બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે સ્ટેટ મોનિટરીંગ સેલમાં ફરજ બજાવતા પીઆઈના માતાપિતાની ઘાતકી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. હત્યાઓ કોઈ બહારના નહીં પરંતુ ગામના જ લોકો હતા અને તેઓ પીઆઈના જ સમાજના નીકળ્યા છે. બીજી મહત્વની વાત એ સામે આવી છે કે, આરોપીઓએ અંધશ્રદ્ધાથી પ્રેરાઈને આ હત્યાને અંજામ આપ્યો હતો. હત્યારાઓનો પડોશી, જે કાળો જાદુ જાણતો હોવાનો દાવો કરી રહ્યો હતો, તેણે આરોપીના મનમાં એવું ઠસાવી દીધું હતું કે, કોઈની હત્યા કરીને તેના સોનાનાં દાગીના લાવીને વિધિ કરવામાં આવે તો વધુ ધનપ્રાપ્તિ થશે. આ અંધશ્રદ્ધાથી પ્રેરાઈને આરોપીઓએ એસએમસી પીઆઈના માતાપિતાની હત્યા કરી હતી.
મામલો શું હતો ?
બનાસકાંઠાના લાખણી તાલુકાના જસરા ગામે તા. 15 જૂન 2025ની મધરાતે અજાણ્યા શખ્સોએ સ્ટેટ મોનિટરીંગ સેલમાં ફરજ બજાવતા પીઆઈના ઘરમાં ઘૂસીને તેમના માતાપિતાની હત્યા કરી નાખી હતી. આરોપીઓએ મુખ્ય દરવાજાનું તાળું તોડી વૃદ્ધ દંપતી પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ હોશીબેનના શરીર પરના રૂ. 2.50 લાખની કિંમતના દાગીના લૂંટીને ફરાર થઇ ગયા હતા. પોલીસે આ કેસની તપાસ માટે એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સ્કોડ અને સ્થાનિક પોલીસની કુલ 9 ટીમો બનાવી હતી. તપાસ દરમિયાન FSL, ફિંગરપ્રિન્ટ, ડોગ સ્કોડનો સહારો લેવામાં આવ્યો હતો.
પોલીસે આસપાસના 80થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી. આ ઉપરાંત નજીકના સોલાર પ્લાન્ટ અને અન્ય સ્થળોએ કામ કરતા 300થી વધુ મજૂરોની પૂછપરછ કરવામાં આવી હતી. 112 પોલીસકર્મીઓની 9 ટીમો બનાવીને પોલીસે 36 કલાકમાં જ હત્યાની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. હત્યારાઓ નજીકના જ હોવાનું અનુમાન લગાવીને પોલીસે ચાર આરોપીને ઝડપ્યા હતા.
અવાજ ન આવે એ માટે ટ્રેક્ટ્રર ચાલુ રાખ્યું
બનાસકાંઠા પોલીસે આ મામલે ચાર આરોપીઓ સુરેશ પટેલ, સામળ પટેલ, ઉમા પટેલ અને દિલીપ ઠાકોરને ઝડપી લીધાં છે. આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર સુરેશ પટેલ છે, જે પોતે કાળો જાદુ જાણતો હોવાનો દાવો કરે છે. સુરેશે બાકીના ત્રણેય આરોપીઓમાં એવી અંધશ્રદ્ધા ફેલાવી હતી કે, કોઈ વ્યક્તિની હત્યા કરીને તેમના દાગીના લૂંટી લેવામાં આવ્યા બાદ તેની વિધિ કરવામાં આવે તો ધન પ્રાપ્તિ થઈ શકે છે. ત્રણેય આરોપીઓ તેની વાતમાં આવી ગયા હતા અને હત્યાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચો: ઉત્તરસંડાના યુવકના મોત બાદ તેને ગમતું બાઈક પણ સાથે દફનાવાયું
હત્યા સમયે મૃતકનો અવાજ કોઈ સાંભળી ન જાય તે માટે આરોપીઓએ ટ્રેક્ટર ચાલુ રાખીને મૂકી દીધું હતું. એ પછી ત્રણ આરોપીઓએ મળીને વૃદ્ધ દંપતીની હત્યા કરી હતી. હત્યામાં સુરેશે તેના ગુરૂ ભૂવાની પણ મદદ લીધી હતી. તેના ઘરે જઈને વિધી પણ કરી હતી અને પછી દાગીના અન્ય વ્યક્તિને સોંપી દીધા હતા.
કાળા જાદુના જાણકાર પર દેવું થઈ ગયું હતું
પોલીસની પ્રાથમિક વિગતમાં એ પણ સામે આવ્યું છે કે, પોતાને કાળા જાદુનો જાણકાર ગણાવતા સુરેશ પર ઘણું બધું દેવું પણ થઈ ગયું હતું. તે ભારે આર્થિક સંકડામણમાં હતો. તેણે ઘણા લોકોને ચેક પણ આપ્યાં હતા જે બાઉન્સ ન થાય તે માટે તેણે આ પગલું ભર્યું હતું.
પિતા-પુત્રએ મળીને સમગ્ર ષડયંત્ર રચ્યું
સુરેશ અને તેના પિતા શામળ પટેલ પર દેવું થઈ ગયું હોવાથી તેમણે પડોશમાં રહેતા દંપતીની હત્યા કરી લૂંટ ચલાવવાનું નક્કી કર્યું હતું. વૃદ્ધ દંપતી એકલા રહેતા હોવાથી તેમના ઉપર વોચ રાખી પિતાપુત્રે રેકી કરવાનું શરૂ કર્યું હતું. આ કાવતરામાં તેમણે તેમના મામા ઉમાભાઇ ચેલાજી (ચૌધરી) પટેલ તેમજ દીલીપજી ઠાકોર ઉર્ફે ભુવાજીનો પણ સાથ લીધો હતો. સુરેશ પટેલે તેના પિતા અને મામા સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. સુરેશ અને તેના પિતાએ દંપતીની હત્યા કરી હતી અને મૃતક હોશીબેનના પગમાં પહેરેલા કડા ન નીકળતા તેમના પગ કાપીને દાગીના લઈ લીધા હતા. આ સિવાય ઘરમાં તિજોરીમાં રાખેલ સરસામાનની પણ લૂંટ કરી હતી.
અંધશ્રદ્ધાથી પ્રેરાઈને ખૂન કર્યું, હવે બાકીની જિંદગી જેલમાં જશે
પોલીસે ચારેય આરોપીઓને રાઉન્ડઅપ કરીને તેમની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરેશ ચૌધરી અને તેના પિતાની હત્યા કરેલી વ્યક્તિના ઘરેણાં લૂંટીને વિધિ કરવામાં આવે તેવી અંધશ્રદ્ધાએ બે નિર્દોષ લોકોનો જીવ લીધો હતો. હવે બાકીની આખી જિંદગી જેલમાં સબડશે.
પકડાયેલા ચારેય આરોપીઓ
(1 સુરેશભાઇ શામળાભાઇ ચૌધરી, રહે.જસરા તા.લાખણી જી.બનાસકાંઠા
(2) શામળાભાઇ રૂપાભાઇ ચૌધરી, રહે.જસરા તા.લાખણી જી.બનાસકાંઠા
(3) ઉમાભાઇ ચેલાજી ચૌધરી, રહે.રામપુરા (દામા) તા.ડીસા જી.બનાસકાઠા
(4) દિલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભૂવાજી, રહે.રામપુરા (દામા) તા.ડીસા જી.બનાસકાઠા
આ પણ વાંચો: બનાસકાંઠાના લાખણીમાં SMC ના PI ના માતાપિતાની હત્યા