ગુજરાતની વિધાનસભાની ખાલી પડેલી બે બેઠકો પર આજે પેટાચૂંટણીનું મતદાન યોજાયું હતું. જેમાં કડી (અનુસૂચિત જાતિ) અનામત અને વિસાવદર બેઠક પર એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સમાપ્ત થઈ ગયું છે. આ બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ મુખ્ય ત્રણ પક્ષો વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો હતો. મતદાન પૂર્ણ થતાં ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયું છે. બંને બેઠકો પર સરેરાષ્ટ 55 ટકા જેટલું મતદાન થયું છે. હવે આગામી તા. 23મી જૂનના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
કડી બેઠક પર 294 મતદાન મથકો પર મતદાન યોજાયું
ગુજરાતની વિવિધ કારણોસર ખાલી પડેલી કડી (અનુસૂચિત જાતિ) અનામત બેઠક અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં કડી બેઠકના ભાજપના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીનું નિધન થતાં આ બેઠક ખાલી પડી હતી. જ્યારે વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવવા માટે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. જેના કારણે આ બેઠક ખાલી પડી હતી. જેથી કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા કડી અનામત અને વિસાવદર બેઠક માટે પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેના અંતર્ગત આજે આ બંને બેઠકો પર મતદાનની પ્રક્રિયા યોજાઇ હતી, જે પૂર્ણ થઈ ગઈ છે. વિસાવદર બેઠક માટે 297 મતદાન મથકો તો કડી બેઠક માટે 294 મતદાન મથકો પર મતદાન થયું હતું.
આ પણ વાંચો: સરકારી શાળામાં ભણતી 12 બહુજન વિદ્યાર્થીનીઓએ NEET પાસ કરી
પ્રાપ્ત થતી વિગતો મુજબ સાંજે પાંચ વાગ્યા સુધીમાં વિસાવદર બેઠક માટે સરેરાશ 54.61 ટકા અને કડી બેઠક માટે 54.59 ટકા જેટલું મતદાન થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપમાંથી કિરીટ પટેલ, કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા મેદાને ઉતર્યા છે. આમ, અહીં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. વિસાવદર બેઠકની રસપ્રદ બાબત એ છે કે, આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષના ઉમેદવાર પાટીદાર સમાજના છે. જો કે, આ બેઠક પર કુલ મળીને 16 ઉમેદવારો મેદાનમાં હતા, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં વિસાવદર બેઠક માટે 54.61 ટકા મતદાન નોંધાયું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. છે.
જ્યારે કડી (અનુસૂચિત જાતિ) અનામત બેઠક માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પ્રજા ડેમોક્રેટિક પાર્ટી સહિતના ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા છે, તો કોંગ્રેસના રમેશ ચાવડા, જ્યારે આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ગિરીશ કાપડિયા સહિત આઠ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો છે. ત્યારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કડી બેઠક માટે સરેરાશ 54.59 ટકા જેટલું મતદાન થયું હોવાના અહેવાલ મળ્યા છે.
કડીમાં બે જૂથ સામસામે આવ્યા
કડી અનામત વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મતદાન દરમિયાન બે જૂથ સામસામે આવતા મામલો ગરમાયો હતો. કડીના 134 ,154 બૂથ ઉપર બે જૂથ સામસામે આવી ગયા હતા. જેના કારણે મામલો ગરમાયો હતો. શહેરના શાંતાબેન માણેકલાલ પટેલ પ્રાથમિક શાળાના બુથ ઉપર બબાલના સમાચાર સામે આવ્યા છે. જેના બાદ ટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ગોપાલ ઈટાલિયાએ ચૂંટણી પંચની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા
ગુજરાતની વિસાવદર અને કડી અનામત બેઠક માટે આજે પેટાચૂંટણી યોજાઇ હતી. જેમાં અતિ મહત્વપૂર્ણ એવી વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી-‘આપ’ ત્રણેય માટે પ્રતિષ્ઠા માટેની બેઠક છે. ત્યારે વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ‘આપ’ના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. વિસાવદર બેઠકના તમામ બૂથો પરનું લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરાયા અંગે વિસાવદરના ‘આપ’ના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, શું ઇસીઆઇ (કેન્દ્રિય ચૂંટણી પંચ) એ આ સ્પષ્ટ ગેરરીતિને છુપાવવા માટે બધા બૂથનું લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરી દીધું છે?
આપ નેતા પ્રવીણ રામનું ફરીથી પોલીસ સાથે ઘર્ષણ
વિસાવદર વિધાનસભા બેઠકના થુંબાળા ગામે 15 થી 20 બહારની ગાડીઓએ આવીને બોગસ મતદાન કરવા પ્રયત્ન કર્યો હતો અને બૂથ એજન્ટને ઉપાડવા પ્રયત્ન કરાયો હતો, ત્યારે આમ આદમી પાર્ટી -‘આપ’ના નેતા પ્રવીણ રામ, રાજુભાઈ બોરખતરિયા, પિયુષ પરમાર અને કરણ બારોટે થુંબાળા ગામે પહોંચ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણ કર્યુ હતું. ‘આપ’ના નેતા પ્રવીણ રામે પોલીસ સામે એવો આક્ષેપ કર્યો હતો કે, ‘આપ’ના કાર્યકરોને ગમે ત્યાંથી પોલીસ દ્વારા ઉપાડી લેવામાં આવ્યા તો પછી ભાજપની બહારની 15 ગાડીઓ વિસાવદર વિધાનસભામાં ફરી રહી હોવા છતાં પોલીસ એમની અટક કરતી કેમ નથી? એટલું જ આ મામલે મહત્વપૂર્ણ છે કે, બૂથ એજન્ટ દ્વારા આ ઘટના બાબતે લેખિતમાં ફરિયાદ કરાઇ છે.
આ પણ વાંચો: જાતિ પૂછી કોંગ્રેસના દલિત નેતા પર 60 લોકોનો તલવાર-દંડાથી હુમલો