આભડછેટનો અનુભવઃ મારું ગામ અમરાપુર(ગીર) એ માત્ર એક ગામ નથી, પણ દસ-બાર જ્ઞાતિઓનો એક સમૂહ છે, જ્યાં અમે વર્ષોથી ભાઈચારાની વાતો વચ્ચે શ્વાસ લઈએ છીએ. પણ શું એ ખરેખર ભાઈચારો હતો? કે પછી તે માત્ર એક દેખાડો હતો? વર્ષ 2024માં બનેલી એક ઘટનાએ મારા સહિત મારા ગામના સમગ્ર દલિત સમાજને હકીકતથી વાકેફ કરાવી દીધા હતા. અસ્પૃશ્યતાનો જે ઝેરીલો ડંખ મેં અને મારા સમાજે અનુભવ્યો, તેની કડવાશ અને પીડા આજે પણ મને રાત્રે સૂવા નથી દેતી. આ પીડા કોઈ શારીરિક ઈજાની નથી, પણ મારા આત્મસન્માન પર લાગેલો એવો ઘા છે, જે ક્યારેય રુઝાશે નહીં.
ઘટનાની શરૂઆત ત્યારે થઈ, જ્યારે સમસ્ત ગામ દ્વારા વર્ષો જૂના રામ મંદિરના જીર્ણોદ્ધાર અને પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થયું. આમ તો દલિત સમાજ ધીરેધીરે જાગૃત થઈ રહ્યો છે, પરંતુ આવી બાબતમાં તે સીધી વિરોધ કરી શકે તેવી સ્થિતિમાં નથી હોતો. ગુજરાતના અનેક ગામોની જેમ મારા ગામમાં પણ આ જ સ્થિતિ છે. જૂની પેઢીના વડીલોને ઈશ્વરમાં શ્રદ્ધા ખરી, પરંતુ અમે તો આંબેડકરવાદી, એટલે રસ ન પડે. છતાં મામલો સમાનતાનો હતો અને તેને લઈને અમે ખૂબ સભાન હતા. જો કે, ગામના મનુવાદી માનસિકતા ધરાવતા અમુક તત્વોની મેલી મુરાદ અમે પારખી ન શક્યા. રામ મંદિરને તેમણે મોહરું બનાવ્યું એમ કહેવા કરતા, હકીકતમાં તેમને વર્ષોથી દબાયેલી તેમની જાતિવાદી માનસિકતાને અંજામ આપવો હતો તેમ કહેવું વધુ યોગ્ય રહેશે.

આ પણ વાંચો: કલમ 144 નો મનસ્વી ઉપયોગ મૂળભૂત અધિકારોનું હનન છે
હદ ત્યારે વટી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરાવનાર ગામના એક બ્રાહ્મણ જાહેરમાં એમ કહી દીધું કે, “આ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જો દલિત સમાજ હાજર હશે, તો પ્રતિષ્ઠા અપવિત્ર થઈ જશે. દલિત સમાજ વગર જ આ વિધિ શક્ય છે.” આ શબ્દો કોઈ વ્યક્તિના નહોતા, પણ સદીઓ જૂની એ માનસિકતાના હતા જે આજે પણ માણસને માણસ નથી ગણતી. દુઃખ તો ત્યારે થયું જ્યારે ગામના પાંચ-પંદર ફૂટેલાં લોકો આ ષડયંત્રને ટેકો આપવા આગળ આવ્યા.

