Kamala Harris એ રાજનીતિ કેમ છોડીઃ મજબૂરી કે રણનીતિ?

Kamala Harris - અમેરિકાની પહેલી ભારતીય મૂળની શ્યામવર્ણી મહિલા ઉપરાષ્ટ્રપતિએ રાજનીતિ કેમ છોડી, આ મજબૂરી છે કે રણનીતિ? જાણો તેની પાછળની કહાની.
Kamala Harris
ચંદુ મહેરિયા

Kamala Harris અમેરિકાના પહેલા ભારતીય મૂળના, શ્યામવર્ણી, મહિલા ઉપરાષ્ટ્રપતિ હતાં. તેઓ સાન ફ્રાન્સિસકોના પહેલાં બ્લેક મહિલા ડિસ્ટ્રીક્ટ એટર્ની અને કેલિફોર્નિયાના એટર્ની જનરલ હતાં. તેઓ યુ.એસ.એ.ના બીજા અશ્વેત મહિલા સેનેટર હતાં. ૨૦૨૪માં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રેસિડન્ટ ઈલેકશનના મુકાબલામાં આ ડેમોક્રેટ ઉમેદવારે કહ્યું હતું કે આ પદ પર કદાચ હું પહેલી મહિલા હોઈ શકું છું. પરંતુ  અંતિમ નહીં હોઉં. હા, વાત છે કમલા હેરિસની. અમેરિકાના પૂર્વ વાઈસ પ્રેસિડન્ટની. અમેરિકાના પહેલાં મહિલા રાષ્ટ્રપતિ બનવાની જેમનામાં અપાર સંભાવના જોવાતી હતી તે કમલા હેરિસની તાજેતરની સત્તાના રાજકારણથી નિવૃતિની જાહેરાત આંચકો આપનારી છે તો તેના કારણો ચિંતા ઉપજાવનારા છે.

સાઠ વરસના ભારતીય માતા અને જમૈકીય પિતાના દીકરી કમલા (જન્મ ૨૦.૧૦.૧૯૬૪) કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં જન્મ્યાં હતાં.હાવર્ડ અને કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું.આફ્રિકી અમેરિકી કર્મશીલો અને બૌધ્ધિકોની વચ્ચે તેમનો ઉછેર થયો હતો. માતા-પિતાના છૂટા પડ્યા પછી એકલ માતાના સંતાન તરીકે પણ તેમનામાં આકાશ જ સીમા છે નો માબાપે રોપેલો વિશ્વાસ જીવંત હતો. એટલે કાયદાના સ્નાતક બનીને કમલા હેરિસે વકીલાતનો આરંભ કર્યો ત્યારે પબ્લિક પ્રોસિક્યુટર તરીકે પણ જુદો માર્ગ અપનાવ્યો. જેણે તેમને વિવાદ અને લોકપ્રિયતા બંને અપાવ્યા હતા.

Kamala Harris

આ પણ વાંચો:  શું ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને પગાર મળવો જોઈએ?

૨૦૦૪માં એક ક્રિમિનલ ગેંગના સભ્યે પોલીસને ગોળી મારી મારી નાંખ્યો. આ ઘટનાથી આક્રોશિત લોકોએ હત્યારાને મોતની સજાની માંગ કરી હતી.પરંતુ ટ્રાયલ દરમિયાન સરકારી વકીલ કમલાએ અદાલતમાં મોતની સજાની પ્રે જ કરી નહીં. તેથી તેમનો વ્યાપક વિરોધ થયો.પરંતુ તેઓ પોતાની વાતને વળગી રહ્યાં.તેઓ સજા કરતાં ગુના રોકવામાં માનતા હતા. ભારે સજાથી ગુના રોકી શકાશે નહીં એટલે ન્યાય વ્યવસ્થામાં સજાને બદલે ગુના ઘટે તેવા ન્યાયિક સુધારાના તે તરફદાર હતા.

૨૦૧૫માં કેલિફોર્નિયા સ્ટેટના ગવર્નર અને અમેરિકી સેનેટનું સભ્યપદ બે પૈકી એકની પસંદગી કરવાનું આવ્યું ત્યારે કમલાની સહજ પસંદ સેનેટર થવાનું હતું. એમ કરીને રાષ્ટ્રીય રાજનીતિ તેમની પ્રાથમિકતા હોવાનું દર્શાવ્યું હતું. સેનેટર બનીને તેમણે રાષ્ટ્રીય મંચની તક ઝડપી જે તેમને અમેરિકાના પ્રેસિડન્ટના ઈલેકશનના ઉમેદવાર સુધી લઈ ગઈ હતી. ધારાશાસ્ત્રી તરીકેની કારકિર્દી દરમિયાન તેઓ શરૂઆતમાં હત્યા, યૌન ઉત્પીડન, લૂંટ અને ચોરીના કેસો લડ્યા હતા. નાના અને અહિંસક ગુનાઓની મોટી સજાના તેઓ કાયમ વિરોધી રહ્યા.

