કેરળ હાઈકોર્ટ (Kerala High Court)ના ન્યાયાધીશ વી.જી. અરુણે (Justice VG Arun) કહ્યું કે ધર્મ અને જાતિની ઓળખથી મુક્ત થઈને ઉછરી રહેલા બાળકો જ ભવિષ્યની આશા છે. તેમણે કહ્યું કે આવા બાળકો મોટા થઈને નિડર થઈ સમાજની રૂઢિઓને પડકાર ફેંકશે. જસ્ટિસ વી.જી.અરૂણ કેરળ યુક્તિવાદી સંગમ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, જસ્ટિસ વી.જી. અરુણે એવા માતાપિતાની પ્રશંસા કરી જેઓ કોઈપણ ધાર્મિક કે જાતિગત ઓળખ વિના પોતાના બાળકોને ઉછેરી રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું, હું તે બધા લોકોની પ્રશંસા કરું છું જેઓ તેમના બાળકોને શાળામાં મોકલે છે અને તેમને ધર્મ કે જાતિ સાથે જોડ્યા વિના શિક્ષિત કરે છે. આ બાળકો આવતીકાલની આશા છે. આ બાળકો ભવિષ્યમાં સમાજના વિરોધ છતાં નિડર થઈને યોગ્ય પ્રશ્નો પૂછશે.
આ કાર્યક્રમ પ્રખ્યાત રેશનાલિસ્ટ અને લેખક પાવનનની યાદમાં યોજાયો હતો. કાર્યક્રમમાં લેખક વૈશાખનને રેશનલ વિમર્શમાં તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ અરુણે આ કાર્યક્રમમાં પવનન અને વૈશાખનના યોગદાનની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે આ લોકોએ તેમના જીવનમાં તર્ક અને ધર્મનિરપેક્ષતા અપનાવવા માટે જાતિની અટક છોડી દીધી હતી.
આ પણ વાંચો: હાઈકોર્ટોમાં નિયુક્ત થયેલા 715 જજોમાંથી ફક્ત 22 જજો SC
આ દરમિયાન જસ્ટિસ અરુણે તેમના પિતા ટીકેજી નાયરનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના પિતા લેખક, રાજકારણી અને સામાજિક કાર્યકર હતા. તેમણે જણાવ્યું હતું કે પવનનથી પ્રભાવિત તેમના પિતા ‘અનિલન’ ઉપનામથી લખતા હતા. પવનનનું મૂળ નામ ગોપીનાથન નાયર હતું.
વર્ષ 2022માં જસ્ટિસ વીજી અરુણે પોતાના એક ચૂકાદામાં ધાર્મિક ઓળખ વિના ભારતમાં રહેવાના અધિકારને સમર્થન આપ્યું હતું. આ નિર્ણય વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના મામલામાં આપવામાં આવ્યો હતો. આ વિદ્યાર્થીઓએ બારમા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. અને કોલેજમાં પ્રવેશ માટે બિન-ધાર્મિક કેટેગરીમાં પ્રમાણપત્રની માંગ કરી રહ્યા હતા.
ન્યાયાધીશ અરુણે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે ધર્મનિરપેક્ષતાનો ઉદ્દેશ્ય આખરે વર્ગવિહીન (જાતિ અને ધર્મથી પરે) સમાજ બનાવવાનો છે. તેમણે કહ્યું કે આ વિદ્યાર્થીઓના સંકલ્પને ધર્મનિરપેક્ષતાના બંધારણીય ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા તરફનું એક સાહસિક પગલું ગણી શકાય.
આ પણ વાંચો: માથે મેલું પ્રથા નાબૂદ કરવા નક્કર રૂપરેખા તૈયાર કરો: હાઈકોર્ટ