ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે તેની ફિલ્મ ‘રમણ રાઘવ 2.0’ ના પ્રમોશન દરમિયાન મીડિયાને એક વાત કરી હતી કે, “દરેક માણસની અંદર કોઈને કોઈ ખૂણે એક ખતરનાક શૈતાન વસે છે અને જ્યારે તે શૈતાન સ્વરૂપ લોકો સામે આવે છે ત્યારે સૌ કોઈ ચોંકી જાય છે કે, આ માણસ આવો કઈ રીતે હોઈ શકે.” આવી જ એક ચોંકાવનારી ઘટના હાલમાં સામે આવી છે. જેમાં એક મૂકબધિર દલિત યુવતી ત્રણ શૈતાની માનસિકતા ધરાવતા યુવકોની હવસનો શિકાર બની ગઈ.
મૂકબધિર યુવતી ઘરેથી નીકળી અને રસ્તો ભૂલી ગઈ
દલિત મૂકબધિર યુવતી ઘરેથી નીકળતા રસ્તો ભૂલી ગઈ હતી. એ દરમિયાન ત્રણ યુવકોએ તેને એકલી જોઈને તેનો પીછો કર્યો હતો અને બાદમાં તેને બળજબરીથી બાઈક પર બેસાડીને શહેરથી દૂર જંગલ વિસ્તારમાં લઈ ગયા. જ્યાં ત્રણેયે વારાફરતી તેના પર બળાત્કાર ગુજાર્યો. આ ઘટનાથી મૂકબધિર દલિત યુવતીને એટલું બધું લાગી આવ્યું કે, તેણે ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. યુવતી સાથે જે બન્યું તેને લઈને સમગ્ર શહેરમાં હોબાળો મચી જતા, આખરે પોલીસે તપાસ શરૂ કરી હતી.
ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની ઘટના
મામલો જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત યુપીનો છે. અહીંના ગાઝિયાબાદમાં ગેંગરેપનો ભોગ બનેલી એક મૂકબધિર દલિત યુવતીનો ગળેફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. તેના પિતાએ કહ્યું કે પુત્રી અમારી સાથે રહેતી હતી. ગઈકાલે રાત્રે તેણે બીજા રૂમમાં આત્મહત્યા કરી હતી. સવારે જ્યારે અમે તેને જોઈ ત્યારે લાશ ફંદા સાથે લટકતી હતી.
આ પણ વાંચો: સવર્ણોની દલિત મહિલાને ધમકી- ‘ગામમાં દેખાઈ તો રેપ કરીશું’
યુવકો ગેંગરેપ કરી છોડીને ભાગી ગયા
23 વર્ષીય પીડિતા મૂકબધિર હતી, એટલે કે તે બોલી કે સાંભળી શકતી ન હતી. તે માનસિક રીતે પણ અક્ષમ હતી. બુધવારે સાંજે તે ઘરની બહાર નીકળી ગઈ હતી. એ દરમિયાન તે રસ્તો ભૂલી ગઈ અને તેણે ઘરે આવવા માટે પસાર થતા લોકો પાસે મદદ માંગી હતી. તેને એકલી ભટકતી જોઈને બાઇક પર સવાર ત્રણ યુવાનોએ તેને ઘરે મૂકી જવાના બહાને બાઇક પર બેસાડી હતી. ત્રણેય યુવાનો તેને નિથોરા ગામ નજીકના જંગલમાં લઈ ગયા. ત્યાં તેના પર ગેંગરેપ કર્યો. ત્યારબાદ તેઓ તેને લોની વિસ્તારમાં લઈ ગયા અને ત્યાં છોડીને ભાગી ગયા.
યુવતી પહેલા પણ ઘરેથી નીકળી ગઈ હતી
યુવતીના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી માનસિક રીતે અસ્વસ્થ હતી. તે મૂકબધિર હતી. ઘણી વખત તે ઘરની બહાર જતી રહેતી હતી, પરંતુ બે-ત્રણ કલાક પછી પાછી આવી જતી હતી. તે ઈશારામાં પોતાની વાત કરતી હતી. તા. 20 ઓગસ્ટ 2025ને બુધવારની સાંજે તે ઘરેથી ગુમ થઈ ગઈ હતી. ત્રણ કલાક પછી જ્યારે તે પાછી આવી ત્યારે તેની હાલત ખરાબ હતી. ઈશારામાં તેણે કહ્યું કે ત્રણ લોકોએ તેની સાથે ખરાબ કૃત્ય કર્યું છે. એ પછી, મેં લોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં મેં જણાવ્યું કે ત્રણ યુવાનોએ પુત્રીને પકડીને જંગલમાં લઈ ગયા હતા. ત્યાં તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આજે, ગુરુવારે સવારે મારી પુત્રીનો મૃતદેહ રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. તે રૂમમાં એકલી સૂવા ગઈ હતી. મેં આ અંગે લોની પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘરે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.
