Honor Killing: ભારતીય સમાજ ગમે તેટલો પ્રગતિ કરી લે પરંતુ આજની તારીખે પણ લગ્ન બાબતે તે એટલો જ જૂનવાણી અને ક્રૂરતામાં ડૂબેલો છે. એનું જ કારણ છે કે, દેશમાં પોતાની જાતિ-ધર્મથી અલગ થઈને પ્રેમ લગ્ન કરનાર યુગલોની હત્યા થતી રહે છે. આવી જ એક ઓનર કિલીંગ(Honor Killing)ની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મુસ્લિમ પિતાએ દલિત યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર સગી પુત્રીનું માથું વાઢી નાખ્યું હતું.
શું છે આખો મામલો?
ચિત્તુર(Chittoor)ની બાલાજીનગર કોલોનીમાં રહેતા શૌકત અલી અને મુમતાઝની દીકરી યાસ્મિને MBA નો અભ્યાસ કર્યો હતો. યાસ્મીનને તેના કૉલેજના દિવસોમાં પુથલપટ્ટુના રહેવાસી દલિત યુવક સાંઈ તેજા સાથે પ્રેમ થઈ ગયો હતો. સાંઈ બીટેક થયેલો હોંશિયાર યુવાન હતો અને યાસ્મિન સાથે તેની કેમેસ્ટ્રી બહુ સારી રીતે મેચ થતી હોવાથી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ જ્યારે સાઈ તેજાના પરિવારે આ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે યાસ્મીનના માતા-પિતા તેના માટે સંમત ન થયા, કેમ કે સાઈ અનુસૂચિત જાતિનો હતો.
આ પણ વાંચોઃ દલિત યુગલે પ્રેમલગ્ન કરતા પંચે બહિષ્કાર કરી 12 લાખ દંડ કર્યો
જોકે, બંનેએ 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ નેલ્લોરમાં લગ્ન કર્યા હતા અને 13 ફેબ્રુઆરીએ સુરક્ષા પૂરી પાડવા માટે તિરુપતિ ડીએસપીની મદદ માંગી હતી. પોલીસે બંનેના પરિવારોને બોલાવ્યા અને નવદંપતી પુખ્ત હોવાથી તેમને નુકસાન ન પહોંચાડવાની ચેતવણી આપીને કાઉન્સેલિંગ કર્યા પછી તેમને વિદાય આપી હતી.
બે મહિના બધું બરાબર ચાલ્યું, પછી..
એ પછી બે મહિના સુધી યાસ્મીન અને સાંઈનું જીવન સરસ રીતે ચાલ્યું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી યાસ્મીનનો પરિવાર તેને વારંવાર ફોન કરી રહ્યો હતો અને તેને ઘરે આવીને તેના પિતા શૌકત અલીની ખબર કાઢવા આવવા માટે કહી રહ્યો હતો. પિતાની તબિયત સારી નથી એ જાણીને યાસ્મિને તેમના ખબરઅંતર પૂછવા જવાનું નક્કી કર્યું. રવિવાર તા. 13 એપ્રિલ 2025ના રોજ સવારે તેના પતિ સાંઈએ ચિત્તૂરના ગાંધી ચોકથી યાસ્મીનને તેના ભાઈની કારમાં બેસાડીને તેના વતનમાં મોકલી હતી.
આ પણ વાંચોઃ હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા પહોંચેલા મુસ્લિમ યુવકને વકીલોએ માર્યો
યાસ્મીનના ગયા પછી તેના પતિ સાંઈ તેજાએ તેને અને તેના પરિવારના સભ્યોને ફોન કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહીં. તેથી તેને કંઈક અજુગતુ બન્યાંની શંકા જતા તે તરત યાસ્મિનના પિતાના ઘરે પહોંચી ગયો હતો. પણ ત્યાં સુધીમાં યાસ્મિન આ દુનિયામાંથી જતી રહી હતી.
પિતા અને બહેનનો પુત્ર ફરાર
સાંઈ જ્યારે યાસ્મિનના ઘરે પહોંચ્યો ત્યારે તેને કશું મળ્યું નહોતું. તેણે પૂછપરછ કરતા તેને કહેવામાં આવ્યું કે યાસ્મિન ઘરે નથી, પછી કહ્યું કે તેણે આત્મહત્યા કરી લીધી છે. હાલ યાસ્મિનનો મૃતદેહ સરકારી હોસ્પિટલના શબઘરમાં છે. યાસ્મીનના પિતા શૌકત અલી અને તેની મોટી બહેનનો દીકરો લાલુ ફરાર થઈ ગયા છે. હાલ શંકાસ્પદ મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે અને ચિત્તૂરના ઇન્ચાર્જ ડીએસપી પ્રભાકરના નેતૃત્વમાં તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચોઃ હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા કોર્ટમાં પહોંચેલા મુસ્લિમ યુવકને હિંદુ સંગઠનોએ માર્યો