ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના રમરેચી ગામે બનેલી એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના જગાવી છે. જૂથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ ભરતભાઈ સોંદરવાનું સાત દિવસ પૂર્વે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. આ ઘટનાને એક સપ્તાહ જેટલો સમય વીતી જવા છતાં પોલીસ તપાસમાં કોઈ નક્કર પરિણામ ન મળતા અને મોતનો ભેદ ન ઉકેલાતા દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની આશા સાથે ગઈકાલે બપોરે દલિત સમાજના 300થી વધુ લોકો અને મૃતકના પરિવારજનો તાલાલા પોલીસ સ્ટેશન ખાતે ન્યાયની પોકાર સાથે ઉમટી પડ્યા હતા.
પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં દલિતોએ આક્રોશ ઠાલવ્યો
ગઈકાલે બપોરના સમયે જ્યારે મોટી સંખ્યામાં લોકો તાલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે વાતાવરણ એકાએક ગરમાયું હતું. લોકો પોલીસ સ્ટેશનના મેદાનમાં જ ધરણા પર બેસી ગયા હતા અને “ન્યાય આપો, ન્યાય આપો”ના ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ભીડમાં મહિલાઓ, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમનો એક જ સૂર હતો કે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ જેવા જવાબદાર વ્યક્તિના મોત પાછળ જવાબદાર કોણ? પરિસ્થિતિ ગંભીર ન બને તે માટે તાલાલા પીઆઈ એ.બી. ગોહિલ અને સ્થાનિક પોલીસ કાફલાએ તુરંત જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને વેરાવળના DYSP ખેંગાર પણ તાલાલા દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સ્વામી ભગાવો ઉતારી ફરી સંસારી બન્યા!
મૃતદેહ જાહેરમાં લાવવાની ચીમકી ઉચ્ચારાતા પોલીસ ગભરાઈ ગઈ
રજૂઆત દરમિયાન ભાવુક અને આક્રોશિત થયેલા મૃતક ભરતભાઈ સોંદરવાના ભાઈએ એક તબક્કે એવી ચીમકી ઉચ્ચારી હતી કે જો પોલીસ આ મામલે ઢીલી નીતિ અપનાવશે, તો તેઓ મૃતદેહને બહાર કાઢીને પોલીસ સ્ટેશન લાવવા મજબૂર થશે. આ નિવેદનને પગલે પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. જોકે, DYSP ખેંગારે અત્યંત ધીરજ અને સમજાવટથી પરિવારજનો તથા દલિત સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે પોલીસ કોઈ પણ કસૂરવારને છોડશે નહીં, પરંતુ કાયદાકીય પ્રક્રિયા માટે પુરાવા હોવા જરૂરી છે.
શા માટે તપાસમાં વિલંબ થઈ રહી છે?
પોલીસ અધિકારીઓએ તપાસની વિગતો આપતા જણાવ્યું કે હાલમાં કોઈ પ્રત્યક્ષ સાક્ષી કે મજબૂત કડી હાથ લાગી નથી. ભરતભાઈના શરીર પર કોઈ દેખીતી ઈજાઓ ન હોવાને કારણે મોતનું કારણ અકબંધ છે. આથી, સચોટ કારણ જાણવા માટે મૃતકના વિસેરા (Visera) પૃથક્કરણ માટે એફએસએલ (FSL) લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ વિસેરા રિપોર્ટ વહેલી તકે મળે તે માટે જિલ્લા પોલીસ વડા (SP) દ્વારા ખાસ પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવશે કે આ કુદરતી મૃત્યુ છે, આત્મહત્યા છે કે પછી ઝેર અથવા અન્ય કોઈ રીતે કરવામાં આવેલી હત્યા. પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને આસપાસના સીસીટીવી ફૂટેજની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: ‘એ રાત્રે મને ઉંઘ ન આવી, 10 ની નોટ પર છંટાયેલું પાણી તરવરતું રહ્યું’

દલિત સમાજે પોલીસને 15 દિવસનો સમય આપ્યો
કલાકો સુધી ચાલેલી ચર્ચાઓ બાદ, દલિત સમાજના આગેવાનોએ પોલીસ પાસે ગુનેગારોને પકડવા માટેની ચોક્કસ સમયમર્યાદા માંગી હતી. જવાબદાર પોલીસ અધિકારીઓએ તપાસની જટિલતાને સમજાવતા 15 દિવસનો સમય માંગ્યો હતો. સમાજના આગેવાનોએ આ સમયગાળાને સ્વીકારતા સાથે જ કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, જો આગામી 15 દિવસમાં આ શંકાસ્પદ મોતનો ભેદ નહીં ઉકેલાય અને જવાબદારો સામે કાર્યવાહી નહીં થાય, તો આનાથી બમણી સંખ્યામાં લોકો સાથે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. હાલમાં, પોલીસે ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે, પરંતુ રમરેચી ગામમાં હજુ પણ સન્નાટો અને તણાવપૂર્ણ શાંતિ જોવા મળી રહી છે.
મામલો શું હતો?
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જૂથળ ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને દલિત આગેવાન ભરતભાઈ સોંદરવાનો મૃતદેહ એક અઠવાડિયા પહેલા સવારે રહસ્યમય અને શંકાસ્પદ સંજોગોમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર વ્યાપી ગઈ હતી. ભરતભાઈ માત્ર જૂથળ ગામની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી જ નહોતા સંભાળતા, પરંતુ તેઓ સમગ્ર ગીર સોમનાથ અને જૂનાગઢ વિસ્તારના એક અત્યંત સક્રિય અને નીડર દલિત નેતા તરીકેની પણ આગવી ઓળખ ધરાવતા હતા.
આ પણ વાંચો: રાજસ્થાનમાં UGC એક્ટના સમર્થનમાં SC, ST, OBC સમાજે જંગી રેલી યોજી
તેઓ રાજકીય રીતે આમ આદમી પાર્ટી (AAP) સાથે જોડાયેલા હતા અને તાલાલા તેમજ માળિયા હાટીના પંથકમાં દલિત સમાજના પાયાના પ્રશ્નો માટે સતત સંઘર્ષરત રહેતા હતા. આ ઉપરાંત, તેઓ એક સક્ષમ RTI એક્ટિવિસ્ટ તરીકે પણ જાણીતા હતા, જેમણે ગોંડલ અને મેંદરડા જેવા વિસ્તારોમાં દલિત સમાજને લગતી બાબતોમાં અને સરકારી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવીને અન્યાય સામે લડત આપી હતી. આવા જાગૃત અને લોકપ્રિય અગ્રણીનો મૃતદેહ તાલાલાના રમરેચી ગીર ગામે નવા પ્લોટ વિસ્તારમાંથી મળી આવતા અનેક તર્ક-વિતર્કો અને ગંભીર સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો: ચાણસ્મામાં દલિત મહિલા સાથે 5 શખ્સોએ 1.25 કરોડની છેતરપિંડી કરી














