ગુજરાતમાં દલિત અત્યાચારનો ગ્રાફ દિવસને દિવસે ઉપર ચડતો જઈ રહ્યો છે. એવો કોઈ દિવસ નથી જ્યારે કોઈ દલિત પર અત્યાચાર ન થયો હોય. ગુજરાતના ગામડાઓ જાતિવાદ અને દલિત અત્યાચારથી ખદબદે છે. હાલમાં જ અમરેલીના લાઠીમાં એક દલિત યુવકનું જાતિવાદી તત્વોએ નજીવી બાબતે ખૂન કરી નાખ્યું હતું. મૃતક યુવકના હજુ તો અંતિમ સંસ્કાર પણ થયા નહોતા ત્યાં સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના એક ગામમાં વધુ એક દલિત યુવક પર ભરવાડોએ હિચકારો હુમલો કરી તેના બંને પગ ભાંગી નાખ્યા છે.
દલિતોના પ્રશ્નો પર મૌન રહીને હવે નેતાઓ બચી નહીં શકે?
આ બંને ઘટનાઓને લઈને સમગ્ર ગુજરાતનો દલિત સમાજ રોષે ભરાયો છે. સરકારની સવર્ણો તરફી નીતિઓ અને એટ્રોસિટી એક્ટના નબળા અમલીકરણને કારણે જાતિવાદી તત્વો બેફામ બની ગયા છે. પરિણામે કાયમ કાયદો-વ્યવસ્થાની મર્યાદામાં રહીને અન્યાયનો સામનો કરતા દલિત સમાજનો રોષ ફાટ્યો છે. અને તેણે આ મામલે સૌથી પહેલા એસસી અનામત સીટો પર ચૂંટાઈને આવેલા અનુસૂચિત જાતિના ધારાસભ્યો અને સાંસદોને ટાર્ગેટ કર્યા છે.
આ પણ વાંચો: 14 વર્ષની દલિત દીકરીએ આખી શિક્ષણ વ્યવસ્થાને હચમચાવી નાખી
એસસી ધારાસભ્યોનું તેમનો જ સમાજ જીવતેજીવ બારમું યોજશે?
હાલ સોશિયલ મીડિયામાં એક ડિજિટલ પત્રિકા ફરતી થઈ છે. જેમાં એસસી અનામત બેઠક પર ચૂંટાઈને આવેલા ભાજપ અને કોંગ્રેસના અનુસૂચિત જાતિના ધારાસભ્યો અને સાંસદોનું બારમું (પાણી ઢોળ) કરવાનું જાહેર કરાયું છે. આ પત્રિકાની ખાસિયત એ છે કે તેમાં આયોજક તરીકે કોઈ વ્યક્તિનું નામ નથી પરંતુ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત એવું લખેલું છે. સાથે જ તેમાં ભાજપ અને કોંગ્રેસના એસસી અનામત સીટ પર ચૂંટાયેલા ધારાસભ્યો અને સાંસદોના ફોટા છે. એકને બાદ કરતા બીજા તમામ સાંસદો-ધારાસભ્યો ભાજપના છે. તેઓ એસસી અનામત સીટ પર ચૂંટાઈને આવ્યા હોવા છતાં દલિતો પર થતા અત્યાચારો વિશે એક શબ્દ બોલતા નથી. તેમનું આ કાયમી સ્ટેન્ડ છે અને તેના કારણે હવે દલિત સમાજમાં તેમના પ્રત્યે ઉગ્ર રોષ છે. તેનું જ પરિણામ છે કે, આ તમામ નેતાઓનું, તેમનો જ સમાજ, જીવતેજીવ બારમું કરવા જઈ રહ્યો છે.
ક્યારે, ક્યાં, કઈ તારીખે બેસણું યોજાશે તે નક્કી નથી
સોશિયલ મીડિયામાં ફરતી થયેલી આ પત્રિકામાં બીજી સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે તેમાં આ કાર્યક્રમ કઈ તારીખે, ક્યા સ્થળે, ક્યા સમયે યોજાશે તેની કોઈ જ વિગત નથી. તેનો અર્થ એવો પણ થાય છે કે, આયોજકો બીજી પત્રિકા પણ વહેતી કરશે અને તેમાં કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા હોઈ શકે છે.
