રક્ષકના વેશમાં જ્યારે ભક્ષકો બેઠા હોય ત્યારે સામાન્ય માણસની શું દશા થાય તેની આ વાત છે. ઘટના હરિયાણાના કુરુક્ષેત્રની છે. જ્યાં એક દલિત યુવકને પોલીસે કસ્ટડીમાં લઈને તેના ગુપ્તાંગમાં લાકડી ઘૂસેડી દેતા યુવક બેભાન થઈ ગયો હતો. હવે તેની પત્નીએ પોલીસ સામે ફરિયાદ નોંધાવી છે.
મામલો હરિયાણાના ઈસ્માઈલાબાદ પાસેના એક ગામનો છે. અહીં એક દલિત યુવકે પોલીસ પર આરોપ લગાવ્યો છે કે પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં નગ્ન કરી માર માર્યો અને તેના ગુપ્તાંગમાં લાકડી ઘુસાડી દીધી. જ્યારે તે બેહોશ થઈ ગયો, ત્યારે તેને ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. યુવકની પત્નીએ કુરુક્ષેત્રના SP નીતિશ અગ્રવાલને 3 પોલીસકર્મીઓ અને એક પાડોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે.
યુવકની પત્નીના જણાવ્યું કે, ઝઘડો 30 જુલાઈએ શરૂ થયો હતો. રાત્રે શેરીમાં કૂતરા ભસતા હતા. અવાજ સાંભળીને મારા પતિ બહાર આવ્યા અને કૂતરાને પથ્થર ઉપાડીને માર્યો. પથ્થરથી પાડોશીની બારીના કાચ તૂટી ગયા. મેં એ બદલ માફી પણ માંગી, પરંતુ પાડોશીએ 112 નંબર ડાયલ કરી પોલીસને બોલાવી. પોલીસ મારા પતિને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ.
યુવકની પત્નીએ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા
દલિત યુવકની પત્નીએ પોલીસ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, પોલીસકર્મીઓએ મારા પતિને ગાડીમાં બેસાડીને લઈ જવાને બદલે ઢસડીને નીચે પાડી દીધા. તેઓ તેમને માર મારતા મારતા પોલીસ સ્ટેશન લઈ ગયા. એ પછી પોલીસ સ્ટેશનમાં તેમને નગ્ન કરી, તેના હાથ-પગ બાંધી દીધા અને લાકડીઓથી માર મારવાનું શરૂ કર્યું.
આ પણ વાંચો: કડીના બુડાસણમાં 21 વર્ષના દલિત MBA યુવક પર 5 રબારીઓનો હુમલો
મહિલાએ આરોપ લગાવ્યો કે એક પોલીસકર્મીએ તેના પતિના ગુપ્તાંગમાં લાકડી ખોસી દીધી. જેના કારણે તેમના ગુપ્તાંગમાંથી વધુ પડતું લોહી વહેવાને કારણે તે બેભાન થઈ ગયા. ત્યારબાદ આરોપી પોલીસકર્મીઓ તેમને તબીબી તપાસ માટે સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. અહીં પોલીસે તેના પતિને ધમકી આપી હતી કે, જો ડોક્ટરને કંઈ કહ્યું તો નહેરમાં ડૂબાડીને મારી નાખીશું. ત્યારબાદ તેઓ તેને પોલીસ સ્ટેશન લાવ્યા અને ફરી લાકડીથી માર મારવાનું શરૂ કર્યું.
ફરિયાદ આપવા બદલ ધમકી આપી
મહિલાએ એમ પણ કહ્યું કે આરોપી પોલીસકર્મીઓએ તેના પતિ પાસેથી કોરા કાગળો પર સહી પણ કરાવી લીધી હતી. માહિતી મળ્યા પછી, હું સવારે મારા પતિને લેવા પોલીસ સ્ટેશન પહોંચી, પરંતુ તેઓ ચાલી શકતા ન હતા. હુમલાને કારણે તેમનો હાથ પણ તૂટી ગયો હતો. પોલીસ સ્ટેશનથી આવતી વખતે પોલીસે ફરિયાદ આપવા બદલ ફરીથી ધમકી આપી હતી.
યુવકની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
યુવકની પત્નીએ વધુમાં કહ્યું કે ઘરે આવ્યા પછી, મારા પતિએ મને આખી વાત જણાવી. ત્યારબાદ મેં 3 ઓગસ્ટના રોજ મારા પતિની મેડિકલ તપાસ કરાવી. જોકે, 3-4 દિવસ પછી ડોક્ટરોએ મેડિકલ કરવાનો ઇનકાર કરી દીધો, પરંતુ એફિડેવિટ આપ્યા પછી ડોક્ટરોએ મેડિકલ કરાવ્યું. હાલમાં, મારા પતિની સારવાર કુરુક્ષેત્રની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે.
પોલીસે શું કહ્યું?
સમગ્ર મામલે ઇસ્માઇલાબાદ પોલીસ સ્ટેશનના SHO રાજેશ કુમારે જણાવ્યું કે બબાલ થયાની માહિતી મળતાં, પોલીસ ગામમાં પહોંચી હતી. અને પડોશીનો કાચ તોડી નાખનાર દલિત યુવકને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યો હતો. અહીં આરોપી સામે BNS 172 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. બીજા દિવસે ફરિયાદી અને આરોપી વચ્ચે સમાધાન થયું હતું. તે જ દિવસે પોલીસે તેને પરિવારને સોંપી દીધો હતો.
માર મારવાની કોઈ ઘટના બની નથીઃ પોલીસ
SHO એ વધુમાં કહ્યું કે યુવકને માર મારવાની કોઈ ઘટના બની નથી. આ આરોપો ખોટા છે. 4 ઓગસ્ટે ફરિયાદ આપવામાં આવી હતી અને 3 ઓગસ્ટે મેડિકલ કરાવવામાં આવ્યું હતું, જ્યારે પોલીસે 30 જુલાઈએ આરોપીને કસ્ટડીમાં લીધો હતો. આ સમય દરમિયાન ફરિયાદી પોલીસ સમક્ષ કેમ ન આવ્યો અને તેણે ફરિયાદ કેમ ન આપી.
રાજેશ કુમારે જણાવ્યું હતું કે 30 જુલાઈએ, પોલીસની ટીમે આરોપીને કસ્ટડીમાં લીધો હતો. તેના 5 દિવસ પછી ફરિયાદ આપવામાં આવી હતી. આ સમય દરમિયાન પણ તે અકસ્માતનો ભોગ બન્યો હશે અથવા ઘાયલ થયો હશે. જોકે, આ તપાસનો વિષય છે. હવે ફરિયાદ આપવામાં આવી છે, તેની પણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: પત્રકાર જગદીશ મહેતા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી થશે?