વર્ષ 2014 બાદ દેશભરમાં સતત હિંદુત્વવાદીઓ મુસ્લિમો અને દલિતોને ટાર્ગેટ કરી રહ્યાં છે. કાયદો વ્યવસ્થા જાણે આવા તત્વોના બાપાની જાગીર હોય તેમ છાશવારે નિર્દોષ દલિતો, આદિવાસી અને મુસ્લિમોને કાયદા કે પોલીસના ડર વિના ટાર્ગેટ કરવામાં આવે છે અને બિનસાંપ્રદાયિક દેશની સરકાર મીંઢું મૌન જાળવીને આવા તત્વોને આડકતરી રીતે પ્રોત્સાહન આપી રહી છે, કોમી એકતાનું વાતાવરણ સંપૂર્ણપણે ડહોળી સતત ધ્રુવીકરણ કરવાની તક શોધવામાં આવી રહી છે ત્યારે દલિત અને મુસ્લિમ સમાજની એકતાને વધુ મજબૂત કરતું ઉદાહરણ ખેડા જિલ્લાના માતર તાલુકામાંથી સામે આવ્યું છે. જ્યાં એક દલિત યુવકે છેલ્લાં 40 વર્ષથી પોતાને રાખડી બાંધતી મુસ્લિમ બહેનની દીકરીના લગ્નમાં 200 લોકો સાથે હાજર રહીને મામેરું ભર્યું હતું.
આ પણ વાંચોઃ દિલ્હીમાં દલિત અને મુસ્લિમ મતદારો કોંગ્રેસથી કેમ દૂર રહ્યા?
ઘટના ખેડા જિલ્લા (Kheda District) ના માતર તાલુકા (matar Taluka) ના ઉંઢેલા ગામ (undhela village ) ની છે. અહીં દલિત સમાજ (Dalit Community) માંથી આવતા દિનેશભાઈ પરમારે તેમને 40 વર્ષથી રાખડી બાંધતા આરેફાબહેનની દીકરીના લગ્નમાં 200 મહેમાનો સાથે મામેરું ભર્યું હતું. ચિખોદરા ગામમાં પાડોશી તરીકે રહેતા મુસ્લિમ વ્હોરા પરિવારના દીકરી આરેફાબેન કિશોરાવસ્થાથી જ દિનેશભાઈને રાખડી બાંધતા આવ્યા છે. આરેફાબેન બાદમાં આણંદ સ્થળાંતર કરી ગયા હતા અને બાદમાં તેમના લગ્ન ખેડા જિલ્લાના માતર તાલુકાના ઉંઢેળા ગામના રઝાકભાઈ વ્હોરા સાથે થયા હતા. જો કે એ પછ પણ દિનેશભાઈ અને આરેફાબહેન વચ્ચે ભાઈબહેનનો સંબંધ જળવાઈ રહ્યો હતો.
ગઈકાલે આરેફાબેનની દીકરી તયબાહના લગ્ન પ્રસંગે દિનેશભાઈ તેમના 200થી વધુ સગા-સંબંધીઓ સાથે મામેરું લઈને પહોંચ્યા હતા. મુસ્લિમ પરિવારે દિનેશભાઈ સહિતના મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આરેફાબેનના ભાઈ અને આણંદ નગરપાલિકાના પૂર્વ ઉપનેતા ઈલ્યાસ આઝાદ પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આજના સમયમાં જ્યારે ધર્મના નામે વિવાદો થઈ રહ્યા છે, ત્યારે આવા પ્રસંગો સમાજ માટે પ્રેરણારૂપ છે અને કોમી એકતાનો સંદેશ આપે છે.
આ પણ વાંચોઃ જો ઘોડી કે ડીજે સાથે જાન લઈને આવ્યા તો નીચે ઉતારીશું…’