અપમાનનો સિલસિલો અહીં જ ન અટક્યો. સમસ્ત ગામના ફાળાના નામે ઘરે-ઘરે ઉઘરાણું થયું. ગામમાં વસતા તમામ નાના-મોટા સમાજનો ફાળો લેવામાં આવ્યો, એક કિન્નરનો ફાળો પણ હોંશે હોંશે લેવાયો, પણ જ્યારે દલિત સમાજની વાત આવી ત્યારે જાણે અમે કોઈ બીજા ગ્રહના હોઈએ તેમ અમારો ફાળો નકારવામાં આવ્યો. અમને આયોજનના કોઈ પણ કામમાં સહભાગી ન રખાયા. જાણે અમે આ ગામનો હિસ્સો જ ન હોઈએ! આભડછેટની આ તીવ્રતા એટલી ભયાનક હતી કે અમને અનુભવાયું કે અમે આઝાદ ભારતમાં નહીં, પણ કોઈ અંધકારમય યુગમાં જીવી રહ્યા છીએ. અમે કાયદાકીય લડત લડવાનું મન બનાવી લીધું હતું.
પરંતુ આ ઘટનાની જાણ જ્યારે ગામના સમજદાર લોકો સુધી પહોંચી, ત્યારે તેમણે અમને કાયદાકીય લડત ન આપવા સમજાવ્યા. તેમણે કહ્યું, “ગામનો પ્રસંગ છે, શાંતિ રાખો, અમે તમારી સાથે છીએ.” તેમની વાત માનીને અમે ધીરજ રાખી. અમે એ જાતિવાદી તત્વોને જાહેર મંચ પર પર્દાફાશ કરીને તેમને નીચાજોણું કરાવ્યું. પણ એ હંગામી જીત હતી, અસલી પીડા તો પછી શરૂ થઈ.
આ પણ વાંચો: IAS ટીના ડાબીને જાતિવાદી તત્વોએ સામાન્ય બાબતે ટ્રોલ કર્યા!
આજે જ્યારે પણ હું રામ મંદિર તરફ જાઉં છું, ત્યારે મારું હૃદય રડી પડે છે. મંદિરની દીવાલો પર લાગેલી આરસની તકતીઓમાં ગામના દાનવીરોના નામ કોતરાયેલા છે. એ નામાવલીમાં ગામની દરેક જ્ઞાતિનું નામ છે, પણ શોધવા છતાં ક્યાંય એક પણ દલિતનું નામ નથી મળતું. એ તકતી જાણે મારી સામે અટ્ટહાસ્ય કરી રહી હોય તેવું લાગે છે. તે તકતી ચીસો પાડીને કહી રહી છે કે, “તમે ગમે તેટલા ભણેલા હો, ગમે તેવા હોદ્દા પર હો, પણ તમે માત્ર એક દલિત જ છો.”
એક ગ્રામ પંચાયત સદસ્ય તરીકે જ્યારે હું ગામના વિકાસની વાત કરું છું, ત્યારે આ તકતી મને મારી હેસિયત બતાવતી હોય તેવું લાગે છે. શું અમારો રૂપિયો અપવિત્ર હતો? શું અમે માણસ નહોતા? ના, ખોટ તો પેલા લોકોની માનસિકતામાં હતી, જેમને ધર્મને નામે ઝેર ફેલાવવું હતું. આજે ગામમાં ઉપરછલ્લી શાંતિ છે, અમે બધા સાથે રહીએ છીએ, પણ એ શાંતિ પાછળ દલિતો અંદરને અંદર સળગતા રહે છે.
જ્યારે પણ કોઈ બાળક એ તકતી વાંચશે, ત્યારે તે શું શીખશે? એ જ ને કે આ સમાજમાં અમુક લોકોના નામ જ દીવાલ પર શોભે છે, દલિતોના નહીં. આભડછેટની આ પીડા તલવારના ઘા કરતા પણ વધુ ઊંડી છે. એ ઘા લોહી નથી કાઢતો, પણ આત્માને છિન્નભિન્ન કરી નાખે છે.
ખાણીયા કિરીટભાઇ માધાભાઈ
(સભ્ય- અમરાપુર ગીર ગ્રામ પંચાયત, તા. માળિયા હાટીના, જિ. જૂનાગઢ)
આ પણ વાંચો: ઢેઢનું કૂતરું બાપુના કૂતરાને રંજાડી જાય ઈ કેમ પાલવે? એટલે ભડાકે દીધું













