ધ્રાંગધ્રામાં મોહિન્દર મૌર્યના ભીમ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો

ધ્રાંગધ્રામાં સંત રવિદાસ જયંતિ નિમિત્તે યોજાયેલા ભીમ ડાયરામાં લોકપ્રિય બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય પર બહુજન સમાજે રૂ. 5 લાખનો વરસાદ કર્યો.
Mohinder Mauryas Bhim dayaro in Dhrangadhra

ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રાની ધરા પર જ્યારે ભક્તિ અને સામાજિક ચેતનાનો સમન્વય થાય છે ત્યારે દ્રશ્યો હંમેશા ઐતિહાસિક હોય છે. ગત 1લી ફેબ્રુઆરી 2026ના રોજ માઘ પૂર્ણિમાના પવિત્ર અવસરે, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે જગતગુરુ સંત રવિદાસ મહારાજની 649મી જન્મ જયંતિની અભૂતપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી. સિંધવ પરિવાર દ્વારા આયોજિત આ ‘ભવ્ય ભીમ ડાયરા’એ સમગ્ર પંથકમાં આકર્ષણ જમાવ્યું હતું.

બહુજન લોકસાહિત્યની રમઝટ બોલી, લાખોનો વરસાદ થયો

કાર્યક્રમના મુખ્ય આકર્ષણ જાણીતા બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય રહ્યા હતા. તેમની આગવી શૈલીમાં જ્યારે ભીમ ભજનો અને ક્રાંતિકારી બહુજન સાહિત્યની રજૂઆત શરૂ થઈ, ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા. આ અવસરે બહુજન સમાજના લોકોએ પોતાની શ્રદ્ધા અને ખુશી વ્યક્ત કરતા મોહિન્દર મૌર્ય પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. જોતજોતામાં આ રકમ રૂ. 5 લાખના આંકડાને પાર કરી ગઈ હતી. આ રકમ કોઈ પ્રદર્શન માટે નહીં, પરંતુ સમાજની અસ્મિતા અને સંતો પ્રત્યેના આદરભાવના પ્રતીક રૂપે ઉડાડવામાં આવી હતી, જે સમગ્ર ધ્રાંગધ્રા તાલુકામાં ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો: બહુજન સાહિત્યકાર વિશન કાથડના ‘જય જોહાર’ ગીતે ધૂમ મચાવી

આસપાસના 80 ગામોનો બહુજન સમાજ ઉપસ્થિત રહ્યો

આ ભીમ ડાયરામાં માત્ર ધ્રાંગધ્રા શહેર જ નહીં, પરંતુ આસપાસના અંદાજે 80 જેટલા ગામોમાંથી રોહિત સમાજ તેમજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યો હતો. હજારોની મેદનીએ એકસાથે બેસીને સંતવાણીનો આનંદ માણ્યો હતો. સિંધવ પરિવારના આ ભગીરથ પ્રયાસને સમાજના પ્રત્યેક વર્ગે આવકાર્યો હતો અને સૌએ પોતાની યથાશક્તિ મુજબ આર્થિક સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

મોહિન્દ મૌર્ય અને ડૉ.આનંદ મિત્રે રમઝટ બોલાવી

કાર્યક્રમમાં બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્યની સાથે સાથે ડૉ. આનંદ મિત્ર સાહેબની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમની ગરિમા વધારી હતી. ડૉ. આનંદ મિત્રએ પોતાના વક્તવ્ય દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર અને સંત રવિદાસના વિચારોને આજના યુગમાં કેવી રીતે પ્રાસંગિક બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાહિત્ય અને જ્ઞાનના આ સમન્વયે ઉપસ્થિત જનમેદનીમાં નવો ઉત્સાહ જગાડ્યો હતો.
ભીમ ડાયરો સામાજિક એકતા અને સમરસતાનો સંદેશ બન્યો

આ પણ વાંચો: વિશન કાથડે દેશના 150 ગાયકો સાથે સૂર રેલાવી રેકોર્ડ સર્જ્યો

સામાજિક સંદેશ અને સમરસતા આ આયોજન માત્ર એક મનોરંજનનો કાર્યક્રમ બનીને ન રહેતા, સામાજિક એકતાનું મજબૂત પ્લેટફોર્મ પૂરવાર થયું હતું. સંત રવિદાસના “મન ચંગા તો કઠોતી મેં ગંગા” ના સંદેશને સાર્થક કરતા આ ડાયરામાં ભાઈચારો અને સમરસતાના દર્શન થયા હતા. રાત્રિના મોડે સુધી ચાલેલા આ કાર્યક્રમમાં લોકોએ ભક્તિના રંગે રંગાઈને પૂર્વજો અને ક્રાંતિકારીઓને યાદ કર્યા હતા.

આમ, ધ્રાંગધ્રાની ધરતી પર 1લી ફેબ્રુઆરીની એ રાત ઇતિહાસના પાને અંકિત થઈ ગઈ છે, જ્યાં ભક્તિ અને બહુજન સંસ્કૃતિના જયઘોષ સાથે સમાજે પોતાની શક્તિ અને સંપત્તિ બંનેનો સદુપયોગ કરીને એક નવો દાખલો બેસાડ્યો છે.

આ પણ વાંચો: રામજી સકપાલ: ભીમરાવને ‘ડૉ.આંબેડકર’ બનાવનાર પ્રજ્ઞાવાન પિતા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x