ગુજરાતના દલિતો શા માટે આટલા ગુસ્સે ભરાયા છે?
જો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં એકસાથે યોજાય તો ભાજપ-કોંગ્રેસના દલિત નેતાઓએ તેમના જ સમાજ વચ્ચે જતા સો વાર વિચાર કરવો પડે તેવી સ્થિતિ પેદા થઈ શકે છે. હાલ નિલેશ રાઠોડની હત્યા, જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અન્યાય, રોસ્ટર પદ્ધતિ, એસસી પેટાવર્ગીકરણ, જાતિવાદ, આભડછેટ જેવી અનેક સમસ્યાઓ ગુજરાતના દલિતોને પજવી રહી છે. પરંતુ એકપણ એસસી અનામત બેઠક પર ચૂંટાયેલો ધારાસભ્ય-સાંસદ તેના વિરુદ્ધ એક શબ્દ પણ ઉચ્ચારતો નથી. જેના કારણે હવે અનુ. જાતિ સમાજે તેમનું બેસણું યોજવાનું નક્કી કર્યું છે.
આ પણ વાંચો: પાટડીના ભીમસૈનિકોએ પાનવાના પીડિત પરિવારની મુલાકાત લીધી
ગુજરાતમાં હાલ કેટલા એસસી ધારાસભ્યો-સાંસદો છે?
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરી, ઈડરમાં રમણલાલ વોરા, દાણીલીમડામાં શૈલેષ પરમાર, અસારવામાં દર્શના વાઘેલા, દસાડામાં પી.કે. પરમાર, રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરીયા, કાલાવડમાં મેઘજી ચાવડા, કોડીનારમાં પ્રદ્યુમન વાજા, ગઢડામાં શંભુપ્રસાદ ટુંડીયા, વડોદરા ગ્રામ્યમાં મનીષા વકીલ, બારડોલીમાં ઈશ્વર પરમાર એમ કૂલ 11 બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયેલા છે તેમનો આ પત્રિકામાં સમાવેશ કરાયો છે. આ સિવાય કચ્છના સાંસદ વિનોદ ચાવડાનું પણ પત્રિકામાં નામ છે. કૂલ 13 એસસી અનામત સીટો પૈકી કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું અવસાન થયું છે.
બેસણાની પત્રિકામાં જિગ્નેશ મેવાણીનું નામ નહીં
આ પત્રિકામાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, તેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નામ નથી. મેવાણી હાલ એકમાત્ર એવા નેતા છે, જેઓ પોતાના પક્ષની પણ પરવા કર્યા વિના દલિત અત્યાચારની ઘટનામાં જાતિવાદી તત્વોને સજા અપાવવા માટે દોડાદોડ કરતા દેખાય છે. હાલમાં જ તેમણે પોતાના પક્ષ કોંગ્રેસની દલિત અત્યાચારના કેસોમાં મૌન સેવવા બદલ જાહેરમાં એકથી વધુ વાર ઝાટકણી કાઢી હતી. જેના કારણે અનુસૂચિત જાતિ સમાજમાં તેમના પ્રત્યેનો વિશ્વાસ વધ્યો હોય તેમ જણાય છે. દલિત સમાજ મેવાણી જેવા જ સહકારની અપેક્ષા અન્ય એસસી ધારાસભ્યો અને સાંસદો પાસેથી પણ ઈચ્છે છે. પરંતુ તેમની એ આશા ઠગારી નીવડી હોવાથી હવે તેમણે સમાજને બદલે પક્ષને વફાદાર રહેતા નેતાઓને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હોય તેમ જણાય છે. આગામી દિવસોમાં આ મામલે વધુ વિગતો સામે આવશે તેમ લાગે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં મહાગુજરાત SC-ST મહાસભાની ચિંતન બેઠક યોજાઈ
*કોઈ પણ રાષ્ટ્રીય પક્ષના દલિત સાંસદમાં સરકાર પાસેથી “Taking and Paying” ક્ષમતાનો અભાવ હોય તે સાંસદ પોતાના સમાજને આદર્શ સમાજ બનાવી
શકે તેમ નથી…! ઘર ભરો, તિજોરીઓ ભરો! પક્ષનું સૂત્ર
બનીને અટકી જાય છે, જે શર્મનાક છે! શર્મસાર છે!