રાજનેત્રી કમલા હેરિસે હથિયારો પર પ્રતિબંધ, આરોગ્ય સેવાઓમાં સુધારો, યૌન ઉત્પીડન રોકવું, પ્રગતિશીલ કર સુધાર, ડ્રીમર્સને નાગરિકતા જેવા કાર્યો માટે પ્રયાસો કર્યા હતા. જો બાઈડેનના ડેપ્યુટી તરીકે તેમણે મોંઘવારી ઘટાડવા સંબંધી કાયદો ઘડવામાં અગ્ર ભૂમિકા ભજવી હતી. ડોકટરોએ લખેલી દવાઓના ભાવોમાં ઘટાડો અને ઈન્સ્યુલિનની નિર્ધારિત રકમ તેમણે નક્કી કરાવી હતી. પૂર્વે ૨૦૦૭-૦૮માં મોટી અમેરિકન બેંકોને નાણાંકીય સંકટમાં ફસાયેલા લોકોને અપાતી રાહતમાં વધારાની તેમણે ફરજ પાડી હતી. સજા કે દંડ વ્યવસ્થામાં ફેરફાર અર્થાત અપરાધિક ન્યાય પ્રણાલીમાં સુધારો એડવોકેટ કમલાનું ધ્રુવ કાર્ય હતું. તેના પરથી તેઓ ક્યા અમેરિકી નાગરિકોના પક્ષે હશે તે જણાય છે.

૨૦૨૪માં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પ્રચારમાં કમલા હેરિસના ભાષણો અને વાયદાથી તેમની રાજનીતિ પરખાય છે. ગર્ભપાતના અધિકારનો સ્વીકાર અને એક સમાન પ્રજનન અધિકારો, મકાન અને ખાધ્ય પદાર્થોના ભાવોમાં ઘટાડો, ઉધ્યોગો, મોટી કંપનીઓ અને વાર્ષિક ચાર લાખ ડોલરની આવક ધરાવતા લોકો પરના ટેક્સમાં વૃધ્ધિ અને બાકીના કરદાતાઓ પરનો કર બોજ ઘટાડવો, ગાઝામાં યુધ્ધની સમાપ્તિ પણ યુધ્ધગ્રસ્ત યુક્રેનને મદદ જારી રાખવી જેવા વચનો તેમણે આપ્યા હતા કે આ મુદ્દે તેમના વિચારો સ્પષ્ટ કર્યા હતા. જોકે આયાત જકાત(ટેરિફ) અંગેના તેમના વિચારો વર્તમાન અમમેરિકી પ્રમુખ જેવા જ હતા. હરીફ ઉમેદવાર ટ્રમ્પ અમેરિકાને મહાન બનાવવાનું વચન આપતા હતા ત્યારે કમલાબહેન એકવીસમી સદી અમેરિકાની હશે, ચીનની નહીં તેમ કહી જરા જુદી રીતે અમેરિકાની મહાનતાનું ગાણું ગાતા હતા. પ્રેસિડન્ટ ઈલેકશનમાં હાર પછી તેમણે જંગ જારી રહેવાનું એલાન કર્યું હતું.

આ પણ વાંચો: Golden Visa: અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ…

કમલા હેરિસના માવતર જ્યારે છૂટા પડ્યા ત્યારે તેમની વચ્ચે ભૌતિક ચીજ વસ્તુઓના બટવારા માટે કોઈ ઝઘડો થયો નહોતો.પરંતુ મઝિયારા પુસ્તકોની વહેંચણી માટે તે જરૂર ઝઘડતા હતા. આવા માબાપનું સંતાન વાચક અને લેખક ન હોય તો જ નવાઈ! ટ્રમ્પ શાસનના પહેલા કાર્યકાળના મધ્ય ભાગમાં લખાયેલું અને ૨૦૧૯માં પ્રગટ થયેલું કમલા હેરિસનું પ્રથમ પુસ્તક ધ ટ્રુથ વી હોલ્ડ: એન અમેરિકન જર્ની હતું. કમલા હેરિસના સરકારી વકીલ અને સેનેટર તરીકેના અનુભવોનું તેમાં બયાન છે અને તેમનું રાજકીય ઘોષણાપત્ર પણ છે. અમેરિકામાં પ્રવર્તતા રંગભેદના ભયાનક સ્વરૂપ, ન્યાય વ્યવસ્થા અને આરોગ્ય સેવાને સમજવા-જાણવા આ પુસ્તક ઉપયોગી છે. નાગરિક અધિકાર આંદોલનના દૌરમાં જન્મેલા અને બ્લેક લાઈવ્સ મેટર આંદોલનના ઉદય કાળમાં રાજનીતિમાં રહેલા કમલા હેરિસની બીજી કિતાબ ૧૦૭ ડેઝ  આ મહિને પ્રગટ થવાની છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના ૧૦૭ તણાવપૂર્ણ દિવસોની અંદરની વાતો આ પુસ્તકમાં લેખિકાએ વર્ણવી છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીના પરાજય પછી પણ કમલા સક્રિય હતા અને ડેમોક્રેટને નેત્તૃત્વ આપી રહ્યાં હતાં. ૨૦૨૬ની કેલિફોર્નિયાના ગવર્નરની ચૂંટણીના તેઓ ઉમેદવાર બનવાના હતા. આ માટેની તૈયારીઓ પણ ચાલતી હતી. એ સંજોગોમાં તેમણે ધ લેટ નાઈટ શો વિથ સ્ટીફન કોલ્બર્ટમાં  રાજનીતિથી અલવિદાની ઘોષણા કરીને સૌને ચોંકાવી દીધા છે. કમલા હેરિસે તેના કારણો જણાવતાં કહ્યું છે કે મારા મનમાં છેલ્લા છ-આઠ માસથી લોકોની સેવા કઈ રીતે કરવી તેની વિચારણા ચાલતી હતી. અંતે મને લાગ્યું છે કે હવેથી હું કેલિફોર્નિયાના ગવર્નરના પદથી લઈને કોઈપણ પદ માટે ચૂંટણી નહીં લડું. કારણ? તેમને લાગ્યું છે કે અમેરિકાની રાજકીય વ્યવસ્થા પડી ભાંગી છે અને તેઓ લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે પૂરતાં મજબૂત નથી.

