ગુજરાત સહિત દેશભરમાં ક્રાંતિસૂર્ય જ્યોતિબા ફૂલેના જીવન પર આધારિત ફિલ્મ ‘ફૂલે’એ બહુજન સમાજમાં નવું જોમ ભરી દીધું છે ત્યારે હવે મનુવાદી તત્વોએ જ્યોતિબા ફુલેની પ્રતિમાઓને પણ ખંડિત કરવાનું શરૂ કરી દીધું છે.
એમપીના દબોહનગરની ઘટના
આવી જ એક ઘટના મધ્યપ્રદેશના દબોહનગરમાં બની છે. અહીં કેટલાક અસામાજિક તત્વો દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઘટનાને લઈને ઓબીસી મહાસભાએ રોષ વ્યક્ત કર્યો છે અને જો પોલીસ આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં કરે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
મધરાતે પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરી
મળતી માહિતી મુજબ, શુક્રવારે રાત્રે દબોહ શહેરના બાયપાસ પર સ્થિત મહાત્મા જ્યોતિબા ફૂલેની પ્રતિમાને કોઈ અસામાજિક તત્વોએ ક્ષતિગ્રસ્ત કરી નાખી હતી.
આ પણ વાંચો: દલિતોએ સવારે ડૉ.આંબેડકરની પ્રતિમા સ્થાપી, મનુવાદીઓએ રાત્રે તોડી નાખી
જ્યારે ઓબીસી મહાસભાના સભ્યોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પ્રતિમાને નુકસાન પહોંચાડનાર આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાવી. તેમણે વધુમાં જણાવ્યું કે, જો સાત દિવસમાં મહાત્મા જ્યોતિબા ફૂલેની નવી પ્રતિમા સ્થાપિત કરવામાં નહીં આવે તો અમે મોટા પાયે આંદોલન કરીશું.
ઓબીસી મહાસભાની આંદોલનની ચિમકી
OBC મહાસભાના રાજ્ય કાર્યકારી પ્રમુખ યોગેન્દ્ર સિંહ બઘેલ, જિલ્લા પ્રમુખ એડવોકેટ દેવેન્દ્ર કુશવાહા અને બ્લોક પ્રમુખ શિવમ રજકે જણાવ્યું હતું કે મહાસભા આ ઘટનાની નિંદા કરે છે. જો પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહાસભા દ્વારા આંદોલન કરવામાં આવશે.
પોલીસે શું કહ્યું?
દબોહના પીઆઈ રાજેશ શર્માએ જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતા અને લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિઓ સામે FIR દાખલ કરવામાં આવી છે. તપાસ બાદ આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચો: મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?