150 કિ.મી નું વધારાનું અંતર કાપીને ચાલવું પડશે. અંદાજે 3 કલાક જેટલો સમય વધુ લાગશે. અને રૂ 1000 જેટલો ડીઝલ ખર્ચ વધશે. વરસાદના કારણે અનેક રસ્તો બિસ્માર બન્યા છે આથી ડાયવર્ટ થયેલ રોડ પણ જો બિસ્માર હશે તો વાહનો ચાલકોને વધુ હાલાકી વેઠવી પડશે. આ ઉપરાંત આગામી સમયમાં તહેવારો શરૂ થવા જઈ રહ્યા છે. જેના કારણે વાહનો વ્યવહાર પણ વધે છે. ત્યારે આ બ્રિજ તૂટતા વાહનો ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે.
2021માં જ ગંભીર બ્રીજ બંધ કરવાની માંગ થઈ હતી
ગંભીરા બ્રીજ અંગે અગાઉ પણ સરકાર સમક્ષ વ્યાપક ફરીયાદ થઈ હતી. અને તેમ છતા પણ આ પૂલની મરામત કે તેને બંધ કરવા અંગે સરકારે કોઈ ગંભીરતા દાખવી નહી હોવાનું બહાર આવ્યું છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો 45 વર્ષ જુનો છે અને તે 2020માં જ તેના સ્ટેબીલીટી રીપોર્ટની માંગ કરવામાં આવી હતી. પુલ પરથી વાહનો પસાર થતા સમયે પુલ અત્યંત ધ્રુજતો હતો. અને 2021માં આ પુલ બંધ કરવાની માંગણી પણ થઈ હતી. પરંતુ સરકાર તરફથી તેમાં કોઈ પગલા લેવાયા ન હતા જેના કારણે આજની દુર્ઘટના બની હોવાનો આક્ષેપ થયો હતો. બ્રીજના જે રીતે બે કટકા થઈ ગયા તે દર્શાવે છે કે આ બ્રીજ તેની આયુ મર્યાદા કરતા વહેલો તુટી પડયો તેથી તેનું એકંદર બાંધકામ પણ ચર્ચામાં છે.
આ પણ વાંચો: લુખ્ખા તત્વોએ દલિત યુવકને ઢોર માર મારી રેતીમાં દાટી દીધો
બ્રિજમાં બિહાર જેવો ભ્રષ્ટાચાર! રીપેરીંગ બાદ પણ ધ્રુજતો હતો
ગંભીરા બ્રિજ તૂટી પડવાને લઈને કોંગ્રેસે બ્રિજમાં બિહાર જેવા ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસનાં પ્રવકત મનીષ દોશીએ કહ્યું કે ગંભીર બ્રિજનું સમારકામ થોડા વખત પહેલા જ થયુ હતું. ત્યારપછી પણ ભારે વાહનો નિકળે ત્યારે ધ્રુજતો હતો સ્થાનિક લોકોએ વારંવાર રજુઆત કરી હતી. પરંતુ બેદરકારી અને ભ્રષ્ટાચારની નીતિને કારણે બ્રિજ પરનાં ખાડા માત્ર કપચીથી બુરી દેવામાં આવ્યા છે. દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે. તેની જવાબદારી કોની તેવો સવાલ ઉઠાવીને તેઓએ બિહાર જેવા ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો. આ બ્રિજને મોતનો પૂલ (સ્યુસાઈડ બ્રિજ) તરીકે જ સ્થાનિકો ઓળખતા હોવાનું પણ તેમણે ક્હયું હતું.
બ્રિજ તૂટ્યો પછી બંધ કરવાનો હાસ્યાસ્પદ નિર્ણય
આણંદ, મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો એ પછી સ્થાનિક તંત્ર દ્વારા તેને બંધ કરવાનો હાસ્યાસ્પદ નિર્ણય લેવાયો હતો. ગંભીરા બ્રિજ ફરી કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ ફરમાવાતું જાહેરનામું અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ ઋતુરાજ દેસાઇ પ્રસિદ્ધ કર્યું છે. જેને લઈને તંત્રની મૂર્ખતા પર હસી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, બ્રિજ તૂટી પડ્યો હોવાની વાત આખું ગુજરાત જાણે છે, એ પછી તે બંધ કરવામાં આવ્યો હોવાની જાહેરાત હાસ્યાસ્પદ છે. જ્યારે ખરેખર બ્રિજને બંધ કરવાની જરૂર હતી ત્યારે તંત્રે તેને ચાલુ રાખ્યો હતો અને હવે તૂટી ગયા પછી તે બંધ કરાયો હોવાની જાહેરાત કરી છે. આ બાબત સાબિત કરે છે કે, તંત્રમાં કેવા લોકો બેઠા છે.
વાહનો માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. દુર્ઘટના બની ત્યારથી એટલે કે તા.9 જુલાઈથી ગંભીરા બ્રિજ પુન:કાર્યરત ન થાય ત્યાં સુધી આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
ડાયવર્ટેડ કરેલ રૂટની વિગતો જોઈએ તો, તારાપુરથી વડોદરા જતા ભારે વાહનોએ સીધા વાસદ થઈને વડોદરા તરફ રૂટનું ડાયવર્ટ કરાયો છે. બોરસદ તાલુકાના ગામડાઓમાંથી વડોદરા તરફ જતા નાના વાહનોએ ગંભીરા બ્રિજ તરફ જવાની જગ્યાએ ઉમેટા થઇને નીકળવું તેમજ ભારે વાહનોએ વાસદ રૂટનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે.
પાદરા તરફથી આણંદ કે તારાપુર તરફ જતા વાહનોએ ગંભીરા બ્રીજની જગ્યાએ નાના વાહનોએ ઉમેટા તરફ જવા અને મોટા વાહનોને વાસદ થઈને નિકળવા જણાવવામાં આવ્યું છે. પ્રતિબંધિત રૂટ જોઈએ તો પાદરા આણંદને જોડતા ગંભીરા પુલ ઉપર તમામ પ્રકારના વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ તથા ઉમેટા બ્રીજ ભારે વાહનો માટે પ્રતિબંધીત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: બોરસદનો મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા 4 વાહન નદીમાં પડ્યાં, 2ના મોત