યુવતી પરિવારની સૌથી નાની પુત્રી હતી
યુવતીના પિતાએ કહ્યું – અમારા ઘરમાં કુલ ત્રણ રૂમ છે. પુત્રી મારી અને મારી પત્ની સાથે એક રૂમમાં રહેતી હતી. બીજો રૂમ મારા દીકરા અને વહુ માટે છે. એક રૂમ હંમેશા ખાલી રહેતો હતો. પરંતુ મને ખબર નથી કે ગઈકાલે રાત્રે પુત્રી ક્યારે અમારા રૂમમાંથી ઉઠીને ખાલી રૂમમાં ગઈ. તેણે ત્યાં જ ગળેફાંસો ખાઈ લીધો. તે ભણેલી નહોતી અને ઘણી બધી બાબતો સમજી શકતી ન હતી. પરિવારમાં તે સૌથી નાની હતી. પરિવારમાં બે દીકરા છે. બંને પરિણીત છે. મોટી પુત્રી પણ પરિણીત છે.
પોલીસે શું કહ્યું?
પોલીસ યુવતીની હત્યાના એંગલની પણ તપાસ કરી રહી છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને યુવતીના બંને પગ પલંગ પર અડકેલા જોવા મળ્યા. પોલીસને શંકા છે કે પરિવારના કોઈ સભ્યએ પણ તેની હત્યા હોઈ શકે છે અને બાદમાં લાશને લટકાવી દીધી હશે. પિતા અને પરિવારના અન્ય સભ્યોનું કહેવું છે કે દીકરી રાત્રે રૂમમાં સૂતી હતી. સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે તે ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી.
આ પણ વાંચો: કોંગ્રેસના દલિત નેતાનો મૃતદેહ મળ્યો, શરીર પર ગોળીઓનાં નિશાન
પોલીસે કહ્યું – પોસ્ટમોર્ટમ બાદ જ વધુ ખુલાસો થશે
એડિશનલ પોલીસ કમિશનર આલોક પ્રિયદર્શીએ કહ્યું – યુવતીના પરિવાર દ્વારા તેના પર કરવામાં આવેલા ગેંગરેપના પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યાં છે. ફોરેન્સિક ટીમ પીડિતાએ કયા સંજોગોમાં આત્મહત્યા કરી તેની પણ તપાસ કરી રહી છે. યુવતીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી જ જાણી શકાશે.
23 साल की मासूम बिटिया, न बोल पाती थी न सुन पाती थी,
जालिमों ने उसे भी नहीं छोड़ा😑
प्रदेश की ये कैसी कानून व्यवस्था है?#गाजियाबाद #Ghaziabad pic.twitter.com/e53UDIrHsG
— The सामाजिक सदभाव (@ankur_baudh) August 21, 2025
ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શું કહ્યું
ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં 500 પોલીસકર્મીઓને અલગથી તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા હોસ્પિટલમાં પીડિતાનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્યાં પોલીસ પણ એલર્ટ પર છે. દલિત સમાજના લોકો ગુસ્સામાં રસ્તા પર ઉતરી આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં આસપાસના વિસ્તારમાં પણ પોલીસ ફોર્સ વધારી દેવામાં આવી છે.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી, એક ફરાર
પોલીસે આ મામલે બે આરોપીઓ રોહિત(23) અને ભોલા(45)ની ધરપકડ કરી છે. જ્યારે ત્રીજો આરોપી યુવક હજુ ફરાર છે. એસીપી(લો એન્ડ ઓર્ડર) સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું હતું કે, પીડિતાના પિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. સર્વેલન્સ અને બાતમીદારો દ્વારા ફરાર આરોપી શોધ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.
બીએસપી કાર્યકરોએ આ મામલે મોરચો સંભાળીને સ્થાનિક પોલીસ સ્ટેશને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પીડિતા માટે ન્યાયની માંગ કરી હતી. પોલીસે તેમને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ વહેલી તકે આરોપીઓને ઝડપી પાડશે અને પીડિતાને ન્યાય અપાવશે.
આ પણ વાંચો: મોરબીના ધૂળકોટમાં સ્વામિનારાયણ મંદિરે ગયેલી દલિત મહિલાને માર પડ્યો