દેશમાં જે સિસ્ટમ છે તેમાં પરિવર્તન લાવવાની તાકાત તેમનામાં બચી નથી. તેમણે આ મુદ્દે ખૂલીને એમ પણ કહ્યું છે કે ટ્રમ્પ શાસનમાં મેડિકેટમાં કાપ, અદાલતી ચુકાદાઓને નજરઅંદાજ કરવા, સંસ્થાઓને નબળી પાડવી કે તેનો રાજકીય ઉપયોગ કરવો અને અમીરો પરના કરવેરામાં મોટાપાયે ઘટાડો જેવાં પગલાં અમેરિકાને કેમ કનડતાં નથી? જે લોકો પોતાને અમેરિકી લોકતંત્ર અને સિસ્ટમના રક્ષક માને છે તેમણે આત્મસમર્પણ કરી દીધું છે અને મેં અમેરિકામાં આ પહેલા  આવી સ્થિતિ કદી જોઈ નથી. અમેરિકી લોકતંત્રનું તળિયું દર્શાવતા ટ્રમ્પશાસન સામેનું આ તહોમત નામુ નથી તો શું છે બીજું?

આ પણ વાંચો: ‘ગુજરાતી અટકોનો ઈતિહાસ’ પુસ્તકમાં દલિતો વિશે શું લખાયું છે?

કમલા હેરિસની અમેરિકન મીડિયાએ એક સમયે લેડી ઓબામાની છબી ઉભી કરી હતી. તેઓ બરાક ઓબામાનો વારસો આગળ વધારશે એવી વાતોના પ્રત્યુત્તરમાં  કમલાબહેને કહ્યું હતું કે મારો ખુદનો વારસો છે. મારે બીજા કોઈના વારસાને આગળ નથી વધારવાનો. તો પછી મજબૂત નેતાની છાપ ધરાવતાં કમલા હેરિસનો સત્તાકારણ ત્યાગનો નિર્ણય કેમ?  હાલ તો આપણે એ વાતે આશ્વસ્ત છીએ કે કમલા હેરિસે રાજનીતિ છોડી છે, જાહેર જીવન નહીં. સત્તાકારણ છોડ્યું છે, લોકકારણ નહીં. તેઓ હવે દેશભરમાં ફરશે. લોકોને મળશે. લોકો પાસે મત નહીં માંગે પણ તેમની વાત સાંભળશે.

રાજનીતિ ત્યાગનું કમલા હેરિસનું પગલું આક્રમક ટ્રમ્પ સામે આત્મસમર્પણ છે કે પછી બે ડગલાં પાછળ હઠી સમય આવ્યે છલાંગ લગાવવાની રણનીતિ છે તે હાલ કલ્પવું મુશ્કેલ છે. હિલેરી ક્લિન્ટન, કમલા હેરિસ અને મિશેલ ઓબામા અમેરિકાના પહેલા મહિલા પ્રેસિડન્ટ બનવાની પ્રતિભા, ક્ષમતા, સામર્થ્ય અને સંભાવના ધરાવતા રાજનેત્રીઓ છે. હિલેરી અને હેરિસના પારોઠના પગલાં પછી મિશેલ માટે તક છે?

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચો: બેંકોના રાષ્ટ્રીયકરણના સાડા પાંચ દાયકાઃ દલિતોને શું મળ્યું?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x